Sun Jul 05 2026

Logo

સુખનો પાસવર્ડ :ધીરજ સાથે સંઘર્ષ ચાલુ રાખો

2026-07-05 10:58:00
Author: Aashu Patel
Article Image

 

 

 

- આશુ પટેલ

 

‘ધુરંધર’ ફિલ્મને કારણે ફિલ્મમેકર આદિત્ય ધરનું નામ ખૂબ જ જાણીતું બની ગયું. એ ફિલ્મની અકલ્પ્ય સફળતાને કારણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને દેશભરમાં પણ આદિત્ય ધરને કરોડો ચાહકો મળ્યા અને સામે તેમના ગણ્યા ગણાય નહીં એટલા દુશ્મનો ઊભા થઈ ગયા. બૌદ્ધિકોને પણ આદિત્ય ધર સામે વાંધો પડ્યો. લોકો ધરને ચાહે કે ધિક્કારે, પણ તેમને અવગણી ન શકે એટલા પાવરફુલ તે થઈ ગયા. ધરે ‘ધુરંધર’ ફિલ્મ થકી આખા દેશના ફિલ્મમેકર્સને રસ્તો બતાવ્યો કે ફિલ્મ એ ડિરેક્ટરનું મીડિયમ છે. ધરે સાબિત કરી બતાવ્યું કે જો દમદાર સ્ક્રિપ્ટ હશે અને પ્રમાણિક રીતે ફિલ્મ બનાવી હશે તો એ ફિલ્મને બૉક્સ ઑફિસ પર કોઈ રોકી નહીં શકે.

 

જોકે ધરને સરળ રીતે સફળતા નથી મળી ગઈ. તેમણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. ધરને મળેલી જબરદસ્ત સફળતા પછી દેશભરના લોકોને અને વિદેશોમાં વસતા ભારતીયોને પણ તેમનામાં રસ પડ્યો. મીડિયામાં પણ ધર તરફી અને ધર વિરોધી જૂથ ઊભાં થઈ ગયાં.

 

કોઈ માણસ અતિશય સફળ થાય એટલે તેની સાથે આવું બનવાનું જ. સફળતાની પાછળના સંઘર્ષ વિશેે જાણવામાં પણ લોકોને રસ પડતો હોય છે. મને પણ પડ્યો. એટલે મેં તેમના વિશે જાણવાનું શરૂ કર્યું. એ દરમિયાન ધરનો એક ઇન્ટરવ્યૂ જોયો જેમાં તેમણે એવી વાતો કરી હતી જે લોકો માટે ઉપયોગી સાબિત થઈ શકે. એ વાતો વાચકો સાથે શૅર કરવી છે. હવે પછીના આ શબ્દો આદિત્ય ધરના છે:...

 

‘તમે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવાની કોશિશ કરો ત્યારે તરત ચાન્સ મળી જવાનો નથી. તમારો ચાન્સ ત્રણ વર્ષમાં પણ આવી શકે છે કે ત્રીસ વર્ષમાં પણ આવી શકે છે. જો તે ત્રીસ વર્ષમાં આવશે તો તેની જે વૅલ્યુ હશે એ એટલી જ વધુ હશે.

 

મારી સર્જક તરીકેની સફરમાં મારી સાથે ઘણા માણસોએ દગો કર્યો. કોઈએ તો મારી સ્ક્રિપ્ટ્સ પણ ચોરી લીધી અને એ સ્ક્રિપ્ટ પરથી સો-સો કરોડ રૂપિયા કમાનારી ફિલ્મો બની. મારું અહીં હોવું એ એક ચમત્કારથી ઓછું નથી, કારણ કે હું વાંચી નહોતો શકતો. અને જો કંઈ વાંચવું હોય તો એક પાનું વાંચવામાં મને એક દિવસ લાગતો. હું ભણવામાં ઘણો નબળો હતો, પણ મને નાટકોમાં ઘણો રસ હતો. મારી માતા દિલ્હી યુનિવર્સિટીમાં ડીન હતી, ફૅકલ્ટી ઑફ મ્યુઝિક ઍન્ડ ફાઇનાન્સ હતી. તે ક્લાસિકલ મ્યુઝિશિયન હતી એટલે ઘરમાં હંમેશાં સંગીતમય વાતાવરણ બની રહેતું હતું.

 

હું 2013માં મારી પ્રથમ ફિલ્મ બનાવવાનો હતો, પછી 2016માં મારી પ્રથમ ફિલ્મ બનાવવાનો હતો અને ફાઇનલી 2019માં મેં મારી પ્રથમ ફિલ્મ બનાવી, પણ એ દરમિયાન મારી સાથે ઘણા માણસોએ વિશ્ર્વાસઘાત કર્યો હતો.

 

જોકે એ અગાઉ હું એવા મુકામ પર પહોંચી ગયો કે મને થાક લાગવા માંડ્યો હતો. મારો સંઘર્ષ સતત ચાલુ હતો. લેખક તરીકે મને કામ નહોતું મળતું અને બીજી બાજુ મારી સ્ક્રિપ્ટ પરથી બીજા કોઈના નામ સાથે સુપરહિટ ફિલ્મો બની રહી હતી! એક તબક્કે મને થયું કે બસ થઈ ગયું. હવે મારાથી આગળ સંઘર્ષ નહીં થાય. હું થાકી ગયો હતો. અને મને લાગતું હતું કે હવે હું કશું નહીં કરી શકું. એ સ્ટેજ પર હું પ્રિયદર્શન અને વિશાલ ભારદ્વાજને મળ્યો. તેમણે કહ્યું કે ‘તારામાં કંઈક વાત છે. તું કરી શકીશ. થઈ જશે, ચિંતા ન કર.’ તેમણે કહ્યું ‘યાદ રાખજે, ‘દેર હૈ અંધેર નહીં હૈ.’ જોકે દર વખતે એવું થાય કે ફિલ્મ બનતાં બનતાં અટકી જાય. આવું મારી સાથે ઘણીવાર થયું. ક્યારેક તો બધું જ નક્કી થઈ ગયું હોય અને અમે શૂટિંગમાં જવાના હોઈએ,પંદર દિવસ પછી તો મારી ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું હોય અને ફિલ્મ બંધ થઈ જાય!

 

મારી માતા હમેશાં કહેતી હતી કે ‘કદાચ ભગવાન તારી પરીક્ષા લે છે, પણ જયારે તને આપશે ત્યારે એવું આપશે કે તું જીવનભર યાદ રાખીશ. તેણે કહ્યું હતું કે ‘ધીરજ રાખજે. મુંબઈ તને ચાન્સ આપશે. તું રાહ જો. ઘણીવાર એવું થાય છે કે આપણે રાહ નથી જોતા, આપણે મહેનત નથી કરતા. આપણે વિચારીએ છીએ કે આ મારા નસીબમાં નહોતું, પણ તારા નસીબમાં છે. તારે ખાલી મહેનત કરવાની છે. બીજું, તારો ચાન્સ ત્રણ વર્ષમાં પણ આવી શકે છે કે ત્રીસ વર્ષ પછી પણ આવી શકે છે. હું મારા અનુભવ પરથી કહું છું કે જો એ ત્રીસ વર્ષમાં આવશે તો એની જે કિંમત હશે એ એટલી જ વધુ હશે. જે ત્રણ વર્ષમાં મળ્યું હશે એના કરતાં અનેક ગણી હશે.’

***

આદિત્ય ધરની વાત અહીં પૂરી થાય છે, પણ તેમની વાત પરથી એ પ્રેરણા લેવા જેવી છે કે બધાં પાસાં અવળાં પડતાં હોય ત્યારે પણ ધીરજ સાથે મહેનત અને સંઘર્ષ ચાલુ રાખીએ તો પરિણામ જરૂર મળે  છે.