57 દિવસ પછી સત્ય બહાર આવ્યું: ફડણવીસે આગલી રાતની બધી વાત રેકર્ડ પર મૂકી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અજિત પવારના હેલિકોપ્ટરની હોનારત અકસ્માત હતો કે કાવતરૂં એ બાબતે હજી પણ વિવાદ ચાલી રહ્યા છે અને તેમના ભત્રીજા અને વિધાનસભ્ય રોહિત પવાર રોજ ગંભીર પ્રશ્ર્નો ઊભા કરી રહ્યા છે ત્યારે રોહિત પવાર દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલા પાઈલટ બદલવાના અને વિમાન બદલવાના કારણોની સ્પષ્ટતા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સત્તાવાર રીતે રેકર્ડ પર મૂકતાં અકસ્માતની આગલી રાતની બધી જ હકીકત જણાવી હતી.
57 દિવસ પછી, ફડણવીસે જણાવ્યું હતું કે તે દિવસે પાઇલટને કેમ બદલવામાં આવ્યો.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે બારામતી એરપોર્ટ પર વિમાન ઉતારતા પહેલા અકસ્માત થયો હતો. અજિત પવારના અકસ્માતની તપાસ સીઆઈડી કરી રહી છે. તપાસમાં બહાર આવ્યું છે કે પાઇલટનો આલ્કોહોલ ટેસ્ટ નેગેટિવ હતો. 27 જાન્યુઆરીના રોજ રાત્રે 9:11 વાગ્યે અજિત પવારના વિમાનના પાઇલટની નિમણૂક કરવામાં આવી હતી. આ સમયે, વિમાનના ક્રૂ ડિટેલ્સમાં સાહિલ મદન અને યશના નામ અસ્થાયી રૂપે બારામતી એરપોર્ટ પર મેઇલ કરવામાં આવ્યા હતા. આ સ્લોટ ફિક્સ કરવાની પદ્ધતિ છે. તે પછી, પાઇલટ અને કો-પાઇલટની નિમણૂક કરવામાં આવે છે, એમ વીએસઆર કંપની દ્વારા જણાવાયું હતું.
વીએસઆર કંપનીની ઓપરેશન ટીમે સવારે 10:42 વાગ્યે નિર્ધારિત પ્રવાસ માટે કેપ્ટન રાહુલ ઓબેરોય અને દિલીપ સિંહને સહ-પાઇલટ તરીકે નિયુક્ત કર્યા હતા, પરંતુ પાઇલટ ઓબેરોય બીમાર હોવાથી, તેમણે સવારની ફ્લાઇટને બદલે સાંજે લાતુરની ફ્લાઇટમાં ફરજ સોંપવાની વિનંતી કરી હતી. તે પછી તરત જ, વીએસઆરની ટીમે સુમિત કપૂર અને કો-પાઇલટ શામ્ભવી પાઠકને તેમના સ્થાને નિયુક્ત કર્યા હતા. તે પછી, કંપનીએ રાત્રે 11:54 વાગ્યે શિફ્ટ રોસ્ટર વોટ્સએપ ગ્રુપ પર સંબંધિત વિગતો મોકલી. તેથી, નિમણૂંક સમયસર થઈ ન હતી, એમ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.