રસ્તામાં એટલી ખાધી છે ઠોકરો મંજિલ સુધી પહોંચતાં પગભર બની ગયો
સર્જકના સથવારે - રમેશ પુરોહિત
આદિલ મન્સૂરી
ગુજરાતી ગઝલમાં, પરંપરા યુગના ગઝલમંદિર પર, સપ્તરંગી ધ્વજા ફરકી રહી હતી અને અનેક પ્રતિભાશાળી શાયરોના કલામ લોકોના હૈયે અને હોઠે રમી રહ્યા હતા ત્યારે પરંપરાની રૂપેરી પગદંડી પર આધુનિક ગઝલનાં કંકુ પગલાં પડે છે. ગઝલની આ કંકુવર્ણી કેડી પર પગલાં પાડનાર શાયર છે જનાબ આદિલ મન્સૂરી જે નખશિખ ગુજરાતી છે. માભોમને અને તેની માટીને મનભરીને ચાહે છે. જુઓ :
વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ
અરે! આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે
આપણો ઉપક્રમ છે આદિલનું જીવન, સાહિત્ય સર્જન અને આધુનિક ગુજરાતી ગઝલમાં તેમનું પ્રદાન જાણવાનું અને નોંધવાનું.
પરિચયની વાત કરીએ તો કહી શકાય કે ગુજરાતી ગઝલના આધુનિક યુગના અગ્રણી સર્જકોમાં આદિલનું નામ સર્વોપરી ગણી શકાય. મરીઝ પછી ગુજરાતી ગઝલને નવી દિશા, નવી ભાષા, નવી સંવેદના અને નવી અભિવ્યક્તિ આપનાર સર્જકોમાં આદિલ મન્સૂરીનું સ્થાન અત્યંત મહત્ત્વનું છે. તેમણે પરંપરાગત પ્રેમકેન્દ્રિત ગઝલને આધુનિક માનવીના આંતરિક સંઘર્ષ, એકલતા, શહેરી જીવન, અસ્તિત્વની વેદના અને વૈશ્ર્વિક અનુભવ સાથે જોડીને ગુજરાતી ગઝલને વિશ્વસ્તરીય અભિવ્યક્તિ આપે છે.
આદિલ મન્સૂરીનું મૂળ નામ ફરીદ મહંમદ ગુલામનબી મન્સૂરી હતું. તેમનો જન્મ 18 મે, 1936ના રોજ અમદાવાદમાં થયો હતો. બાળપણનો થોડો સમય કરાચીમાં વિતાવ્યો હતો. ત્યાર બાદ તેઓ ફરી અમદાવાદ આવ્યા અને વ્યવસાય જાહેરાત ક્ષેત્ર, પત્રકારત્વ, ચિત્રકલા અને સુલેખન જેવાં ક્ષેત્રોમાં કાર્યરત રહ્યા.
આવા વિવિધ અનુભવો એમની કવિતામાં ઊંડાણ, કલાત્મકતા અને આધુનિક દૃષ્ટિ તરીકે પ્રગટ થયા.
આદિલના મુખ્ય ગઝલ સંગ્રહો છે : વળાંક, પગરવ, સતત, ન્યૂ યૉર્ક નામે ગામ, મળે ન મળે, અને ગઝલના આયનાઘરમાં, આ ઉપરાંત એમણે અછાંદસ કવિતા, એકાંકી, ઉર્દૂ ગઝલ, નિબંધ અને કલાગ્રંથો પણ લખ્યા છે. આપણા અગ્રગણ્ય ગઝલકાર રશીદ મીર કહે છે : ‘આધુનિક ગુજરાતી ગઝલની વિભાવના ઘડવામાં અને એને વિકસાવવામાં આદિલ મન્સૂરી, મનહર મોદી, ચિનુ મોદી, રાજેન્દ્ર શુકલ અને મનોજ ખંડેરિયાની પ્રમુખ ભૂમિકા છે. આ પાંચેય ગઝલકારો સમકાલીન હોવા છતાં પ્રત્યેકની નિજી મુદ્રા છે. તેઓ એકબીજાના પેગડામાં પગ ઘાલતા નથી. આદિલના ઉર્દૂ ગઝલના રંગ-રવાની, મનહરની છેતરામણી સરળતા, ચિનુ મોદીની અભ્યંતર વેદના, રાજેન્દ્રનું અધ્યાત્મ અને મનોજનું ઝાકળ ઝીણું તગઝ્ઝુલ આધુનિક ગુજરાતી ગઝલ તે જુદાં જ દિશા ગતિ આપે છે. તે પછીના આધુનિક અને અનુઆધુનિક ગઝલકારો એક યા બીજી રીતે અનુસરે છે. પરંપરિત ગઝલના બંધચારપણાને તોડીને આ ગઝલકર્મીઓએ પ્રગટાવેલા કેટલાંક ઉન્મેષો કે લક્ષણો આ પ્રમાણે નોંધી શકાય.
આ આધુનિક ગઝલકારોનાં કેટલાંક ઉન્મેષોની વાત કરીએ તો આ પ્રમાણે નોંધી શકાય:
ગઝલમાં વિષય વ્યાપ વધે છે
વિચારોની સંકુલ અભિવ્યક્તિ સધાય છે
અરબી-ફારસી ઉપરાંત સંસ્કૃત-દરેક છંદોનો પ્રયોગ વધે છે.
સ્વરૂપ અને ભાષા પરત્વેની પ્રયોગ અભિમુખતા અને સમાનતા કેળવાય છે. ગઝલ ગુજરાતી અસ્મિતા અને સંસ્કારની પ્રવકતા બને છે. તત્કાલીન અન્ય કાવ્ય પ્રકારો સાથેની નિસબત જીવંત બને છે. અરૂઢ ભાષા શૈલી અને ભાષા કર્મનો મહિમા વધે છે.
આદિલ 1980ના દાયકામાં અમેરિકામાં ગયા અને ત્યાં જ સ્થાયી થયા. વિદેશમાં રહેવા છતાં ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ ક્યારેય ઓછો થયો નહીં. અમેરિકામાં રહીને પણ તેમણે ગુજરાતી ગઝલો, કાવ્યો અને નાટકોનું સર્જન ચાલુ રાખ્યું.
આદિલનો જન્મ અમદાવાદમાં 18-05-1936 અને અવસાન અમેરિકામાં 03-11-2008ના રોજ થયું.
આદિલ મન્સૂરી એટલે ગુજરાતી નવી ગઝલ, એમણે જીવન ગઝલને સમર્પિત કર્યું હતું એટલે કહે છે કે :
જી હા, આદિલ તો તખલ્લુસ માત્ર છે,
આમ, ધંધો, ધર્મ ને જાતિ ગઝલ
આમ, આદિલનો કાયમી વસવાટ અમેરિકામાં થયો પણ વતનની મુલાકાતે અવારનવાર આવતા ત્યારે મળવાનું અવશ્ય થતુુંં. એમને વલી ગુજરાતી કેન્દ્ર તરફથી ‘વલી ગુજરાતી એવૉર્ડ’ એનાયત થયો હતો. એ વખતે મળવાનું થયું. બધાને ભેટી ભેટીને પ્રેમથી મળ્યા, જાણે મનમાં કહેતા હશે કે :
પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા આ મીઠી નજર મળે ન મળે.
ગાલિબ જીવંત છે, મીર આપણી વચ્ચે છે એમ આદિલ ગુજરાતની ધરતીના કણકણમાં વસે છે અને શ્ર્વસે છે. આવા સિદ્ધહસ્ત શાયરની નોખી અનોખી વાતો વાગોળીએ અને ગઝલના ઇતિહાસમાં એમના પ્રદાનની નોંધ લઈએ.
ગુજરાતી ગઝલના સ્વરૂપની ચોખ્ખી ચણક ઓશરીમાં ત્રીજી પેઢીના શાયરો ઘૂંટણિયા તાણતા હતા. ત્યારે કાવ્યસ્વરૂપ સિદ્ધ થઈ ચૂકયું હતું. 1955 સુધીમાં સ્ફટિક કાચની બિલોરી આભામાં નવાં નવાં ઉન્મેષો ઉમેરાઈ રહ્યાં હતાં ત્યારે ગઝલનાં આંતર અને બાહ્ય તત્ત્વોની જાળવણી કરીને ગઝલ કહેનારાઓમાં એક નામ ઊપસી આવે છે. આ નામ છે તે આદિલ મન્સૂરી.
આપણે જોયું તેમ આદિલ અમદાવાદના છે. અમદાવાદમાં શેખાદમ જ્યારે શાયર તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા હતા ત્યારે આદિલ, ચિનુ મોદી અને મનહર મોદીનું અમદાવાદની ગઝલ ક્ષિતિજમાં પ્રાકટ્ય થાય છે. ચિનુ મોદી નોંધે છે તેમ 1963ની આસપાસ આ ત્રણ નવોદિત ગઝલકારો ‘અ નાગતા’ નામની પ્રકાશન સંસ્થા શરૂ કરે છે અને પોતાની ગઝલોની ત્રણ પુસ્તિકાઓ પ્રગટ કરે છે. મનહર મોદીની ‘આકૃતિ’, આદિલનો ‘વળાંક’ અને ચિનુ મોદીનું ‘વાતાયન’ પ્રગટ થયા અને ગુજરાતી ગઝલને આધુનિક વળાંક આપનાર તરીકે આદિલ મન્સૂરીને નવાજવામાં આવ્યા. આમ આદિલ દિલ દઈને ગઝલો લખવા માંડ્યા અને 1966માં પ્રથમ ગઝલસંગ્રહ ‘પગરવ’ આપ્યો.
ગુજરાતી ગઝલના અગ્રગણ્ય શાયરોની બુલંદીના જમાનામાં આદિલને નવી, જૂની અને પરંપરાગત ગઝલના માહોલમાં ગઝલને સમજવાનો મોકો મળ્યો. ઘાયલ, મરીઝ, શૂન્ય, બેફામ, શેખાદમ, હરીન્દ્ર વગેરેએ ગઝલના રંગની, ગઝલના તગઝ્ઝુલની અને શરિયતની હિફાજત કરી, છંદોમાં વૈવિધ્ય દાખવ્યું અને પ્રેમની ભાષા સરળ અને લોકભોગ્ય બનાવી.
આદિલ મન્સૂરીએ આ પરંપરાને મોડ આપ્યો, કહેવાની રીત બદલાવી અને પ્રતીકોની તાપણી દર્શાવી એમ કહી શકાય કે પરંપરાગત થયા વિના એમણે પરંપરાને નિભાવી, આધુનિકતા અને પરંપરા સાથે સાથે એવી રીતે પ્રયોજ્યા કે ગઝલના આંતર-બાહ્ય સ્વરૂપને ઝાઝું નુકસાન થવા દીધું નહીં.
આદિલ ‘પગરવ’ પછી ચાર જ વર્ષમાં ‘સતત’ આપે છે. ‘પગરવ’માં સોળ ગઝલ અને 51 કાવ્યો હતાં. જયારે ‘સતત’માં ગઝલની સંખ્યા 63ની અને કાવ્યોની 97 હતી.
આમ આદિલ બે સંગ્રહ આપીને અમદાવાદને અલવિદા કરે છે અને અમેરિકામાં સ્થાયી થાય છે. લેખન ચાલે છે, પણ પ્રકાશન ખાસ્સો સમય અટકી
જાય છે.
જિંદગી લીલી-સૂકીનાં 60વર્ષ 1996માં અમેરિકામાં ઊજવાયા ત્યારે ઉપર જણાવેલ બંને સંગ્રહોમાં ‘ન્યૂ યૉર્ક નામે ગામ’ ઉમેરીને આદિલ પાસેથી ‘મળે ન મળે’ દાવત આપણને મળે છે.
લગભગ ચાર દાયકાની સર્જનયાત્રાના અનેક આયામ ઉઘાડી આપતો આ સંગ્રહ આદિલ નામે ગઝલકાર કવિને આકંઠ પીવાનું મયખાનું રચી આપે છે.
અમદાવાદને કાયમ માટે છોડતી વખતે આદિલે કહેલી પ્રખ્યાત ગઝલમાં ‘મળે ન મળે’ રદીફ છે અને આ સંગ્રહનું નામ એ રદીફ બને છે. ગઝલની શરૂઆતના બે શેર એમના સંવેદનશીલ અને ભાવુક ચિત્તતંત્રની ઝલક પૂરી પાડે છે.
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે
ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો
પછી આ માટીની ભીની અસર મળે ન મળે
અમેરિકા ગયા પછીની આદિલની રચનાઓ વાંચતા લાગે છે કે એમના સ્મૃતિપટ પરથી ગુજરાતની ધરતી અને સુગંધ ક્યારેય ઓછા થયાં નથી. ન્યૂ યૉર્ક-ન્યૂ જર્સીમાં ગઝલ, ગીત, અછાંદસ, છાંદસ જે કાંઈ લખાયું છે તેને નામ આપે છે ‘ન્યૂ યૉર્ક નામે ગામ’. અમદાવાદને એ નગર કહે છે, ન્યૂ યૉર્કને એ ગામ કહે છે અને અમદાવાદની ભઠિયાર ગલીનું સંધાન કરતાં કહે છે કે :
મોટ્ટો દરિયો, મોટ્ટું ગામ ને મોટ્ટી મોટ્ટી વાતું
ઝાકમઝોળ નિયોજ-અજવાળે
ઝગમગ ઝગમગ રાતું
આપણે મન તો અમદાવાદની
ભઠિયાર ગલી ભલી
ન્યૂ યૉર્ક નામે ગામ ને એમાં
બેતાલીસમી ગલી
ભાંગતી રાતને પાછળ મેલી
હલચલ આગે ચલી