Mon Sep 07 2026

Logo

ગોરાઈમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી અમદાવાદની યુવતીનો આપઘાત

2026-03-29 08:31:00
Author: Yogesh C. Patel
ગોરાઈમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી અમદાવાદની યુવતીનો આપઘાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બોરીવલી પશ્ર્ચિમના ગોરાઈ પરિસરમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી અમદાવાદની યુવતીએ કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
બોરીવલી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સચિન સષ્ઠેએ જણાવ્યું હતું કે મૃતકની ઓળખ જિયા અશોક ગજ્જર (35) તરીકે થઈ હતી. જિયા છેલ્લાં બે વર્ષથી બાન્દ્રાના સેલૉંમાં કામ કરતી હતી.
મળતી માહિતી અનુસાર જિયાની માતા અને ભાઈ ગુજરાતના અમદાવાદ શહેરમાં રહે છે. નોકરી માટે મુંબઈ આવેલી જિયા ગોરાઈ સેક્ટર-બેમાં ભાડેથી પેઈંગ ગેસ્ટ તરીકે થઈ હતી. શનિવારે રૂમમાં એકલી હતી ત્યારે જિયાએ અંતિમ પગલું ભર્યું હોવાનું કહેવાય છે.

બપોર સુધી જિયા રૂમમાંથી બહાર ન આવતાં રૂમની માલકણ જોવા ગઈ હતી. દરવાજો ખોલતાં જ તેને આંચકો લાગ્યો હતો. પંખા સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં જિયા નજરે પડી હતી.
બનાવની જાણ થતાં જ બોરીવલી પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલિકા સંચાલિત હૉસ્પિટલમાં મોકલી દેવાયો હતો. ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નહોતી, પરંતુ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરતાં યુવતીએ આત્મહત્યા કરી હોવાનું જણાય છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.

યુવતીના આવા પગલા ભરવા પાછળનું કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું. જિયાના ભાઈને ઘટનાની જાણ કરવામાં આવી હતી. માતા અને ભાઈ મુંબઈ આવવા નીકળી ગયાં હતાં. તેમનું નિવેદન નોંધ્યા પછી વધુ કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં પોલીસે એડીઆર નોંધી જિયાના ફ્રેન્ડ્સ અને એ રહેતી હતી ત્યાંના લોકોની પૂછપરછ કરી હતી.