Thu Sep 03 2026

Logo

અમદાવાદની ઘી કાંટા મેટ્રો કોર્ટમાં આંતરધર્મીય લગ્નની નોંધણી વિરોધ વચ્ચે મોકૂફ

2026-05-07 21:26:45
Author: Devayat Khatana
અમદાવાદની ઘી કાંટા મેટ્રો કોર્ટમાં આંતરધર્મીય લગ્નની નોંધણી વિરોધ વચ્ચે મોકૂફ

અમદાવાદઃ શહેરની ઘી કાંટા મેટ્રો કોર્ટમાં હાઈ કોર્ટના આદેશ બાદ યોજાનાર આંતરધર્મીય લગ્ન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ભારે વિરોધ વચ્ચે મોકૂફ રાખવામાં આવી હતી, કારણ કે ગુજરાત હાઈ કોર્ટે માર્ચ મહિનામાં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લઘુમતી યુવક અને હિન્દુ યુવતીના લગ્ન કરાવવા તથા યુવતીના નામે રૂ. 3 લાખ જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. 

આ હુકમને પગલે જ્યારે યુવક-યુવતી લગ્ન નોંધણી માટે કોર્ટ પહોંચવાના હતા, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના કાર્યકરો મોટી સંખ્યામાં કોર્ટના પરિસરમાં ઉમટી પડ્યા હતા અને 'જય શ્રી રામ'ના નારા લગાવી શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો. જોકે, આ પરિસ્થિતિની ગંભીરતાને જોતા કોર્ટના સંકુલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો.

આ વિવાદ વચ્ચે લગ્ન રજિસ્ટ્રાર સૈયદ રજા પર ઉતરી જતાં અને વિશ્વ હિન્દુ પરિષદની રજૂઆત બાદ ચાર્જમાં રહેલા અધિકારીએ આજની લગ્ન નોંધણીની મુદત મોકૂફ રાખી હતી. અસારવા વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષે આક્ષેપ કર્યો હતો કે રજિસ્ટ્રાર નિયમ મુજબ લગ્નની નોટિસ બોર્ડ પર લગાવતા નથી અને એકપક્ષીય રીતે મુસ્લિમ યુવકોને સહયોગ આપે છે. 

રજિસ્ટ્રાર સૈયદ અગાઉ પણ આવા અનેક વિવાદાસ્પદ લગ્નો કરાવી ચૂક્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે અમે રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે તેઓ જાણી જોઈને રજા પર ઉતરી ગયા હતા અને હવે જ્યારે નવી તારીખ આપવામાં આવશે ત્યારે સંગઠન કાયદાકીય સલાહ લઈને આગળ વધશે તેમ જણાવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, આ કેસની હિન્દુ યુવતી છેલ્લા બે મહિનાથી નારી સંરક્ષણ ગૃહમાં છે અને હવે આગામી દિવસોમાં નવી તારીખે લગ્ન નોંધણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.