મુંબઈ/છત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગરમાં એક હૃદયદ્રાવક ઘટનામાં મોબાઇલના કજિયામાં એક જ કુટુંબના ત્રણ સભ્યના જીવ ગયા હતા. નવા મોબાઇલની માગણીને લઇ ઝઘડો થયા બાદ નારાજ થઇને સુસાઇડ કરવા નીકળેલા દીકરાને સમજાવવા માતા-પિતા તેની પાછળ ગયાં હતાં. જોકે ટેકડી પરથી કૂદી પડેલા દીકરાને બચાવવાના પ્રયાસમાં પિતા પણ નીચે પટકાયા હતા અને તેમને પડતાં જોઇને માતાએ પણ નીચે ઝંપલાવી દીધું હતું.
જિલ્લામાં વાલુજ એમઆઇડીસી પોલીસ સ્ટેશનની હદમાં તીસગાંવ વિસ્તારમાં આજે બપોરે આ કમનસીબ ઘટના બની હતી. મૃતકોની ઓળખ મુરલીધર ચાંદગુડે (48), તેની પત્ની સંગીતા અને 19 વર્ષના દીકરા કુણાલ તરીકે થઇ હતી, જેઓ ઝાલ્તા ફાટા વિસ્તારમાં રહેતાં હતાં, એમ પોલીસે જણાવ્યું હતું.
વાલુજ એમઆઇડીસી પોલીસ સ્ટેશનના અધિકારીના કહેવા મુજબ આ કરુણ ઘટનાક્રમની શરૂઆત શુક્રવારે સવારે 10 વાગ્યે થઇ હતી, જ્યારે કુણાલની નવા મોબાઇલની માગણીને કારણે માતા-પિતા સાથે તેનો ઝઘડો થયો હતો. આથી કુણાલ નારાજ થયો હતો અને આત્મહત્યા કરવાને ઇરાદે તે ટેકરી પર ચડી ગયો હતો.
छत्रपति संभाजी नगर 🙀
— Govind Pratap Singh | GPS (@govindprataps12) August 21, 2026
एक लड़का आत्म'हत्या की कोशिश कर रहा था. माता-पिता और बाकी लोग 3 घंटे तक उसे समझाते रहे.
आखिर में पिता बेटे को पकड़ने के लिए आगे बढ़े, लेकिन बेटा कूदा तो पिता भी गिर गए.
इस सबके बीच घबराई मां भी पहाड़ से गिर गई.
pic.twitter.com/257RtfZW4Y
દીકરાની સલામતી માટે ચિંતિત મુરલીધર અને સંગીતા તેની પાછળ પાછળ ટેકરીની ટોચ પર ગયાં હતાં, જેથી તેની સાથે ચર્ચા કરીને તેને ઘરે પાછો ફરવા માટે સમજાવી શકાય.
જોકે પરિસ્થિતિ વણસતાં ગામવાસીઓ, પોલીસ અધિકારીઓ અને અગ્નિશમન દળના જવાનો રેસ્ક્યુ ઑપરેશનમાં મદદ કરવા માટે ઘટનાસ્થળે એકઠા થયા હતા.
અગ્નિશમન દળના જવાનો કુણાલને બચાવવા માટે ટેકરીની નીચે સૅફ્ટી નૅટ બિછાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ કુણાલ ટેકડીની ટોચ પર પોતાનું સ્થાન બદલતો રહ્યો, જેને કારણે તેમનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.
બપોરે એક વાગ્યે મુરલીધર તેના દીકરાને સમજાવવા માટે તેની નજીક પહોંચ્યો ત્યારે સંઘર્ષમાં નવો વળાંક આવ્યો હતો. કુણાલે ટેકરી પરથી કૂદકો માર્યો ત્યારે મુરલીધરે તેને બચાવવા માટે મરણિયા પ્રયાસો કર્યા, પરંતુ સંતુલન ગુમાવતાં મુરલીધર પણ ટેકરી પરથી નીચે પટકાયો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
પતિ અને દીકરાને ટેકરી પરથી નીચે પડતાં જોઇને આઘાત પામેલી સંગીતાએ પણ બાદમાં ટેકડી પરથી નીચે ઝંપલાવી દીધું હતું. ત્રણેયના મૃતદેહને પોલીસે તાબામાં લીધા હતા અને બાદમાં તેમને હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ ઘટના બાદ તીસગાંવ વિસ્તારમાં રહેવાસીઓમાં ગમગીની છવાઇ ગઇ હતી.