મૃતકોના પરિવારને પાંચ લાખની સહાયની મુખ્ય પ્રધાનની જાહેરાત
પુણે: પુણે જિલ્લામાં સોમવારે સવારે ‘વારી’ સાથે જઇ રહેલી ટ્રકે વારકરીઓ (ભગવાન વિઠ્ઠલના ભાવિકો)ને અડફેટે લેતાં ત્રણ મહિલાનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય ચાર મહિલા વારકરી ઘાયલ થઇ હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે 70 વર્ષની વયના ટ્રક ડ્રાઇવરને તાવ અને શરદી હતી, તેમ છતાં તે ટ્રક હંકારી રહ્યો હતો અને બીજા વાહનને ઑવરટેક કરવાના પ્રયાસમાં તેણે ટ્રકને ડાબી તરફ વાળી ત્યારે મહિલા તેની અડફેટમાં આવી ગઇ હતી.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાઓના પરિવારજનોને પ્રત્યેકી પાંચ લાખ રૂપિયાની સહાયની ઘોષણા કરી હતી.
પુણે જિલ્લામાં જેજુરી ખાતે બેલસર ટોલ પ્લાઝાથી આશરે પાંચસો મીટરે હોટેલની નજીક સોમવારે સવારે 8.30 વાગ્યે આ અકસ્માત થયો હતો. યાત્રાળુઓ મુખ્ય ‘પાલખી’થી 12 કિ.મી. આગળ હતા. રાજ્યભરના અનેક યાત્રાળુઓ આષાઢી એકાદશીના અવસરે સોલાપુર જિલ્લાના પંઢરપુર ખાતે વિઠ્ઠલ મંદિરમાં દર્શન કરવા માટે વાર્ષિક યાત્રામાં જોડાય છે. આ વર્ષે પચીસમી જુલાઇએ ઉજવણી થવાની છે.
પોલીસના જણાવ્યા અનુસાર ખાસ કરીને યાત્રાળુઓ માટે બે અલગ માર્ગ રખાયા છે. યાત્રાળુઓને લઇ જતાં વાહનો માટે અલગ માર્ગ અને પગપાળા યાત્રાળુઓ માટે અલગ માર્ગ છે. જોકે અમુક યાત્રાળુઓ વાહનો માટેની લેનમાં પણ ચાલતા જોવા મળે છે.
ટ્રકમાં નાંદેડ જિલ્લાના લોહાથી રંગનાથ મહારાજ પોખરબિસિકરના યાત્રાળુઓ હતા અને ટ્રક જેજુરી તરફ જઇ રહી હતી, જ્યારે મહિલાઓ સાંગલી જિલ્લાના કસાબે દિગ્રજની હતી અને યાત્રાળુઓ માટેની લેનમાં ચાલી રહી હતી, એમ પુણે ગ્રામીણના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સંદીપ સિંહ ગિલે જણાવ્યું હતું.
ટ્રક ડ્રાઇવરે અન્ય વાહનને ઑવરટેક કરવાના પ્રયાસમાં મહિલા યાત્રાળુઓને કચડી નાખી હતી. મૃતકોની ઓળખ નંદા પવાર (60), માધવી રાજારામ સાલગરે (55) અને રાજશ્રી શંકર ભોસલે (55) તરીકે થઇ હતી. અકસ્માતમાં ઘવાયેલી ચાર મહિલાની હાલત નાજુક છે અને જેજુરી ખાતેની હોસ્પિટલના આઇસીયુમાં તેમની સારવાર ચાલી રહી છે.
અકસ્માતની જાણ થતાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ ઑપરેશન, ઘાયલોને તબીબી સહાય, ટ્રાફિક મેનેજમેન્ટ અને અન્ય કાનૂની ઔપચારિકતાઓનું નિરીક્ષણ કર્યું હતું.
ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ઘટનાના સંજોગોની બારીકાઇથી તપાસ કરવામાં આવી રહી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના અત્યંત હૃદયદ્રાવક છે એમ જણાવીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે તેમણે મૃતકોના પરિવારજને સહાયની પણ ઘોષણા કરી હતી.
નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને તેમણે હોસ્પિટલમાં ઘાયલ મહિલા વારકરીઓને મળ્યા હતા અને તબિયત અંગે પૃચ્છા કરી હતી. તેમણે પ્રશાસનને તમામ શક્ય મદદ અને તબીબી ઉપચાર પ્રદાન કરવા સૂચના આપી હતી અને મૃતકના પરિવારજનોને સાંત્વન આપ્યું હતું. રાષ્ટ્રવાદીના વિધાનસભ્ય રોહિત પવારે આ ઘટનાની ઊંડાણથી તપાસની માગણી કરી હતી.
(પીટીઆઇ)