Sat Sep 05 2026

Logo

મુંબઈ મહાનગર પાલિકામાં મહાયુતિમાં અંદરોઅંદર ઝઘડા

2026-05-07 22:39:45
Author: Sapna Desai
મુંબઈ મહાનગર પાલિકામાં મહાયુતિમાં અંદરોઅંદર ઝઘડા

IANS


ચોમાસા પહેલાં નાળાસફાઈના ઈન્સ્પેકશનને મુદ્દે ભાજપ-શિંદેસેનાના એકબીજા પર આરોપ-પ્રત્યારોપ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ચોમાસું નજીક હોઈ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મોટા પાયા પર નાળાની સફાઈનું કામ હાથ ધરવામાં આવ્યું છે. મુંબઈ મેયર હાલ જુદા જુદા વિસ્તારોમાં નાળાસફાઈના કામનું ઈન્સ્પેકશન કરી રહ્યા છે ત્યારે આ અભિયાનમાં શિંદે સેનાને એકબાજુએ કરી નાખવામાં આવી હોવાની નારાજગી શિંદેસેના દ્વારા કરવામાં આવતા પાલિકામાં શાસન કરનારી મહાયુતિના ગઠબંધન વચ્ચે તિરાડ પડી ગઈ હોવાનું જણાઈ આવ્યું છે.

ગુરુવારે ડેપ્યુટી મેયર અને શિવસેના (શિંદે) નેતા સંજય ઘાડીએ ભાજપના નેતાઓ પર શહેરમાં ચોમાસા પહેલા ચાલી રહેલા નાળાસફાઈના કામના ઈન્સ્પેકશન દરમ્યાન શિવસેનાને એક તરફ કરી નાખી હોવાનો આરોપ કર્યો હતો. ગુરુવારે ડેપ્યુટી મેયર કુર્લામાં મીઠી નદીના સફાઈના કામના ઈન્સ્પેકશન દરમ્યાન એવા આક્ષેપ કર્યા હતા કે મુંબઈના મેયરે તેમને છેલ્લા બે દિવસથી હાથ ધરવામાં આવેલા નાળાસફાઈના ઈન્સ્પેકશન બાબતે કોઈ જાણ કરી નથી.

છેલ્લા બે દિવસથી મેયર પૂર્વ ઉપનગરમાં ભાંડુપ, મુલુંડ, ઘાટકોપર અને કુર્લામાં નાળાસફાઈના કામનું ઈન્સ્પેકશન કરી રહ્યા છે અને તેમની સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષની સાથે ભાજપના અન્ય નગરસેવકો પણ સાથે હોય છે. જોકે આ બાબતે શિંદે સેનાને કોઈ જાણ કરવામાં આવી ન હોવાની નારાજગી ડેપ્યુટી મેયરે વ્યક્ત કરી હતી. તેને કારણે પાલિકામાં ભાજપ-શિંદે સેના વચ્ચે ઘર્ષણ હોવાની અટકળો શરૂ થઈ ગઈ છે.

આ અગાઉ પણ શિંદેસેનાના નગરસેવક અમેય ઘોલેએ પાલિકાના ભૂતપૂર્વ કમિશનર ભૂષણ ગગરાણીને પત્ર લખીને આરોપ કર્યો હતો કે મેયરની ગેરહાજરીમાં ‘મુંબઈ ક્લીન લીગ’ અભિયાનના લોન્ચિંગ દરમ્યાન ડેપ્યુટી મેયરને ચોથી હરોળમાં બેસાડીને પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.