Fri Sep 04 2026

Logo

અમરેલીમાં સિંહનો કારચાલકે પીછો કરીને હેરાન કરતો વીડિયો વાયરલ, તપાસ માટે વન વિભાગ દ્વારા SITની રચના

2026-05-07 20:06:43
Author: Devayat Khatana
અમરેલીમાં સિંહનો કારચાલકે પીછો કરીને હેરાન કરતો વીડિયો વાયરલ, તપાસ માટે વન વિભાગ દ્વારા SITની રચના

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમરેલી
: ગુજરાતનું ગીર એ એશિયાટિક સિંહો માટેનું એકમાત્ર નિવાસ સ્થાન છે, ત્યારે હાલ સરકારના પ્રયાસોથી ગીરમાં સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે, આ દરમિયાન સાવજો હવે ગીર જંગલ સિવાય બૃહદ ગીર ગણાતા વિસ્તારમાં પણ ફરે છે. ત્યારે અમરેલી જિલ્લામાં એશિયાટિક સિંહને કાર દ્વારા પીછો કરી હેરાન કરવામાં આવતો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વાયરલ ફૂટેજમાં જોઈ શકાય છે કે, રેવન્યુ વિસ્તારમાં કેટલાક લોકો કારમાં સિંહનો કોઈ શ્વાન હોય તે રીતે પીછો કરી રહ્યા છે, જેના કારણે ગભરાયેલો સિંહ જીવ બચાવવા દોડી રહ્યો છે. એટલું જ નહીં, વીડિયોમાં કારમાં સવાર એક વ્યક્તિ સિંહ તરફ કંઈક ફેંકતો પણ નજરે પડે છે. વન્યજીવ પ્રેમીઓમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને પગલે વન વિભાગે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા ધારી ગીર પૂર્વના ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ વિકાસ યાદવે આ મામલે વિગતવાર તપાસનો આદેશ આપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ ગુનામાં સંડોવાયેલા લોકોને પકડવા માટે રામ રતન નાલા દ્વારા એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી છે. આ ટીમમાં એક એસીએફ અને ઉના, ખાંભા મોબાઈલ કોડ, ટાસ્ક જૂનાગઢ અને ગીર ગઢડા ડિવિઝનના ત્રણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. વન વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ સિંહને પરેશાન કરવો એ ગંભીર ગુનો છે.

ડીસીએફ વિકાસ યાદવે જણાવ્યું હતું કે,"એશિયાટિક સિંહ સૌરાષ્ટ્ર અને રાષ્ટ્રનું ગૌરવ છે. સિંહ શેડ્યૂલ-1 માં આવતું સંરક્ષિત પ્રાણી હોવાથી તેને હેરાન કરવા બદલ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે." તેમણે વધુમાં ઉમેર્યું કે, વીડિયો અપલોડ કરનાર અને વાયરલ કરનાર શખ્સો સુધી પહોંચવા માટે સાયબર સેલની મદદ લેવામાં આવશે. હાલમાં તપાસ ટીમ વીડિયોમાં દેખાતા વ્યક્તિઓની ઓળખ કરવા અને આ ઘટના કયા ચોક્કસ સ્થળે બની હતી તેની વિગતો મેળવી રહી છે.