નવી દિલ્હી/કોલંબોઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના પગલે દુનિયાના અનેક દેશમાં ફ્યુલ સંકટ ઊભું થયું છે. ભારતમાં સ્થિતિ વણસે એ પહેલા જ પગલાં લેવાના શરૂ થઈ ગયા છે. હોર્મુઝ ક્રિક બંધ થઈ જતા અનેક દેશના જહાજ અટવાયા છે. ઊર્જા સંક્ટના તોળાતા ભય વચ્ચે ભારતે શ્રીલંકાને પેટ્રોલની મદદ કરી છે. ભારતે શ્રીલંકાને 38,000 મેટ્રિક ટન પેટ્રોલિયમ પેદાશની સપ્લાય કરીને મોટી રાહત આપી છે. શ્રીલંકામાં ઈમરજન્સીના સમયમાં ભારત મદદે આવ્યું છે. ભારતે 20,000 મેટ્રિક ટન ડીઝલ અને 18000 મેટ્રિક ટન પેટ્રોલ આપીને મોટી મદદ કરી છે.
શ્રીલંકાએ આભાર વ્યક્ત કર્યો
શ્રીલંકાએ ભારતની આ મદદની નોંધ લઈને ભારતનો આભાર વ્યક્ત કર્યો છે. કોલંબો સ્થિત ભારતીય હાઈકમાન્ડ અનુસાર આ સપ્લાય એવા સમયે કરવામાં આવી છે જ્યારે ઈરાન યુદ્ધના કારણે વૈશ્વિક સપ્લાયને માઠી અસર પહોંચી છે. શ્રીલંકા ગંભીર ફ્યુલ ક્રાઈસીસનો સામનો કરી રહ્યું છે.
શ્રીલંકાના વિપક્ષના નેતા સજિથ પ્રેમદાસાએ પણ ભારતનો આભાર વ્યક્ત કરીને કહ્યું હતું કે, અસલી સંબંધોની ઓળખ તો સંકટના સમયે જ થાય છે. શ્રીલંકાએ જાન્યુઆરી મહિનામાં ચીનની સરકારી ઊર્જા કંપની સિનોપેક સાથે હબનટોટા પોર્ટ પાસે 2 લાખ બેરલની ક્ષમતા ધરાવતી એક રિફાઈનરી તૈયાર કરવા માટે 3.7 અબર ડૉલરની સમજૂતી કરી હતી.
હોર્મુઝ સ્ટ્રેટથી ફટકો
હોર્મુઝ સ્ટ્રેટ બંધ થઈ જતા ઊર્જા સંક્ટ ઊભું થયું છે. આવા સમયે ચીને કોઈ પ્રકારની મદદ શ્રીલંકાને ન કરતા શ્રીલંકામાં મુશ્કેલીઓ વધી હતી.પ્રેમદાસાનું આ નિવેદન ચીનની પરોક્ષ રીતે ટીકાના રૂપમાં જોવામાં આવે છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાયર્સ ફોર્સ મેજ્યોરનો ઉલ્લેખ કરીને ફ્યુઅલ આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. જહાજની અછત અને સમુદ્રી જળમાર્ગમાં વિધ્ન ઊભા થતા શ્રીલંકા ગંભીર ફ્યુઅલ સંકટમાં ફસાઈ ગયું છે. એવામાં ભારતીય કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી)એ યુદ્ધના ધોરણે રાહત આપીને મોટી મદદ કરી હતી. આ પહેલા 24 માર્ચના રોજ વડા પ્રધાન મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુર કુમાર ડિસાનાયકે ફોન પર વાતચીત કરી હતી.
મિડલ ઈસ્ટની સ્થિતિ પર ચર્ચા
આ વાતચીતમાં મિડલ ઈસ્ટ પર જે સ્થિતિ છે એની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત સપ્લાય ચેઈનને જે અસર થઈ છે એમાંથી કેવી રીતે નીવેડો કાઢી શકાય એ વિશે ચર્ચા કરવામાં આવી હતી.
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે પેટ્રોલ ડીઝલની કિંમતમાં 25 ટકાનો સીધો વધારો થયો હતો. પેટ્રોલ 398 રૂપિયા અને ડીઝલ 382 રૂપિયા સુધી પહોંચ્યું છે. હાલાત એવા છે કે, સરકાર ચાર દિવસ વર્કિંગ અવર્સ જાહેર કર્યા છે. વર્ક ફ્રોમ હોમને વેગ આપ્યો છે.