Mon Jul 13 2026

Logo

વલસાડના સાંસદના નામે નકલી લેટરહેડ અને ઈમેલ આઈડીનો ઉપયોગ કરી બેંકને ગેરમાર્ગે દોરનારો ઝડપાયો

2026-07-13 18:48:14
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસે એક કથિત છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે જેમાં સરકાર અને બેંકોને ગેરમાર્ગે દોરવા માટે વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલના નામે નકલી લેટરહેડ અને ઇમેઇલ આઈડી બનાવવામાં આવ્યા હતા.

મૂળ પશ્ચિમ બંગાળના આરોપી, પ્રતીક પ્રદૂતકુમાર દે (30)એ કથિત રીતે સાંસદના નામે નકલી ઈમેલ આઈડી બનાવીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) ના ચેરમેન સી.એસ. શેટ્ટીને ખોટો ભલામણ પત્ર મોકલ્યો હતો જેથી તે અનુચિત લાભ મેળવી શકે. મળતી માહિતી અનુસાર આરોપીની અમદાવાદના ઈસનપુર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ સાંસદ ધવલ પટેલના સત્તાવાર લેટરહેડ પર દેખાતી ડિઝાઇન, હોદ્દો અને નકલી સહીનો ઉપયોગ કરીને બનાવટી ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તૈયાર કર્યા હતા. ત્યારબાદ બેંકને ગેરમાર્ગે દોરવાના હેતુથી નકલી ઇમેઇલ આઈડી પરથી ભલામણ પત્ર મોકલવામાં આવ્યો હતો.

સાંસદ ધવલ પટેલના અંગત સહાયક રવિકુમાર સુરેશભાઈ પટેલે વલસાડ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ આ પ્રકરણ બહાર આવ્યું હતું. 

પોલીસે તપાસ કરી આરોપીની ભાળ મેળવી હતી અને તેના નિવાસસ્થાન પર રેડ કરી તેની પકડી પાડ્યો હતો. પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.