Mon Jun 08 2026

Logo

અશોક ખરાત વિરુદ્ધના ત્રણેય ગુનાની સંયુક્ત તપાસ એસઆઈટીને સોંપાઈ

2026-03-19 19:35:45
Author: Yogesh C Patel
Article Image

મુંબઈ: સ્વઘોષિત ન્યૂમરોલૉજિસ્ટ અને રાજકીય વર્તુળમાં સક્રિય એવા કૅપ્ટન અશોક ખરાત વિરુદ્ધના ત્રણેય કેસની સંયુક્ત તપાસ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ને સોંપવામાં આવી છે. દુષ્કર્મ અને જાતીય શોષણ સહિત પાંચ કરોડ રૂપિયાની ખંડણી માગવાના કેસમાં સપડાયેલા ખરાત પાસેથી જપ્ત કરાયેલી પેન ડ્રાઈવમાંથી વાંધાજનક 58 વીડિયો મળી આવ્યા હતા, જેને પગલે મહિલા આઈપીએસ અધિકારી તેજસ્વિની સાતપુતે આ આખા મામલાની તપાસ કરશે.

રાજ્યના ગૃહ વિભાગે લીધેલા નિર્ણય અનુસાર અશોક ખરાત વિરુદ્ધ નોંધવામાં આવેલા ત્રણેય કેસની તપાસ એસઆઈટી કરશે. મહારાષ્ટ્ર પોલીસ મુખ્યાલયે આ પ્રકરણની ગંભીર નોંધ લઈ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા હતા.

ખરાત વિરુદ્ધ નાશિક શહેરના સરકારવાડા પોલીસ સ્ટેશનમાં 35 વર્ષની મહિલાનું જાતીય શોષણ અને દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો હતો. એ સિવાય નાશિક ગ્રામીણના વાવી પોલીસ સ્ટેશનમાં ખરાત વિરુદ્ધ અશ્ર્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પાંચ કરોડ રૂપિયાની ખંડણી માગવાનો ગુનો તો અહિલ્યાનગરના શિર્ડી પોલીસ સ્ટેશનમાં એક પીડિતાના અશ્ર્લીલ ફોટો વાયરલ કરવા પ્રકરણે ગુનો નોંધાયો હતો.

આ ત્રણેય ગુનામાં ગંભીર કલમો લગાવવામાં આવી હોવાથી તપાસ એસઆઈટીને સોંપાઈનો નિર્ણય લેવાયો છે. કેસને સંબંધી દસ્તાવેજો, કેસ ડાયરી, ઉપલબ્ધ પુરાવા તાત્કાલિક એસઆઈટીને સોંપવાનો આદેશ અપાયો છે. એસઆઈટીના પ્રમુખ તરીકે આઈપીએસ અધિકારી તેજસ્વિની સાતપુતેની નિયુક્તિ કરાઈ છે.

સિન્નર તાલુકાના મિરગાંવ ખાતે આવેલા એક ટ્રસ્ટના અધ્યક્ષ અશોક ખરાત મર્ચન્ટ નેવીના નિવૃત્ત અધિકારી છે. ન્યૂમરોલૉજિસ્ટ અને કોસ્મોલૉજી એક્સપર્ટ તરીકેની તેમની ઓળખ છે. હાલમાં તે 24 માર્ચ સુધીની પોલીસ કસ્ટડીમાં છે.