Thu May 28 2026

Logo

વૈભવે 97માંથી 92 રન તો ઉભાં ઉભાં જ ઠોકી દીધા, કઈ ભૂલના કારણે સદી ચૂક્યો ?

2026-05-28 09:18:00
Author: Mayur Patel
Article Image

ચંડીગઢઃ આઈપીએલ 2026માં  ગઈકાલે રાજસ્થાન અને હૈદરાબાદનો મુકાબલો રમાયો હતો. મેચમાં રાજસ્થાને હૈદરાબાદને 47 રનથી હરાવીને ક્વૉલિફાયર-ટૂમાં પ્રવેશ કર્યો હતો. રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 20 ઑવરમાં 8 વિકેટના નુકસાન પર 243 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદની ટીમ 19.2 ઑવરમાં 196 રન બનાવી ઑલઆઉટ થઈ ગઈ હતી.

રાજસ્થાન તરફથી વૈભવ સૂર્યવંશીએ તાબડતોડ બેટિંગ કરી હતી. તેણે 29 બોલમાં 12 સિક્સર અને 5 ફૉરની મદદથી 97 રન ઠોક્યા હતા. આમ તેણે 92 રન તો ઉભાં ઉભાં જ ઠોકી દીધા હતા. ક્રિસ ગેઈલનો 30 બૉલમાં સદીનો રેકોર્ડ તોડવાની ઉતાવળમાં તેણે ઉંચો શૉટ ફટકાર્યો હતો અને બાઉન્ડ્રી નજીક કેચ આઉટ થયો હતો. આમ માત્ર 3 રન માટે તે સદી ચૂકી ગયો હતો. આઉટ થયા બાદ તે ઘણો નિરાશ થયો હતો. જોકે ત્યાં સુધીમાં તેણે રાજસ્થાનના તોતિંગ સ્કોરનો પાયો નાંખી દીધો હતો.

ઑરેન્જ કેપ હોલ્ડર બન્યો સૂર્યવંશી

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આ વર્ષે હવે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી બની ગયો છે. વૈભવે અત્યાર સુધીમાં 15 મેચ રમીને 680 રન બનાવી લીધા છે અને તે ઑરેન્ડ કેપ હોલ્ડર બની ગયો છે. સૂર્યવંશી 700 રનના જાદુઈ આંકડાથી હવે માત્ર 20 રન પાછળ છે. તેની ટીમ એટલે કે રાજસ્થાન રૉયલ્સ હવે ક્વોલિફાયર 2 માં પહોંચી ગઈ છે, એટલે કે તેમને હવે એકથી બે મેચ વધુ મળશે. જો તેમનું બેટ ચાલશે તો 700 શું, 800 રન પણ તેના માટે બહુ મુશ્કેલ કામ નથી. વૈભવે અત્યાર સુધી રમાયેલી મેચોમાં 55 ચોગ્ગા અને 65 છગ્ગા ફટકારી દીધા છે, જે એક રેકોર્ડ  છે.

રાજસ્થાનનો મુકાબલો ગુજરાત સામે

રાજસ્થાને ગઈકાલે હૈદરાબાદને 47 રનથી હરાવીને મેચ જીતીને ક્વૉલિફાયર-2માં સ્થાન બનાવ્યું હતું. જેમાં રાજસ્થાનનો મુકાબલો ગુજરાત સામે થશે. આ મેચમાં જે ટીમ જીતશે તે ફાઈનલમાં બેંગ્લૂરુ સામે ટકરાશે. ફાઈનલ મુકાબલો રવિવાર, 31 મે ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.