પીએમ મોદી અને જાપાનના વડા પ્રધાન વચ્ચે નક્કી થયેલી `સ્પોર્ટ 75' પહેલના ભાગરૂપે રમાશે આ ટી-20 મૅચ
નવી દિલ્હીઃ જાપાન ક્રિકેટમાં નવોસવો દેશ છે અને આ દેશ હજી સુધી એક પણ ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચ નથી રમ્યું, પણ હવે એમાં જાપાનની કરીઅર શરૂ થાય એ દિવસ દૂર નથી, કારણકે બીસીસીઆઇ અને જાપાન ક્રિકેટ બોર્ડ દ્વારા સંયુક્ત રીતે આનંદપૂર્વક જાહેરાત કરવામાં આવી છે કે બાવીસમી સપ્ટેમ્બરે ભારત સામે જાપાન પોતાની ઐતિહાસિક ટી-20 ઇન્ટરનૅશનલ મૅચ રમશે.
સવારે 9.30 વાગ્યાથી મૅચ
19મી સપ્ટેમ્બરે જાપાનમાં એશિયન ગેમ્સ શરૂ થશે. એમાં જે ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાશે એમાં ભારતની પ્રથમ મૅચ છેક 28મી સપ્ટેમ્બરે રમાશે. એ પહેલાં, જાપાનની પહેલી મૅચ 24મી સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન વિરુદ્ધ રમાવાની છે, પણ એના બે દિવસ પહેલાં એટલે કે મંગળવાર, બાવીસમી સપ્ટેમ્બરે જાપાનમાં ટૉચિગી પ્રીફેચરના સાનો ઇન્ટરનૅશનલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત (India) અને જાપાન (Japan) વચ્ચે ઐતિહાસિક ટી-20 ક્રિકેટ ((cricket) મૅચ રમાશે જેનાથી જાપાનની ક્રિકેટમાં નવું પ્રકરણ શરૂ થશે. એ મૅચ ભારતીય સમય અનુસાર સવારે 9.30 વાગ્યે શરૂ થશે.
𝗛𝗶𝘀𝘁𝗼𝗿𝘆 𝗜𝗻 𝗧𝗵𝗲 𝗠𝗮𝗸𝗶𝗻𝗴!
— BCCI (@BCCI) September 4, 2026
India🇮🇳 🤝 Japan🇯🇵#TeamIndia set to play a historic T20I against Japan to launch the celebrations of the 7️⃣5️⃣th Anniversary of India-Japan Diplomatic Relations. 👏👏@CricketJapan
All The Details 🔽https://t.co/vxdhuT1tgp pic.twitter.com/DQmPncvefH
કોણ છે બન્ને ટીમના કેપ્ટન?
શ્રેયસ ઐયર ભારતની ટી-20 ટીમનો કૅપ્ટન અને તિલક વર્મા વાઇસ-કૅપ્ટન છે. આ મૅચમાં ટીનેજ-સ્ટાર વૈભવ સૂર્યવંશી તેમ જ સંજુ સૅમસન પણ રમશે. કેન્ડેલ કાદોવાકી-ફ્લેમિંગ જાપાનનો સુકાની છે.
75 વર્ષના ગાઢ સંબંધોના અવસરે...
આ માત્ર ક્રિકેટ-સંબંધોનો અવસર નહીં હોય. ભારત અને જાપાન વચ્ચેના ગાઢ રાજદ્વારી સંબંધોને 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને એની ઉજવણીના ભાગરૂપે આ ઐતિહાસિક મૅચનું `સ્પોર્ટ 75'ની પહેલ હેઠળ આયોજન કરવામાં આવ્યું છે. `સ્પોર્ટ 75'નામની પહેલ શરૂ કરવાનું તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન સાને તાકાઇચી વચ્ચેની મંત્રણા દરમ્યાન નક્કી થયું હતું. આ પહેલ પાછળનો ઉદ્ેશ ખેલકૂદ દ્વારા બન્ને દેશ વચ્ચેના સંબંધો અને દોસ્તીને વધુ મજબૂત કરવાનો છે. આ પહેલ 2036માં કદાચ ભારતમાં યોજાનારી ઑલિમ્પિક ગેમ્સ અને પૅરાલિમ્પિક્સની યજમાનીનું સપનું વધુ સારી રીતે સાકાર કરવાના હેતુથી પણ કરવામાં આવી છે.
ગૌરવનો દિવસ: બીસીસીઆઈ
બીસીસીઆઇના સેક્રેટરી દેવાજિત સૈકિયાએ એક યાદીમાં જણાવ્યું, `જાપાનમાં જઈને ઐતિહાસિક ટી-20 મૅચ રમવી ભારતીય ટીમ માટે મોટા ગૌરવ અને ગર્વની વાત છે. આ મૅચ મારફત જાપાનમાં અને પૂર્વ એશિયાના દેશોમાં ક્રિકેટની રમતને લોકપ્રિય બનાવવામાં મદદરૂપ થશે.'