ન્યૂ યોર્ક/હેગઃ આર્જેન્ટિનાથી રવાના થયેલ એક ડચ ક્રૂઝ શિપ એમવી હોંડિયસ સંક્રમિત હંટાવાયરસે દુનિયાભરના વૈજ્ઞાનિકોને ચોંકાવી નાખ્યા છે. આ જહાજ પર સવાર પ્રવાસીઓ પણ ગંભીર રીતે બીમાર પડ્યા છે, જ્યારે ત્રણ જણનાં મૃત્યુ થયા છે. હંટા વાયરસને કારણે આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંબંધિત એજન્સીઓ સતર્ક બની ગઈ છે.
આ મુદ્દે હવે સત્તાવાર રીતે વર્લ્ડ હેલ્થ ઓર્નેગાઈઝેશનએ પુષ્ટિ કરી છે. જહાજ સંબંધિત આઠ કેસ ધ્યાનમાં આવ્યા છે, જેમાં પાંચમાં હંટાવાયરસની પુષ્ટિ કરી છે, જેમાં ત્રણ સંદીગ્ધ છે. ત્રણ લોકોના મૃત્યુ થયા છે, જેને કારણે દુનિયાભરમાં આ બીમારીને લઈ ગંભીર ચિંતા ઊભી કરી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ના પ્રમુખે વાયરસને લઈ મીડિયા બ્રીફિંગમાં કહ્યું છે કે આ કોઈ નવો વાયરસ નથી અને ના તો કોવિડ19 જેવી મહામારી જેવી સ્થિતિ. તેમણે વધુમાં સ્પષ્ટતા કરતા કહ્યું કે આ કોઈ કોરોના વાયરસ નથી અને કોઈ મહામારી પણ નથી. એટલે છ વર્ષ પહેલા જે રીતે દુનિયામાં કોરોના મહામારી વખતે જે કટોકટી ઊભી થઈ હતી એવી કોઈ સ્થિતિ નથી. એની સાથે હૂએ એ 12 દેશને પણ સત્તાવાર રીતે એલર્ટ આપ્યું છે, જેમાં નાગરિકો સેન્ટ હેલેનાથી ક્રૂઝ શિપ પર ઊતર્યા હતા, જેમાં બ્રિટન, અમેરિકા, કેનેડા, જર્મની, નેધરલેન્ડ, સ્વિટઝર્લેન્ડ, સિંગાપોર અને તુર્કીયે વગેરે દેશનો સમાવેશ થાય છે. રાહતની વાત એ છે ક્રૂઝ પરના હાજર પ્રવાસીઓમાં કોઈ લક્ષણો જણાયા નથી.
એટલાન્ટિક મહાસાગરમાં દુર્ગમ ટાપુઓનો પ્રવાસ કરી રહેલા એક ક્રુઝ જહાજમાં હંટા વાયરસનું સંક્રમણ ફેલાતા હાહાકાર મચી ગયો હતો. આ પ્રકોપને કારણે અત્યાર સુધીમાં ત્રણ યાત્રીઓના મોત થયા છે. જ્યારે અનેક લોકો બીમાર થયા છે. આ મામલે જહાજના સંચાલક અને ડચ અધિકારીઓએ જણાવ્યું કે જીવલેણ હંટા વાયરસના પ્રકોપની ઝપટે ચઢેલા જહાજમાંથી ડઝનબંધ યાત્રીઓ કોઇ પણ 'કોન્ટેક્ટ ટ્રેસિંગ' વિના ઉતરી ગયા હતા. આ ઘટના જહાજ પર પ્રથમ યાત્રીના મૃત્યુના લગભગ બે અઠવાડિયા બાદ સામે આવી છે.
કંપનીએ અગાઉ જણાવ્યું હતું કે ૧૧ એપ્રિલના સંક્રમણને લીધે મૃત્યુ પામેલા ડચ યાત્રીના મૃતદેહને દક્ષિણ એટલાન્ટિકના દૂરવર્તી ટાપુ સેન્ટ હેલેના પર જહાજમાંથી ઉતારવામાં આવ્યો હતો. જ્યાં તેની પત્ની પણ ઉતરી ગઇ હતી. ત્યાર બાદ તે દક્ષિણ આફ્રિકા ચાલી ગઇ હતી અને ત્યાં જ તેનું પણ મૃત્યુ થયું હતું. કંપનીએ જણાવ્યું કે ૨૯ યાત્રીઓ જહાજમાંથી ઉતર્યા હતા. જ્યારે ડચ વિદેશ મંત્રાલયે આ આંકડો લગભગ ૪૦ હોવાનું જણાવ્યું હતું. કંપનીએ તે સમયે ડઝનબંધ યાત્રીઓ ઉતર્યા હોવાનું સ્વીકાર્યું નહોતું.
ઓશનવાઇડ એક્સપિડિશન્સે જણાવ્યું કે જે લોકો જહાજમાંથી ઉતરીને પોતપોતાના દેશ પરત ફર્યા હતા, તેઓ ઓછામાં ઓછા ૧૨ અલગ અલગ દેશોના નાગરિકો હતા. જ્યારે બે લોકો એવા હતા, જેમની રાષ્ટ્રીયતાની જાણકારી નહોતી.