ભુજઃ ભચાઉના આધોઈ-ચોબારી સોપારીકાંડમાં તપાસનો ધમધમાટ ચાલતો હોવા છતાં મુખ્ય સૂત્રધારો હજુ પોલીસ પકડથી દૂર છે. આ પ્રકરણમાં કાસેઝ (કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન)ના એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના અહેવાલોથી ખળભળાટ મચી ગયો છે, બીજી તરફ પોલીસની એક ટીમ ઉત્તરપ્રદેશ સુધી તપાસ લંબાવ્યા બાદ પણ ખાલી હાથે પરત ફરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પૂર્વે સરહદી રેન્જની સાયબર સેલ પોલીસે આધોઈ નજીકથી અંદાજે દોઢ કરોડની કિંમતની સોપારીનો જથ્થો ઝડપી પાડી આ મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આ સોપારીનો જથ્થો કાસેઝમાંથી બહાર નીકળ્યો હોવાનું ખુલ્યું હતું. જોકે, કાસેઝની કઈ કંપનીમાંથી આ માલ ગેરકાયદે રીતે બહાર મોકલવામાં આવ્યો હતો, તે અંગે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટ ફોડ પાડવામાં આવ્યો નથી.
આ પ્રકરણમાં કાસેઝ તંત્ર દ્વારા આંતરિક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના અંતે એક પી.ઓ. (પ્રિવેન્ટિવ ઓફિસર) કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની વિગતો સપાટી પર આવી છે. જોકે, આ કાર્યવાહી કયા ચોક્કસ કારણોસર કરવામાં આવી છે તેની કોઈ સત્તાવાર જાહેરાત તંત્ર દ્વારા કરવામાં આવી નથી, જેને પગલે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
મળતી માહિતી મુજબ, આ કાંડના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે પોલીસની એક વિશેષ ટીમ દિવસો સુધી ઉત્તરપ્રદેશમાં ધામા નાખી આવી હતી. સ્થાનિક સ્તરે અનેક જગ્યાઓએ દરોડા પાડવામાં આવ્યા હોવા છતાં આરોપી પોલીસના સકંજામાં આવ્યો ન હતો. પરિણામે, કરોડોના આ કૌભાંડની તપાસ હાલ 'ઠેરની ઠેર' અટકેલી હોય તેમ જણાઈ રહ્યું છે.સ્થાનિકોમાં ચર્ચા છે કે જો ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ તપાસ થાય તો કાસેઝની અંદર ચાલતા અન્ય મોટા નેક્સસનો પણ પર્દાફાશ થઈ શકે છે.
(ઉત્સવ વૈદ્ય)