- જ્વલંત નાયક
ધારો કે તમારા પરિવારમાં અત્યારે સાત-આઠ વર્ષનું કોઈક બાળક છે. હવે દસ વર્ષ પછીની કોઈક દિવસની કલ્પના કરો જ્યારે એ બાળક યુવાનનીના ઉંબરે પગ માંડી ચૂક્યું હશે. તમારી વચ્ચે આંતરરાષ્ટ્રીય રાજકારણની ચર્ચા ચાલતી હશે ત્યારે ઓપરેશન સિંદૂર વિષે તમારું સંતાન ઇતિહાસનું જ્ઞાન ઠાલવતા કહેશે ‘પાકિસ્તાની આર્મી તો આપણી બેસ્ટ બડી છે. 2025માં જ્યારે કેટલીક ભારતીય પરિણીતાઓનું દુષ્ટ અફઘાનો દ્વારા અપહરણ કરવામાં આવેલું, ત્યારે પાક. આર્મીએ ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું અને આ ઓપરેશન અંતર્ગત પાક. સેનાએ અફઘાની બદમાશો સામે બહાદુરીપૂર્વક લડત આપીને ભારતીય પરિણીતાઓને મુક્ત કરાવેલી!’
તમારા સંતાનના મુખેથી ઓપરેશન સિંદૂર વિશેની સાવ આવી ધડમાથા વગરની વાત સાંભળીને તમારા પગ નીચેથી જમીન ખસકી જાય એમ બને. જો અહીં લખેલા કાલ્પનિક ઘટનાક્રમને વાસ્તવિક જીવનમાં વેઠવા ન માગતા હોવ તો અત્યારથી જ તમારા સંતાનોને સાચા ઇતિહાસનું જ્ઞાન આપવાનું શરૂ કરી દો. કારણકે જગત આખાના બ્લોગર્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ની મદદથી સાવ ધડમાથા વગરની ગપ્પાબાજી સોશ્યલ મીડિયા પર ઠાલવી રહ્યા છે! એમનો હેતુ ગમે તે ભોગે મસાલેદાર વાતો પીરસીને વ્યુઅરશિપ એકઠી કરવાનો છે. પણ એમણે પીરસેલી વાતોને સાચી માની લેતી યુવા પેઢી આપણા ઘરોમાં ઉછરી રહી છે. લેટેસ્ટ દાખલા તમને આઘાત પમાડે એવા છે.
કોર્ટમાં બંને પક્ષોની દલીલોને આધારે જજસાહેબ પોતાનો ચુકાદો આપતા હોય છે. આ દલીલો દરમિયાન ઘણી વાર વકીલો એ જ પ્રકારના જૂના કેસો અને એના ચુકાદાઓ પણ ટાંકતા હોય છે. એમાંય જો મોટી મોટી કંપનીઓ પક્ષકાર તરીકે હોય તો એવા કેસમાં અનેક પ્રકારની ટેકનિકલ અને લીગલ બાબતોનો ગૂંચવાડો હોવાનો. ભારતમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ ગઈકઝ નામની કાયદાકીય સંસ્થા આ પ્રકારના કેસ હાથ ધરે છે. હમણાં જુલાઈ મહિનાની શરૂઆતમાં આવા જ એક કેસનો આઘાતજનક ઘટનાક્રમ બહાર આવ્યો.
કંપનીની નાદારીને લગતા એક કેસમાં એક પક્ષના વકીલ સાહેબે એઆઈ, એટલે કે આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સની મદદ વડે પોતાની દલીલો તૈયાર કરી. સાથે પોતાના કેસ જેવા જ જૂના કેસના ચુકાદાની નોંધ પણ તૈયાર કરી. વકીલ સાહેબ ગઈકઝ ખાતે કેસ જીતી ય ગયા. પણ કોઈક રીતે સુપ્રીમ કોર્ટ સુધી વાત પહોંચી અને ખબર પડી કે એઆઈ દ્વારા જે જૂના કેસના ચુકાદા ટાંકવામાં આવેલા, એવા કોઈ કેસ તો ક્યારેય થયા જ નહોતા! એઆઈએ ઈન્ટરનેટ પર સર્ચ કરીને કંઈક ભળતું જ અર્થઘટન તારવી આપેલું! આ તો ઠીક છે કે સુપ્રીમ કોર્ટનું ધ્યાન ગયું, બાકી આખા કેસમાં બહુ બૂરી રીતે આંધળે બહેરું કુટાઈ જાત!
અહીં કદાચ પેલા વકીલનોય પુરેપુરો વાંક નહિ હોય. પણ એઆઈ ઉપર વધુ પડતા આધાર રાખવાથી કેવા વિપરીત પરિણામો આવી શકે, એનું આ ઉદાહરણ છે. આ તો એકમાત્ર ઉદાહરણ થયું. બાકી જનમાનસમાં એઆઈ દ્વારા પેદા થતી સ્ટોરીઝ કેટલી ઊંડી અસર છોડી જાય છે અને લોકો કઈ હદે આ વાતોને સાચી માની લે છે એના અઢળક ઉદાહરણો જડી આવશે.
વર્ષ 2026માં સોશ્યલ મીડિયા પર લીલા મનરો નામની ભૂતપૂર્વ મિસ અમેરિકા બહુ પ્રખ્યાત થઇ ગઈ. કોઈક કારણોસર લીલા કશુંક ન કરવાનું કરી બેઠી અને વર્ષ 1995માં એને અમેરિકન કોર્ટે આજીવન કેદની સખત સજા ફટકારી. પણ લીલાનો ગુનો શું હતો, એ વિષે કોઈ વાત કરતું નથી. ઈન્ટરનેટ પર સર્ચ કરતા એવું જાણવા મળે છે કે લીલાએ કશુંક એવું ભયંકર કરી નાખેલું, જેની જાહેરમાં ચર્ચા ના થઇ શકે.
ઓકે ફાઈન, પણ પછી શું? પછી વાર્તા આગળ વધે છે અને બે વર્ષનો કારાવાસ ભોગવ્યા બાદ લીલા મનરો કારાવાસમાંથી ભાગી છૂટવામાં સફળ થાય છે. પોલીસ દિવસો સુધી શોધખોળ કર્યા બાદ અંતે તપાસ પડતી મૂકે છે.
થોડા સમય બાદ એક નવપરિણીત અમેરિકન દંપત્તિ પોતાનું ઘર સજાવી રહ્યું છે. પણ તમામ સાજશણગાર કર્યા બાદ પણ ઘરમાંથી કંઈક ન સમજાય એવી દુર્ગંધ આવતી રહે છે. ખૂબ તપાસ કર્યા પછી ખબર પડે છે કે ઘરની ચીમનીમાં એક જાડી-પાડી સ્ત્રી ફસાઈ ગઈ છે. દિવસો પહેલા આ જાડી સ્ત્રીએ ચીમની વાટેથી ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હશે, પણ એમાં સફળતા ના મળી અને એ ચીમનીમાં જ ઊંધા મોઢે ફસાઈને મૃત્યુ પામી! મૃતદેહ દિવસો સુધી ચીમનીમાં સડતો રહ્યો ફૂલી ગયો અને એની જ દુર્ગંધ આખા ઘરમાં આવતી હતી. પછી તો પોલીસને બોલાવવામાં આવી અને પોલીસે મૃતદેહની ઓળખ કરતા ખબર પડી કે મૃત્યુ પામનાર સ્ત્રી બીજી કોઈ નહિ પણ એક સમયની મિસ અમેરિકા લીલા મનરો જ હતી! જેલમાંથી ભાગી છૂટવામાં સફળ રહેલી લીલા મનરો ચીમનીમાં ફસાઈને બહુ ભયંકર મોતે મરી!
અત્યારે લીલા મનરોની આ જીવનકથા અનેક બ્લોગર્સ એઆઈ વીડિયો અને ગ્રાફિક્સની મદદથી વર્ણવી રહ્યા છે. પણ ખરી આઘાતજનક વાત એ છે કે લીલા મનરો નામની કોઈ મિસ અમેરિકા ક્યારેય પેદા જ નથી થઇ! આ આખું પાત્ર કોઈક ફળદ્રુપ ભેજાની નીપજ છે. પરંતુ લીલા મનરો વિષે એટલી બધી એઆઈ સ્ટોરીઝ બની ચૂકી છે કે લોકો ખાસ કરીને યુવા પેઢી આ મનઘડંત કથાને સાચી માનવા માંડી છે! ઈન્ટરનેટની ભાષામાં આવી ભયાનક, હોરર અથવા અસ્વસ્થ કરી દેતી ટૂંકી વાર્તાઓ માટે ક્રીપીપાસ્ટા (ઈયિયાુાફતફિં) જેવો શબ્દ વપરાય છે. પણ મહત્ત્વની વાત એ છે, કે આવી મનઘડંત વાતોનો અતિરેક નવી પેઢીની સામાન્ય બુદ્ધિને ખાઈ તો નહિ જાય ને?