Wed Jun 17 2026

Logo

રાજ્યમાં 1000 ટુરિસ્ટ ગાઈડ તૈયાર કરાશે, જાણો બજેટમાં પ્રવાસન વિભાગ માટે બીજી શું થઈ જાહેરાતો

2026-02-18 15:54:00
Author: Mayurkumar Patel
Article Image

ગાંધીનગરઃ ગુજરાત બજેટમાં પ્રવાસન વિભાગને લઈ મોટી જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત રાજ્યમાં 1000 ટુરિસ્ટ ગાઈડ તૈયાર કરાશે. આ માટે  ₹૯૫ કરોડની જોગવાઇ કરવામાં આવી હતી.

રાજ્યની પરંપરા, મહેમાનગતિ અને ઐતિહાસિક ભવ્યતા સાથે “વેડ ઇન ગુજરાત(Wed in Gujarat) કેમ્પેઇન દ્વારા ગુજરાતની વેડીંગ ડેસ્ટીનેશન તરીકે આગવી ઓળખ ઊભી કરવામાં આવશે. અંબાજી યાત્રાધામના સર્વાંગી વિકાસ માટે “અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન અંતર્ગત ₹૩૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

પવિત્ર યાત્રાધામ બહુચરાજીના નવનિર્માણ, જૂનાગઢના ગીરનાર ખાતે યોજાતા મહાશિવરાત્રીના મેળામાં અને માઁ નર્મદાની પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ₹૫૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

સોમનાથ અને શિવરાજપુર બીચ પ્રવાસીઓ માટે વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે આકર્ષક પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસી રહ્યાં છે. તેમજ વિસાવડા-પોરબંદર ખાતે સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા કુલ ₹૬૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

રાજ્યના પવિત્ર યાત્રાધામ સોમનાથ અને અંબાજી ખાતે આઇકોનિક બસ સ્ટેશન તેમજ અન્ય સ્થળોએ બસ સ્ટેશન બનાવવામાં આવશે અને સોમનાથ મુકામે મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબના ધોરણે અદ્યતન સુવિધા ધરાવતું બસ પોર્ટનું નિર્માણ કરવામાં આવશે. જેના માટે ₹૪૪૭ કરોડનું આયોજન છે. 

ગુજરાત આજે ઔદ્યોગિક રાજ્યની સાથે ધાર્મિક અને આધુનિક પ્રવાસનનું વૈશ્વિક કેન્દ્ર બની રહ્યું છે. વર્ષ ૨૦૨૫-૨૬માં ૨૨ કરોડથી વધુ પ્રવાસીઓ રાજ્યના મહેમાન બન્યા છે.

​ગુજરાત પાસે સફેદ રણના સૌંદર્યથી દરિયાના ઘૂઘવતાં મોજા સુધી, સૂર્યમંદિરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી, ગીરની ગર્જનાથી સોમનાથ સુધી પ્રકૃતિનું વૈવિધ્ય અને સંસ્કૃતિનો અદ્વિતીય સંગમ છે. ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ફલક પર પ્રસ્થાપિત કરવા વર્ષ ૨૦૨૬ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.