Sun Jul 12 2026

Logo

પુણે મોશી કચરાના ઢગલાની દુર્ઘટના: મૃત્યુઆંક 9 થયો, ચોથે દિવસે વધુ 8 મૃતદેહ મળ્યાં

2026-07-12 16:28:00
Author: Mumbai Samachar Team
Article Image

પુણે: પુણેના પિંપરી ચિંચવડ મહાનગર પાલિકાના મોશી કચરાનો મોટો ઢગલો પડ્યાની દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. આ ભીષણ દુર્ઘટનાના ચોથા દિવસે ચલાવવામાં આવેલા બચાવ કાર્યમાં કાટમાળ નીચે ફસાયેલા કુલ 8 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા અને આ સાથે જ આ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને નવ થઈ છે. 
આ દુર્ઘટના 8 જુલાઈએ બપોરે લગભગ 1.30 વાગ્યા આજુબાજુ બની હતી. આ ઘટનામાં મોશી સ્થિત કચરાનો મોટો ઢગલો 'વેસ્ટ ટૂ એનર્જી' પરિયોજનાની વહીવટી ઇમારત પર પડ્યો હતો. 

દુર્ઘટના સમયે બિલ્ડિંગની અંદર 22 અને બહાર કચરાના ઢગલા નીચે કુલ 23 લોકો ફસાયા હતા. દુર્ઘટના બાદ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીમાં ઇમારતથી 5 લોકો પોતાની રીતે સુરક્ષિત બહાર નીકળી ગયા હતા. બીજી તરફ એ જ દિવસે 9 અન્ય લોકોને રેસ્ક્યુ ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.   

રાહત-બચાવ દળની બચાવ કામગીરી હજુ ચાલુ
ત્યાર બાદ બાકી બચેલા લોકોની તપાસ માટે ભારતીય સેનાએ, એનડીઆરએફ, પીમ્પરી-ચિંચવડ મહાનગર પાલિકા, પીએમઆરડીએ અગ્નિશમન દળ અને પોલીસ વિભાગે સાયુક્તરીતે અભિયાન શરૂ રાખ્યું હતું. નવમી જુલાઈના કચરાના કાટમાળમાંથી ભાવેશ વાણી નામના યુવાનને બહાર કાઢવામાં આવ્યો, પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.

આ ક્ષતિગ્રસ્ત ઇમારત વધુ નબળી અને અસ્થિર હોવાના કારણે બચાવ કાર્યમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કાટમાળ હટાવવા માટે 12 પોકલે મશીન, જેસીબી અને ડમ્પરોની મદદ લેવામાં આવી હતી. ત્યાર બાદ ઇમારતના જોખમી ભાગને હટાવવા માટે બે અત્યાધુનિક ડિમોલિશન એક્સકેવેટર મશીન ઘટનાસ્થળે લાવવામાં આવી હતી. 

લોકોના મૃતદેહો મળ્યા 
એનડીઆરએફના ટેક્નિકલ માર્ગદર્શનમાં ઇમારતના અસ્થિર ભાગને નિયંત્રિત રીતે હટાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ લોકો સુધી પહોંચવામાં સફળતા મળી હતી. મૃતકની ઓળખ કરવામાં આવી છે, જેમાં શનિવારે સર્ચ ઓપરેશનમાં અક્ષય સાવંત (35), સુનિલ કોરકે (40), સન્ની માને (39), મહેશ કુંભાર (33), મંગેશ ગાયકવાડ (26), રણજિત પાટીલ (22) અને રાહુલ ગાયકવાડ (35)ના મૃતદેહો મળ્યા હતા. 

આ દરેક વ્યક્તિને પિંપરીની વાઈસીએમ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હાલમાં ઇમારત પાસે કચરાના ઢગલામાં દબાયેલા અન્ય વ્યક્તિની તપાસ ચાલુ છે. પ્રશાસને જણાવ્યું હતુ કે જ્યાં સુધી અંતિમ વ્યક્તિને બહાર કાઢવામાં આવશે નહીં ત્યાં સુધી રાહતબચાવ કામગીરી ચાલુ રાખવામાં આવશે.

દુર્ઘટના મુદ્દે ગંભીર પ્રશ્નો ઊભા થયા 
બિલ્ડિંગના ફક્ત ગ્રાઉન્ડ ફ્લોર પાસે કંપ્લિશન સર્ટિફિકેટ છે, તો પહેલા અને બીજો માળ કેવી રીતે બન્યા? કોઈની પરવાનગીથી તેને ઉપયોગમાં લેવામાં આવ્યા? પર્યાવરણ વિભાગના અધિકારીઓની કે સબંધિત કોન્ટ્રાકટરની, કોની ભૂલ છે? 
એક ઉપર એક કચરાના ઢગલા લાગ્યા હતા, જેણે નગરનિગમના અધિકારીઓને નજરઅંદાજ કર્યા? એવા દરેક લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહીની આશા છે, પરંતુ શું તપાસ કમિટીમાં કોઈને દોષી માનવામાં આવશે? કે પછી તપાસ ફક્ત એક દેખાડો બની રહેશે કે કેમ એના અંગે ગંભીર સવાલો ઊઠાવવામાં આવ્યા છે.