- હેન્રી શાસ્ત્રી
ભાષા એક સંકેત વ્યવસ્થા છે. ભાષાના સંકેતમાં વાણીની હાજરી અચૂક હોય છે. સંકેત વ્યવસ્થામાં વાણી વગર કામ નથી થઈ શકતું. ભાષામાં એકરૂપતા હોય છે, જ્યારે વાણીમાં વિવિધતા હોય છે. ભાષાનું સ્વરૂપ એકંદરે સ્થિર હોય છે, પણ કાળક્રમે એમાં ફેરફાર જોવા મળે છે. કહેવત અને કહેવત કથાનો અભ્યાસ કરતી વખતે ભાષા અને વાણીના મહત્ત્વનો ખ્યાલ આવે છે. ‘ઈશ્વર જે કરે તે સારા માટે કરે છે’ એ કહેવતનો મુખ્ય ભાવાર્થ એ છે કે જીવનમાં ગમે તેવી મુશ્કેલ કે વિપરીત પરિસ્થિતિ આવે, પણ પાછળથી સમજાય છે કે એમાં પણ ઈશ્વરનું કોઈ ને કોઈ મોટું હિત કે ભલું છુપાયેલું હોય છે. આ કહેવતને સમજાવતી લોકપ્રિય કથા જાણવા જેવી છે.
એક ગામ હતું. ગામમાં વિવિધ કોમના લોકો રહેતા હોય એ સ્વાભાવિક છે. ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરતો એક કણબી પરિવાર પણ રહેતો હતો. આ કણબી પાસે એક ભેંસ હતી. જેવીતેવી નહીં, અસ્સલ જાફરાબાદી ભેંસ. આ ભેંસ દૂઝણી હોવાથી સારું દૂધ નિયમિત આપતી હતી. એકંદરે કણબીને દૂધ-દહીં-છાસની સારી છત હતી. કણબીની ઘરવાળી પોતાની ભેંસને નિયમિત વગડામાં ચરાવવા લઈ જતી હતી. એક દિવસ ભેંસ ચરતાં ચરતાં આગળ નીકળી ગઈ. ત્યાં બીજી એક ભેંસ પણ ચરી રહી હતી. અચાનક બંનેના વાંકડિયાં શીંગડાં એકબીજામાં ભેરવાઈ ગયાં. કોશિશ કરવા છતાં શીંગડાં ન નીકળ્યાં એટલે પીડા થઈ અને ભેંસનો અવાજ આવતાં ઘરવાળી દોડી. જોયું તો બંને ભેંસ છૂટવા મથી રહી હતી. બાઈ કોઈ ઉપાય વિચારે એ પહેલાં તો બંને ભેંસ છૂટી પડી ગઈ અને એની ભેંસ જમીન પર ફસડાઈ ગઈ. એનો એક પગ પણ ભાંગી ગયો. જેમતેમ કરી ભેંસને ઘરભેગી કરી.
ઘરે પહોંચી તો ગઈ, પણ બાઈમાણસ ગભરાઈ ગઈ. તરત ગામમાં જઈ જાણકારને બોલાવી ભેંસના પગની સારવાર સત્વરે શરૂ કરી દીધી. એવામાં કણબી ખેતરેથી આવ્યો અને ઘરવાળીને ગભરાયેલી જોઈ એને આશ્ર્ચર્ય થયું. બાઈ તો તરત ફરિયાદના સૂરમાં કહેવા લાગી કે ‘જુઓને, આ ભેંસનો ટાંટિયો ભાંગી ગયો છે.’ પછી વગડામાં શું થયું એની વિગતે જાણ કરી. કણબી ભગત માણસ હતો. ઘરવાળીની વ્યથા કથા સાંભળી અસ્વસ્થ ન થયો. હળવેકથી એટલું જ બોલ્યો કે ‘બહુ ખોટું થયું, પણ ઈશ્વર જે કરે એ સારા માટે સમજવું.’ ધણીના મોઢે આ વાત સાંભળી ઘરવાળી તો ચોંકી જ ગઈ. રીતસરની આવેશમાં આવી ગઈ અને ધણીને સંભળાવી દીધું કે ‘તમારે તો બસ બોલીને છૂટી જવું છે. સવાર પડશે અને સાંતીડું (હળ) જોડીને નીકળી જાશો. ઘરે બધાં કામ કેમ પાર પાડવાં એ તો હું જ જાણું ને. તમને એની સાથે કોઈ નિસ્બત નહીં, લેવાદેવા નહીં. મને દિલાસો દેવાને બદલે અને હવે શું કરવું જોઈએ એનો વિચાર કરવાને બદલે તમે તો સાવ બેફિકર બની ભગવાન ભગવાનની માળા જપવા લાગ્યા છો. ઘેર બધી જંજાળ તો મારે જ કરવાની ને. ભેંસનો પગ ભાંગ્યો એનું દુ:ખ તો મને થાય. તમને એમાં શું?’
શાંત ચિત્તે કણબી ભગતેે ઘરવાળીનો ઉકળાટ સાંભળી લીધો. દિલાસો આપતાં એટલું જ બોલ્યા કે ‘જે કંઈ થાય છે એ સારા માટે જ થાય છે એમ માની લેવાથી મનને સંતાપ ન થાય. ઈશ્વરે જે નિરધાર્યું હોય એમાં આપણો ગજ વાગે નહીં. એટલે અફસોસ કરવો નકામો છે.’ પતિ - પત્ની વચ્ચે આ રક્ઝક ચાલી રહી હતી ત્યાં ગામના પાદરે ઢોલ ઢબૂક્યો. ગામ પર કોઈ ભય - સંકટ આવી પડે ત્યારે ઢોલ વગાડી લોકોને સાવધ કરી દેવાની પ્રથા હતી. કણબીએ તરત જઈ તપાસ કરી તો ખબર પડી કે બહારવટિયા આવ્યા હતા અને સીમમાં ચરતી ગામની ગાય - ભેંસ ભગાડીને પલાયન થઈ ગયા હતા. કણબીની ભેંસનો પગ ભાંગી ગયો હોવાથી એને ભગાડી શકાય એમ ન હોવાથી અને આવી ભેંસનું કરવું શું એવો વિચાર કરી એને રહેવા દીધી હતી. કણબીની ઘરવાળી બધું સમજી ગઈ. કણબી આછું મલક્યા અને એટલું જ બોલ્યા કે ‘ઈશ્વર કરે તે સારા માટે.’
ભાષા વૈભવ
એક કહેવત - અનેક સ્વરૂપ
નસીબ - પ્રારબ્ધનો મહિમા ગાતી આ એક જાણીતી ગુજરાતી કહેવત છે અકર્મીનો પડિયો કાણો. ગરીબ માણસની વિડંબના કરતી આ કહેવત છે. જેમના નસીબ વાંકા (ખરાબ) હોય, તેમને મદદરૂપ થવાનાં સાધન કે સંજોગો પણ એવા જ નબળા મળે છે. આ કહેવત નસીબની વિડંબના દર્શાવે છે, જેમાં વ્યક્તિ ગમે તેટલા સારા પ્રયાસો કરે તો પણ પરિણામ ધાર્યા મુજબ મળતું નથી અને અંતે નુકસાન જ થાય છે. એક સ્થળે કોઈ શેઠ તરફથી દૂધનું મફત વિતરણ થઈ રહ્યું હતું. એક ભૂખ્યા તરસ્યા પણ દુર્ભાગી માણસે આ વાત સાંભળી દૂધ લેવા દોડ્યો. જોકે, દૂધ લેવું શેમાં એ સમસ્યા હતી, કારણ કે તેની પાસે કોઈ સાધન નહોતું. શું કરવું એ વિચારતો હતો એવામાં રસ્તામાં એક પડિયો દેખાયો. હરખાઈને એ ઉપાડી દોડ્યો દૂધ લેવા. દૂધ લીધું ખરું પણ દડિયામાં નીચે કાણું હતું એટલે બધું દૂધ ઢોળાઈ ગયું. અંતે એ ભૂખ્યો જ રહ્યો. નસીબે હાથતાળી દીધી. આવી બીજી કહેવત છે ગરીબની બૈયર સૌની ભાભી - ગરીબની વહુને સૌ ભાભી કહે. આ કહેવતનો ભાવાર્થ છે કે નિર્ધન ઉપર સૌ હુકમ ચલાવે. દુકાળમાં અધિક માસ કહેવતમાં આ જ ભાવ છે. દુબળા ઢોરને ઘણી બગાઈઓ કહેવતમાં પણ આ જ ધ્વનિ પ્રગટ થાય છે. બગાઈ એટલે ઢોરની રુંવાટીમાં રહેતું એક પાંખવાળું જીવડું જે પશુનું લોહી ચુસીને હેરાન કરે છે. કમજોર અને અશક્ત પશુને બગાઈઓ સરળતાથી વળગીને તેને વધુ હેરાન કરે છે, તેવી જ રીતે સમાજમાં લાચાર લોકો વધુ મુશ્કેલીઓનો સામનો કરે છે એ એનો ભાવાર્થ છે. બકરાની માનતા સૌ કરે, વાઘની માનતા કોઈ ન કરે કહેવતમાં પણ બકરાને જોખમ વગરનું અને વાઘને જોખમી પ્રાણી સમજી વિરોધાભાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. નિર્ધન વ્યક્તિની આ દશા એક દોહામાં પ્રભાવી રીતે વ્યક્ત થઈ છે: દેખી દરિદ્રકું દૂરસે, લોક કરે અપમાન, જાચકકું જ્યું દેખકે ભસત હૈ બહુત શ્વાન. નસીબનો જ મહિમા ગાતી મરાઠી કહેવત છે કે . મૃતિકા એટલે માટી. જેને નસીબ સાથ ન દેતું હોય એને માટીના કણ પણ સોના જેવા મૂલ્યવાન હોવાનો ભાસ થતો હોય છે. ટૂંકમાં કપરા કાળમાં બુદ્ધિ અને દ્રષ્ટિ થાપ ખાઈ જાય છે. આ જ પ્રકારનો ભાવાર્થ ધરાવતી અંગ્રેજી કહેવત જાણીએ:A lean dog gets nothing but fleasજે દૂબળા ઢોરને બગાઈઓ ઘણી કહેવતને મળતી આવે છે.