મુંબઈઃ ટીમ ઇન્ડિયાના ટી-20 કૅપ્ટન અને આઇપીએલની પહેલાં ભારતને ટી-20 વર્લ્ડ કપનો તાજ અપાવનાર સૂર્યકુમાર યાદવની પત્ની દેવિશા (Devisha)એ પુત્રીને જન્મ આપ્યો છે. સૂર્યકુમારે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને આ ખુશી વ્યક્ત કરી હતી જેને પગલે સોશ્યલ મીડિયામાં તેના પર અભિનંદનની વર્ષા થઈ છે.
સૂર્યકુમારે (Suryakumar) ઇન્સ્ટાગ્રામ પર પોતાના સત્તાવાર હૅન્ડલ પર આ ગુડ ન્યૂઝ શૅર કર્યા અને જણાવ્યું છે કે તેના ઘરમાં નાની પરીનું આગમન થયું છે. સૂર્યા અને દેવિશાએ 2016માં લગ્ન કર્યાં હતાં.
સૂર્યકુમારે પોસ્ટમાં લખ્યું હતું, `ખુશી અને હર્ષોલ્લાસ સાથે અમે નાની પરીનું અમારા પરિવારમાં સ્વાગત કરીએ છીએ.'
સૂર્યાએ પોસ્ટ શૅર કરી એ સાથે જ તેના પર અભિનંદનનો વરસાદ વરસ્યો હતો. અભિનેતા રણવીર સિંહે લખ્યું, `ઇશ્વર આ નાની પરીને હંમેશાં ખુશ અને સુરક્ષિત રાખે એવી શુભેચ્છા.' મુંબઈ ઇન્ડિયન્સે સૂર્યાને તેમ જ તેની પત્ની દેવિશાને અભિનંદન અને શુભકામના પાઠવી હતી, જ્યારે આર. અશ્વિનની પત્ની પ્રીતિએ રેડ હાર્ટવાળી અનેક ઇમોજી પોસ્ટ કરી હતી.