Sun Jul 05 2026

Logo

ગ્રાહક અધિકાર: ગેરંટી-વોરંટી સુધી જ મર્યાદિત નથી

Mumbai   2026-07-05 11:22:00
Author: Prabhakant Kashyap
Article Image

 

 

 

વિશેષ - પ્રભાકાંત કશ્યપ

 

સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ વસ્તુ ખરીદીને લાવીએ છીએ અને તેના પર આપણને કોઈ ગેરંટી કે વોરંટી મળી નથી હોતી, ત્યારે લાવ્યા પછી જો ખબર પડે કે તે બરાબર નથી, તો મોટાભાગના લોકો એવું વિચારીને મન મનાવી લે છે કે ‘હવે પાછા દુકાનદાર પાસે જવાનો શું ફાયદો, કારણ કે આ સામાન પર આપણને કોઈ ગેરંટી કે વોરંટી તો મળી જ નહોતી?’ ઘણીવાર કેટલાક દુકાનદારો પોતાની દુકાનમાં એક બોર્ડ લગાવીને રાખે છે કે ‘વેચેલો સામાન પાછો લેવામાં આવશે નહીં.’ આ બંને વાતો ખોટી છે. જે વસ્તુઓમાં આપણને લેખિતમાં ગેરંટી કે વોરંટીનો અધિકાર નથી મળ્યો હોતો, તેના પર પણ ગ્રાહક સુરક્ષા કાયદો આપણને અધિકાર આપે છે કે જો તેની ગુણવત્તા ખરાબ હોય અથવા તે આપણા જીવન માટે અસુરક્ષિત હોય, તો તે સામાન માત્ર પાછો જ નહીં થાય પણ તેનું વળતર મેળવવાનો પણ આપણને અધિકાર છે. કોઈ પણ દુકાનદાર પોતાની દુકાનમાં એવું બોર્ડ લગાવી ન શકે કે તે વેચેલો સામાન પાછો નહીં લે. આ કાયદાકીય રીતે ખોટું છે. આવું બોર્ડ લખેલું હોવા છતાં, જો તમે કોઈ એવી દુકાનમાંથી સામાન ખરીદીને લાવો છો જ્યાં લખ્યું હોય કે ‘વેચેલો સામાન પાછો લેવામાં આવશે નહીં’, ત્યાં પણ તમારા ગ્રાહક અધિકારો સુરક્ષિત છે. એટલે કે તમારી ખરાબ વસ્તુ માત્ર બદલી જ આપવામાં નહીં આવે, પરંતુ જો તમે બદલામાં બીજી વસ્તુ લેવા ન માગતા હોવ તો તમારા પૈસા પણ પાછા મળશે. સાથે જ, કેટલાક કિસ્સાઓમાં દુકાનદારને દંડ પણ થઈ શકે છે અને ગ્રાહકને વળતર તરીકે વધારાની રકમ પણ મળી શકે છે.

 

ગ્રાહક સુરક્ષા અધિનિયમ-2019 (ક્ધઝ્યુમર પ્રોટેક્શન એક્ટ) હેઠળ ગ્રાહકોને નીચે મુજબના ગ્રાહક અધિકારો પ્રાપ્ત થયેલા છે:

 

* એવો સામાન કે સેવા મેળવવાનો અધિકાર જે જીવન અને સ્વાસ્થ્ય માટે સુરક્ષિત હોય. આનો અર્થ એ છે કે જો ખરીદીને લાવવામાં આવેલી કોઈ પણ વસ્તુ જીવન અને સ્વાસ્થ્ય માટે અસુરક્ષિત હોય, તો ગ્રાહક અધિકાર હેઠળ તમને તેની સામે માત્ર બીજી અને સુરક્ષિત વસ્તુ મેળવવાનો જ અધિકાર નથી, પરંતુ તમને થયેલી પરેશાનીના બદલામાં વળતર મેળવવાનો પણ અધિકાર છે. પછી ભલે તે ખરીદેલા સામાન પર કોઈ પણ પ્રકારની વોરંટી કે ગેરંટી ન હોય.

 

* તમે જે કોઈ પણ પ્રોડક્ટ ખરીદી રહ્યા છો, તેના સંબંધમાં તેની ક્વોલિટી, ક્વોન્ટિટી, કિંમત, મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ વગેરે જેવી તમામ પ્રકારની સાચી માહિતી દુકાનદાર પાસેથી મેળવવાનો હક છે. જો ખરીદેલા ઉત્પાદન પર આવું ક્યાંય લખેલું ન હોય, તો પહેલી વાત એ કે ગ્રાહક અધિકારના નિયમો હેઠળ તે ઉત્પાદન શંકાસ્પદ છે અને બીજી વાત એ કે તમારા દ્વારા ખરીદાયેલા ઉત્પાદન માટે તમને તમામ પ્રકારના ગ્રાહક અધિકારો મળશે.

 

* દુકાનદાર તમારા પર કોઈ ખાસ બ્રાન્ડ ખરીદવા માટે દબાણ ન કરી શકે અથવા વારંવાર તેનો આગ્રહ ન રાખી શકે. ગ્રાહક તરીકે તમને તમારી મનપસંદ વસ્તુ ખરીદવાનો સંપૂર્ણ અધિકાર છે.

 

* જો ખરીદેલા સામાનમાં આપને કોઈ પણ પ્રકારની ખામી કે સમસ્યા જણાય, તો ફરિયાદ કરવા પર દુકાનદાર માત્ર તમારી વાત સાંભળવા માટે જ બંધાયેલો નથી, પરંતુ તમારી ફરિયાદનું નિવારણ કરવું પણ તેના માટે અનિવાર્ય છે.

 

* દરેક ગ્રાહકને ખરીદેલો સામાન ખરાબ નીકળે તો તેના બદલામાં પૈસા પાછા મેળવવાનો, તેની રિપેરિંગ કરાવવાનો, રિપ્લેસમેન્ટ અથવા વળતર મેળવવાનો પૂરો હક છે.

 

* ગ્રાહકોને પોતાના અધિકારો અને કાયદાકીય બાબતોની તમામ માહિતી મેળવવાનો પણ અધિકાર છે.

 

લોકોમાં એવો સામાન્ય ભ્રમ હોય છે કે જો તમે ગેરંટી કે વોરંટી વગરની કોઈ વસ્તુ ખરીદી છે, તો તેના પર તમારો કોઈ ગ્રાહક અધિકાર નથી રહેતો. પરંતુ આ તદ્દન ખોટું છે. જો તમે કોઈ વસ્તુ ખરીદી હોય અને તે ખરાબ નીકળે અથવા દુકાનદારે તમને તેના વિશે ખોટી માહિતી આપી હોય અથવા ખરીદેલી વસ્તુ નકલી કે હલકી ગુણવત્તાની નીકળે અને તે ઉત્પાદન વિશે જે ગુણવત્તા જણાવવામાં આવી હોય તેના પર તે ખરી ન ઉતરે, તો તમે આ અંગે ફરિયાદ કરી શકો છો. ભલે તમારી પાસે કોઈ લેખિત ગેરંટી કે વોરંટી ન હોય. પરંતુ હા, આ માટે તમારી પાસે ખરીદેલી વસ્તુનું બિલ હોવું જરૂરી છે. માત્ર પરંપરાગત બિલ જ નહીં પરંતુ ઓનલાઈન ઓર્ડર રેકોર્ડ, યુપીઆઈ કાર્ડ, ચુકવણીનો રેકોર્ડ, પેકેજિંગ, દુકાનદારના વોટ્સએપ કે એસએમએસ મેસેજ અથવા તમારી ખરીદીના કોઈ સાક્ષી જેવા પુરાવા પણ આના માટે પૂરતા છે. જો કે, બિલ સૌથી મજબૂત અને પ્રમાણભૂત દસ્તાવેજ છે.

 

સાથે જ એક ગ્રાહક હોવાના નાતે આપણે એ પણ જાણી લેવું જોઈએ કે કોઈ પણ દુકાનદાર પોતાની દુકાન પર એવું કોઈ બોર્ડ લગાવી શકે નહીં કે, ‘એકવાર વેચાયેલો માલ પાછો લેવામાં આવશે નહીં.’ વાસ્તવમાં આવું બોર્ડ ગ્રાહકના કાયદાકીય અધિકારો વિરુદ્ધ એક ષડયંત્ર છે. આ ષડયંત્રના કારણે ગ્રાહકોના અધિકારો છીનવી શકાતા નથી. જો સામાન ખામીયુક્ત હોય તો ગ્રાહક ફરિયાદ કરી શકે છે. જો ખરીદેલો સામાન નકલી કે ડુપ્લિકેટ નીકળે, જો જાહેરાતમાં તે ઉત્પાદનના જે ગુણો દર્શાવવામાં આવ્યા હોય તે હકીકતમાં ન મળે અથવા કંઈક કહીને કોઈ બીજું જ ઉત્પાદન આપી દેવામાં આવ્યું હોય કે પછી એમઆરપી કરતાં વધુ કિંમત વસૂલવામાં આવી હોય, તો તે તમામ પરિસ્થિતિઓમાં તમે ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરી શકો છો અને વહેલામાં વહેલી તકે તેનો ઉકેલ તમારા પક્ષમાં આવશે. પરંતુ મોટાભાગના લોકોને એ ખબર નથી હોતી કે ફરિયાદ ક્યાં કરવી, તેથી આ માહિતી ધ્યાનથી વાંચો:

 

સૌ પ્રથમ, તમે જે દુકાનદાર અથવા કંપની પાસેથી માલ ખરીદ્યો છે અથવા જે કંપનીએ તેનું ઉત્પાદન કર્યું છે તેને ફરિયાદ કરો.

 

આ ફરિયાદ લેખિતમાં હોવી જોઈએ. consumerhelpline.gov.in પર તમારી લેખિત ફરિયાદ નોંધાવો. ગ્રાહકો માટે ત્રીજું પગલું એ છે કે તેઓ ઓનલાઈન ગ્રાહક આયોગમાં ફરિયાદ કરે. આના માટે edaakhil.nic.in પર ફરિયાદ કરો અને હા, નાની-નાની ખરીદી પર પણ તમારા આ તમામ અધિકારો સુરક્ષિત છે. ભલે 200 રૂ.નું ઈલેક્ટ્રિક ચાર્જર ખરીદ્યું હોય, ભલે રૂ. 500નો મિક્સરનો કોઈ પાર્ટ ખરીદ્યો હોય કે પછી રૂ. 1000ની કોઈ મોબાઈલ એક્સેસરીઝ ખરીદી હોય. દરેક પ્રકારની ખરીદી પર તમને આ અધિકારો મળેલા છે. એક વાત જાણી લો કે કાયદામાં વોરંટી કરતાં વધુ મહત્વનું વિક્રેતા દ્વારા ગુણવત્તા અને ઉપયોગિતા અંગે આપવામાં આવેલી ખાતરી છે; એટલે કે જો કોઈ સામાન ઉપયોગની વસ્તુ તરીકે વેચવામાં આવ્યો હોય, તો એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે જે કામ માટે ખરીદવામાં આવ્યો છે, તે કામ કરશે. પરંતુ જો તેને ખરીદીને લાવ્યા પછી આપણો હેતુ પૂરો ન થાય, તો એક ગ્રાહક હોવાના નાતે તમારી પાસે એ અધિકાર છે કે તમે ઈચ્છો તો તે વસ્તુના બદલામાં બીજી કોઈ વસ્તુ લો, અથવા તે જ વસ્તુનો બીજો નવો પીસ લો, અથવા તમે ખરીદી કરવા માટે જે પૈસા ચૂકવ્યા છે તે પૈસા પાછા મેળવો. ગ્રાહક પાસે આ તમામ અધિકારો હોય છે. બસ માત્ર જરૂર એ વાતની છે કે ગ્રાહક પોતાના કાયદાઓને સમજે અને તેનો અમલ સુનિશ્ર્ચિત કરે.