નવી દિલ્હીઃ બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)એ ટી-20ના વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન સૂર્યકુમાર યાદવ માટે ટીમ ઇન્ડિયાનો દરવાજો ખુલ્લો રાખ્યો છે, પણ સૂર્યાએ એ માટે એક મોટી શરત પૂરી કરવી પડશે. તાજેતરના કેટલાક અહેવાલો અનુસાર જો સૂર્યકુમાર (Suryakumar) આગામી ડોમેસ્ટિક સીઝનમાં સતત સારું પર્ફોર્મ કરશે તો સિલેક્ટરો તેને ભારતીય ટીમમાં ફરી સ્થાન આપવા વિશે વિચારશે, પસંદગીકારો (Selectors)એ તેની સાવ બાદબાકી નથી કરી નાખી.
આઇપીએલ-2026 પૂર્વે (માર્ચ મહિનામાં) ભારત સૂર્યકુમારના સુકાનમાં ટી-20નો વિશ્વ કપ જીત્યું હતું. આ ફૉર્મેટનો વર્લ્ડ કપ સતત બે વખત જીતનાર ભારત એકમાત્ર દેશ છે. સૂર્યકુમારની બૅટિંગ થોડા મહિનાઓથી નબળી રહી છે, પણ ટી-20ના કૅપ્ટન તરીકે તેણે ઘણી સફળતાઓ મેળવી છે. જોકે ગયા મહિનાના આયરલૅન્ડના અને ઇંગ્લૅન્ડના ટી-20 પ્રવાસ માટેની ટીમમાં ખેલાડી તરીકે પણ સૂર્યકુમારને સ્થાન નહોતું અપાયું અને શ્રેયસ ઐયરની કૅપ્ટન્સીમાં આઇરિશો સામે ભારતનો 0-2થી અને ઇંગ્લૅન્ડ સામે 0-4થી પરાજય થયો હતો. આયરલૅન્ડ જેવો ક્રિકેટનો નાનો દેશ પહેલી જ વખત ભારતને હરાવવામાં સફળ થયો એ પણ શ્રેયસ ઍન્ડ કંપની માટે નામોશી કહેવાય.
35 વર્ષનો સૂર્યકુમાર માર્ચના વર્લ્ડ કપમાં ફક્ત અમેરિકા સામેની પ્રથમ મૅચમાં જ સારું રમ્યો હતો. ત્યાર બાદ આઇપીએલની 13 મૅચમાં તેણે માત્ર 270 રન બનાવ્યા હતા. આ બધું જોતાં (અમુક અહેવાલો મુજબ) પસંદગીકારોએ અને હેડ-કોચ ગૌતમ ગંભીરે સૂર્યકુમારને ટી-20 ટીમમાંથી જ પડતો મૂકવાનું પગલું ભર્યું હતું.
આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડના પ્રવાસમાં ભારત કુલ સાત મૅચમાં વિજયથી વંચિત રહ્યું જેને પગલે સિલેક્ટરો હવે વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. બીસીસીઆઇના સૂત્રો પાસેથી જાણવા મળ્યા અનુસાર પસંદગીકારોએ સૂર્યકુમાર માટે ટીમ ઇન્ડિયાનો દરવાજો કાયમ માટે બંધ નથી કરી નાખ્યો. 11મી ઑક્ટોબરે નવી રણજી સીઝન શરૂ થશે અને ત્યારથી મુંબઈ વતી સૂર્યકુમાર જે મૅચોમાં રમશે એમાં તેની કસોટી થશે.