(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં બિલ્ડિંગના બીજા માળ પરની ગ્રીલ તૂટીને બે બાળક પર પડતાં બંને જણ ગંભીર રીતે જખમી થયા હતા. આ દુર્ઘટના રવિવારે બપોરના ભિવંડીના દરગાહ રોડ પર એક મસ્જિદ નજીક બની હતી.
ભિવંડી નિઝામપુર મ્યુનિલિપલના ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ આઠ અને દસ વર્ષના બે સગીર વયનાં બાળકો તેમના સંબંધીના ત્યાં રહેવા માટે આવ્યાં હતાં. ચાર માળની રહેણાક બિલ્ડિંગના બીજા માળા પરના ઘરની બારીની ગ્રીલ પર તેઓ બેઠાં હતાં ત્યારે અચાનક તે તૂટી પડી હતી.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ગ્રીલ તૂટી પડવાની સાથે જ બંને બાળક ગ્રાઉન્ડ ફ્લોર પર ગ્રીલની સાથે પડ્યાં હતાં, જેમાં બંને જણ ગંભીર રીતે જખમી થયાં હતાં. તેમને તરત સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
આ બિલ્ડિંગનો પાલિકાની જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ નહોતો. તેથી બારીની ગ્રીલ તૂટી પડવાનું ચોકક્સ કારણ તપાસ બાદ જાણી શકાશે એવું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.