Fri Jun 19 2026

Logo

રાજકોટમાં 44 લાખની ગેસ ચોરી ઝડપાઈ: ત્રણ જણ સામે કાર્યવાહી કરાઈ

2026-05-07 21:39:09
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ  
રાજકોટના શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગુજરાત ગેસ લિમિટેડની મુખ્ય પાઈપલાઈનમાંથી ગેરકાયદેસર કનેક્શન મેળવીને લાખો રૂપિયાની ગેસ ચોરી કરવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. વેરાવળના વેદાંતિ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી 'ઇન્ટરનલ ફૂડ પ્રોડક્ટ' નામની ફેક્ટરીમાં કંપનીના ટેકનિકલ વિભાગ દ્વારા હાથ ધરાયેલા સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન આ ચોરી પકડાઈ હતી.

તપાસમાં જાણવા મળ્યું હતું કે ફેક્ટરીના સંચાલકોએ ગેસ કંપનીની મુખ્ય લાઇન સાથે ચેડાં કરી ગેરકાયદેસર કનેક્શન મેળવ્યું હતું, જેના દ્વારા મીટરમાં નોંધાયા વગર ગેસનો વપરાશ કરવામાં આવતો હતો. પ્રાથમિક અંદાજ મુજબ, છેલ્લા એક વર્ષમાં અંદાજે 64,343 યુનિટ ગેસની ચોરી કરવામાં આવી હતી, જેનાથી કંપનીને આશરે રૂ. 44.52 લાખનું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે.

આ મામલે ગુજરાત ગેસના એન્જિનિયરની ફરિયાદના આધારે શાપર-વેરાવળ પોલીસે ફેક્ટરીના ઓપરેટરો દીપેન ઠુમ્મર, પરેશ ઠુમ્મર અને કાજલ મેઘનાણી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ પેટ્રોલિયમ અને મિનરલ્સ પાઇપલાઇન એક્ટની કલમ 15(1) હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગેસ લાઈનમાં પંચર કરીને કરવામાં આવતી આ પ્રકારે ગેસ ચોરી માત્ર આર્થિક નુકસાન જ નહીં, પરંતુ મોટા અકસ્માતને પણ નિમંત્રણ આપી શકે છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.