(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાની બીજી લાઈફલાઈન ગણાતી બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ની સેવાના બેસ્ટ બસ સેવાના ૧૦૦ વર્ષ પૂરા થવા પર બેસ્ટ ઉપક્રમ દ્વારા બસના ભાડામાં હળવો ઘટાડો કરવાની જાહેરાત સાથે જ બેસ્ટના કાફલામાં મિની બસનો ઉમેરો કરવાની સાથે જ તેણે પોતાના કર્મચારીના પગાર વધારો કરવાની જાહેરાત કરી છે. બેસ્ટ બસ સેવા ૧૦૦ વર્ષના ઐતિહાસિક સીમાચિહ્ન પર પહોંચી છે. આ પ્રસંગે, પાલિકાની બેસ્ટ સમિતિના અધ્યક્ષા તૃષ્ણા વિશ્ર્વાસરાવે શુક્રવારે મહત્ત્વની જાહેરાત કરી હતી. બેસ્ટ બસ સેવાએ ૧૫ જુલાઈના રોજ એક સદી પૂર્ણ કરી હતી. ઘોડાગાડીથી લઈને ટ્રામ અને પછી બેસ્ટ બસો સુધી મુંબઈની જાહેર પરિવહન યાત્રા રહી છે.
બેસ્ટની પહેલી બસ અફઘાન ચર્ચથી ક્રોફર્ડ માર્કેટ રૂટ પર દોડી હતી. મુંબઈમાં વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને હવે મિની બસોનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવામાં આવશે. આ યોજના લાગુ કરવામાં આવશે જેથી મુસાફરો સાંકડા રસ્તાઓ પર પણ સરળતાથી સેવા મેળવી શકે. આ ઉપરાંત બંધ કરાયેલા જૂના બસ રૂટ ફરીથી શરૂ કરવાની યોજના છે. તેમ જ મુસાફરો માટે ટિકિટના ભાવ પરવડી શકે તેવા રાખવાની પણ યોજના છે.
બેસ્ટ ઉપક્રમની સેવાના શતાબ્દી નિમિત્તે કર્મચારીઓને મોટી રાહત આપતા નિર્ણયો પણ જાહેર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેના નિર્દેશ મુજબ બેસ્ટના પોતાના બસ કર્મચારીઓના પગારમાં ૩,૦૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવશે, જ્યારે કૉન્ટ્રાક્ટ (વેટ-લીઝ) બસ કર્મચારીઓના પગારમાં ૨,૦૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવશે. આ ઉપરાંત નિવૃત્ત કર્મચારીઓની પેન્ડિંગ ગ્રેચ્યુઇટી માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મંજૂર કરાયેલા ૧,૦૦૦ કરોડ રૂપિયામાંથી બેસ્ટને ૫૦૦ કરોડ રૂપિયા મળ્યા છે, ત્યારે આ ભંડોળમાંથી ગ્રેચ્યુઇટીનું વિતરણ શરૂ થઈ ગયું છે. બાકીના કર્મચારીઓના પ્રશ્ર્નોના ઉકેલ માટે બાકીના ૫૦૦ કરોડ રૂપિયા પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે એવું બેસ્ટ સમિતિના અધ્યક્ષા તૃષ્ણા વિશ્ર્વાસરાવે જણાવ્યું હતું.