Sun Jul 05 2026

Logo

વરરાજાનું શોષણ... ક્ધયાનું પોષણ

2026-07-05 11:23:00
Author: Milan Trivedi
Article Image

 

 



 

મસ્તરામની મસ્તી - મિલન ત્રિવેદી

 

લગ્ન નક્કી થાય એટલે એ પુરુષ માટે સુગર કોટેડ ક્વિનાઈન જેવું છે. હમણાં મારા એક મિત્રના લગ્ન નક્કી થયા. ભાઈના ચહેરા પર એવી રોશની હતી જાણે આખા ગામની વીજળી એના મોઢા પર જ કનેક્ટ થઈ ગઈ હોય! મેં પૂછ્યું, ‘કેમ આટલો મલકાય છે?’ તો કહે, ‘લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કાલે અમે આખું ખાનદાન શોપિંગમાં જવાના છીએ.’ મેં એની પીઠ થાબડીને કહ્યું, ‘ભગવાન તારા આત્માને... આ આત્માને તો નહીં, પણ તારા પગના તળિયાને શાંતિ આપે!’

 

લગ્નની તૈયારીમાં ખરીદીનું જે લિસ્ટ બને છે ને, એ કોઈ લિસ્ટ નથી હોતું, એ વાસ્તવમાં પુરુષના અહંકાર અને પાકીટ પર થનારી વિધિવત સર્જિકલ સ્ટ્રાઈક છે.

 

આ આખી ખરીદીની પ્રક્રિયામાં વર અને ક્ધયા વચ્ચે જે ભેદભાવ થાય છે એ જોઈને યુનાઇટેડ નેશન્સ (UN)ના માનવાધિકાર પંચવાળા પણ આવીને રડી પડે!

 

ચાલો, જરા ક્ધયા પક્ષના શોપિંગ લિસ્ટ પર નજર કરીએ...

 

1) સવારના માંડવા મુહૂર્તની સાડી (જેનો રંગ સૂર્યના પહેલા કિરણ જેવો હોવો જોઈએ).

 

2) બપોરના જમણવારનો લહેંગો (જે જમવામાં પીરસાનારી બુંદીના લાડુ સાથે મેચ થતો હોવો જોઈએ).

 

3) સાંજના હસ્તમેળાપનો અંબોટો અને ચણિયાચોળી (જેમાં એટલા હીરા-મોતી જડેલા હોય કે વજનના લીધે ક્ધયા સ્ટેજ પરથી હલી જ ના શકે).

 

4) રિસેપ્શનનું ગાઉન (જે એટલું લાંબું હોય કે પાછળ બે નાના છોકરાઓએ એને ટ્રેનની જેમ પકડીને ચાલવું પડે).

 

5) અને હા, છેલ્લે વિદાય વખતનો સિમ્પલ ડ્રેસ (જે રડતી વખતે આંખના મસ્કારા સાથે કેમિકલ રિએક્શન ન કરે એવો હોવો જોઈએ!).

 

આ આખું લિસ્ટ જોઈને એવું લાગે કે ક્ધયા કોઈ લગ્ન કરવા નથી જઈ રહી, પણ કોઈ આંતરરાષ્ટ્રીય ફેશન વીકમાં ‘શો-સ્ટોપર’ તરીકે એન્ટ્રી મારી રહી છે.

 

દુકાનમાં જાઓ એટલે સેલ્સમેન પણ ક્ધયા સામે એવી રીતે ઝૂકી જાય જાણે ક્ધયા એલિઝાબેથ રાણીના સીધા વંશજ હોય.

 

‘મેડમ, આ પેસ્ટલ કલર જુઓ... આ લાઈટ લેવેન્ડર જુઓ... આ પીચ કલર તમારા ટોન સાથે બ્લેન્ડ થઈ જશે!’ ક્ધયા પણ ચશ્માં અધ્ધર કરીને કહે, ‘ના, આમાં જે ઝરીનું કામ છે ને, એ થોડું લાઉડ લાગે છે. મને પેલું સબલ (Subtle) લુક વાળું બતાવો.’ સેલ્સમેન તરત જ બીજો તાકો ખોલે. પાંચ કલાક પછી, બસો સાડીઓ જોયા બાદ, ક્ધયા ફાઇનલી એ જ સાડી પસંદ કરે છે જે એણે દુકાનમાં ઘૂસતી વખતે પહેલી પાંચ સેક્ધડમાં જોઈ હતી!

 

હવે આ આખી ધમાલ વચ્ચે આપણા વરરાજા તરફ નજર કરો. બિચારો વરરાજા દુકાનના એક ખૂણામાં સોફા પર એવો પડ્યો હોય છે જાણે કોઈ હોસ્પિટલના વેઇટિંગ રૂમમાં ઓપરેશન થિયેટરની બહાર નર્વસ દર્દી બેઠો હોય!

 

ક્ધયાની પાંચ કલાકની ખરીદી પતે એટલે વડીલો વરરાજા તરફ જુએ અને કહે, ‘ચાલ ભાઈ, હવે તારો વારો. ફટાફટ પતાવી લઈએ, મોડું થાય છે!’

 

જોયું? વરરાજાના શોપિંગ વખતે આ ‘ફટાફટ પતાવી લઈએ’ શબ્દ બહુ મહત્ત્વનો છે. વરરાજા માટે લિસ્ટમાં શું હોય? એક શેરવાની અને બે ઝભ્ભા-લેંઘા! બસ, વાર્તા પૂરી. વરરાજાના કપડાંની ખરીદી એટલે જાણે સુપરમાર્કેટમાંથી સાબુ-શેમ્પૂ ખરીદવા જેવું કામ છે.

 

સેલ્સમેન વરરાજાને એક શેરવાની બતાવીને કહેશે, ‘સર, આ એકદમ લેટેસ્ટ પીસ છે.’ વરરાજા હજી શેરવાનીનું કાપડ અડીને વિચારે ત્યાં તો પાછળથી સાસુ અથવા કાકી બોલી ઊઠે, ‘હા, સરસ છે. કલર પણ બરાબર છે અને ફિટિંગ તો દરજી કરી આપશે. ચાલો, આ એક ફાઇનલ કરો!’ બિચારો વરરાજા મનમાં વિચારતો હોય કે, ‘અરે, મને તો પૂછો! 

 

લગ્ન મારા થાય છે, આ શેરવાની મારે પહેરવાની છે!’ પણ ના, એનો અવાજ કોઈ સાંભળતું નથી.

 

આ બધું જોઈને મને તો ક્યારેક એમ થાય છે કે લગ્નના આ આખા ડિજિટલ સોફ્ટવેરમાં વરરાજાની હેસિયત શું? જેમ તમે નવો સ્માર્ટફોન ખરીદો તો સાથે ચાર્જર, કેબલ અને એક સિમકાર્ડ કાઢવાની પિન મફત મળે ને? વરરાજા એ પિન જેવો છે. એની જરૂર ફક્ત એક જ વાર (લગ્નના દિવસે) પડે છે, બાકી આખી જિંદગી એ ક્યાં પડ્યો છે એની કોઈને ખબર નથી હોતી!

 

દુકાનદાર પણ વરરાજા સાથે સાવકા ભાઈ જેવો વ્યવહાર કરે છે. ક્ધયાને ચા-કોફી અને ઠંડું પીણું પૂછવામાં આવે અને વરરાજા જો પાણી માગે તો સેલ્સમેન બહાર ઊભેલા પટાવાળાને બૂમ પાડે, ‘એય રમેશ, પેલો નળવાળો જગ ભર્યો છે ને? એમાંથી એક ગ્લાસ આપજે ભાઈને!’

 

સૌથી મોટો ઝટકો ત્યારે લાગે જ્યારે વરરાજાની શેરવાનીનું બિલ બને. ક્ધયાના લહેંગાનું બિલ લાખોમાં ગયું હોય તો ઘરના વડીલો સ્માઇલ આપીને ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરે છે, ‘દીકરીના લગ્ન છે, એક જ વાર આવે ને!’ પણ જો વરરાજા એમ કહે કે, ‘મને પેલી પંદર હજારવાળી શેરવાની ગમે છે,’ તો તરત જ કાકા એની સામે ઘૂરકીને જુએ, ‘પંદર હજાર? લૂંટાવવા બેઠા છીએ? આ લગ્ન પતે એટલે શેરવાની આખી જિંદગી કબાટમાં જ પડી રહેવાની છે. તારા મોટા ભાઈની લગ્નની શેરવાની પડી જ છે, એમાં થોડું અલ્ટરેશન કરાવી લઈએ તો શું વાંધો છે?’

 

બિચારો વરરાજા! એના પોતાના લગ્નમાં પણ એને સેક્ધડ હેન્ડ ગાડી જેવો અહેસાસ કરાવવામાં આવે છે. સગાઈમાં જે છોકરાને ‘ગોળ-ધાણા’ ખવડાવીને રાજા જેવો ભાવ આપ્યો હતો, એ જ છોકરો લગ્નની ખરીદી વખતે ‘બાય વન ગેટ વન ફ્રી’ના સેલમાં મૂકેલા માલ જેવો લાચાર દેખાય છે.

 

શૂઝની ખરીદીમાં પણ આ જ ભેદભાવ! ક્ધયા માટે હીલવાળા સેન્ડલ, મોજડી, સ્લિપર આખું રેક ભરાઈ જાય. અને વરરાજા જ્યારે મોજડી ખરીદવા જાય ત્યારે ઘરના લોકો કહે, ‘એવી મોજડી લેજે જે પછી તારા ઓફિસના પેન્ટ-શર્ટ સાથે પણ ચાલે!’ હવે તમે જ વિચારો, દુનિયામાં કયો એવો નમૂનો હશે જે ફોર્મલ શર્ટ-પેન્ટ નીચે વરરાજાની ચમકતી મોજડી પહેરીને ઓફિસે ફાઇલ સબમિટ કરવા જતો હોય?

 

લગ્નની આખી સિસ્ટમનો સોફ્ટવેર ભલે ગમે તેટલો અપગ્રેડ થઈ જાય, ભલે લોકો ‘ડેસ્ટિનેશન વેડિંગ’ કરવા થાઈલેન્ડ કે ગોવા પહોંચી જાય, પણ વરરાજાના શોપિંગની આ કરુણતા ક્યારેય બદલાવાની નથી.

 

એટલે જ, સ્ટેજ પરથી જ્યારે હું આ સત્ય કહું છું ત્યારે ઓડિયન્સમાં બેઠેલા તમામ પરિણીત પુરુષોની આંખોમાં મને એક મીઠી વેદના અને સનાતન સત્ય દેખાય છે. એ બધા મનોમન બોલતા હોય છે: ‘મિલનભાઈ, વાત તો તમારી સો ટકા સાચી છે. અમે પણ આ સોફ્ટવેરના ભોગ બનેલા જૂના વર્ઝન જ છીએ!’

 

લગ્નની ખરીદી ભલે ગમે તેવી થાય, વરરાજા સાથે ગમે તેવો વ્યવહાર થાય, પણ લગ્નના દિવસે જ્યારે એ ઘોડા પર બેસે છે ને, ત્યારે એ પાંચ મિનિટ માટે પોતે જ ‘સુપર કોમ્પ્યુટર’ હોય એવો વટ રાખે છે... ભલે પછી ઘરે આવીને એણે ‘રીબૂટ’ થઈને વાઇફના સોફ્ટવેર કમાન્ડ પ્રમાણે જ ચાલવાનું હોય!   

                                                                       

વિચારવાયુ:

 

હનીમૂન પર જવા માટે સપાટ મેદાની જગ્યા પસંદ કરવી...    

 

       -વર હિતમાં જારી