Wed Sep 16 2026

Logo

કૉમનવેલ્થમાં ભારતની અસ્મિતા ઝળકી, જૂડોમાં અપાવ્યો ઐતિહાસિક ગોલ્ડઃ હર્ષ સિંહ પણ સુવર્ણ જીત્યો

Glasgow   2026-07-31 21:42:02
Author: Ajay Motiwala
કૉમનવેલ્થમાં ભારતની અસ્મિતા ઝળકી, જૂડોમાં અપાવ્યો ઐતિહાસિક ગોલ્ડઃ હર્ષ સિંહ પણ સુવર્ણ જીત્યો

ગ્લોસગોઃ ભારતની અસ્મિતા ડેએ દેશને કૉમનવેલ્થ ગેમ્સમાં જૂડોની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તેણે ફાઇનલમાં કૅનેડાની હૈદી ક્વૉચને રોમાંચક અને નાટ્યાત્મક મુકાબલામાં હરાવીને વિજય મેળવ્યો હતો અને સુવર્ણચંદ્રક પર કબજો કરી લીધો હતો. તે કૉમનવેલ્થની જૂડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની છે. પુરુષોમાં હર્ષ સિંહે પણ પોતાના વર્ગની ફાઇનલ જીતીને સુવર્ણચંદ્રક જીતી લીધો હતો. તે આ રમતોત્સવની જૂડોમાં ચૅમ્પિયન બનેલો બીજો ભારતીય અને પ્રથમ ભારતીય પુરુષ જૂડોકા બન્યો છે.

મહિલાઓની જૂડો (Judo)માં આ 48 કિલો વર્ગનો મુકાબલો હતો જેમાં અસ્મિતા શરૂઆતમાં હરીફથી ઘણી પાછળ હતી. યુકો કૅનેડિયન જૂડોકાની તરફેણમાં જવા ઉપરાંત અસ્મિતા (Asmita)ને પેનલ્ટી પણ અપાઈ હતી. જોકે અસ્મિતાએ જોરદાર કમબૅક કરીને તેને હરાવી દીધી હતી.

ચાર મિનિટના આ મુકાબલામાં એકંદરે અસ્મિતાએ જબરદસ્ત દૃઢતા બતાવી હતી. મુખ્ય મુકાબલાના સમયમાં બન્ને સ્પર્ધક એકસરખી સ્થિતિમાં હતી એટલે મુકાબલો ગોલ્ડન સ્કોર પિરિયડમાં ગયો હતો. આ નિર્ણાયક રાઉન્ડમાં પ્રથમ સ્કોરિંગ ઍક્શન પરથી વિજેતા નક્કી થાય છે અને એમાં અસ્મિતા જીતી ગઈ હતી.

અસ્મિતાએ ભયંકર પ્રેશરની સ્થિતિમાં ગજબની પ્રતિબદ્ધતા બતાવી હતી અને કૅનેડિયન હરીફથી પાછળ રહ્યા બાદ તેને માત આપી હતી.

પુરુષોની 60 કિલો કૅટેગરીમાં ભારતના હર્ષ સિંહે ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાના જોશુઆ કાટ્ઝને પરાસ્ત કર્યો હતો. ઑસ્ટ્રેલિયા આ વખતની કૉમનવેલ્થમાં હાઇએસ્ટ 50થી વધુ ગોલ્ડ મેડલ અને કુલ 115 ચંદ્રક જીત્યું છે, પણ હર્ષ સિંહે એના જૂડોકાને આ રમતમાં ગોલ્ડ નહોતો જીતવા દીધો.