Wed Jun 17 2026

Logo

પિતાનો સંઘર્ષ જોઈ દીકરીએ લીધો અનોખો નિર્ણય અને દુનિયાને મળ્યો પહેલો ઓફિશિયલ 'ફાધર્સ ડે'...

2026-06-17 21:14:09
Author: Darshana Visaria
Article Image

જે રીતે એક માતા પોતાના બાળકને નિઃસ્વાર્થ પ્રેમ કરે છે, તે જ રીતે પિતાનો પણ બાળક સાથે એક ખાસ અને અતૂટ લગાવ હોય છે. પિતાને બાળકોના પ્રથમ શિક્ષક, માર્ગદર્શક અને જીવનનો સૌથી મોટો સપોર્ટ સિસ્ટમ માનવામાં આવે છે. પિતાના આ જ અનમોલ યોગદાન, ત્યાગ અને સમર્પણને સન્માન આપવા માટે દર વર્ષે દુનિયાભરમાં 'ફાધર્સ ડે' ઉજવવામાં આવે છે. ચાલો જોઈએ આ વર્ષે ક્યારે છે ફાધર્સ ડે અને જાણીએ કે કઈ રીતે એક મહિલાની પહેલને કારણે પિતાઓને આ સન્માન પ્રાપ્ત થયું... 

જોકે, દર વર્ષે ઘણા લોકોને ફાધર્સ ડેની ચોક્કસ તારીખને લઈને મૂંઝવણ રહે છે. તેનું મુખ્ય કારણ એ છે કે આ દિવસ કોઈ ફિક્સ તારીખે નહીં, પરંતુ જૂન મહિનાના ત્રીજા રવિવારે ઉજવવામાં આવે છે. આ વખતે ફાધર્સ ડે 21મી જૂનના સેલિબ્રેટ કરવામાં આવશે. 

વર્ષ 2026માં ક્યારે છે ફાધર્સ ડે?
વર્ષ 2026માં ફાધર્સ ડે 21 જૂનના રોજ ઉજવવામાં આવશે. આ વર્ષે જૂન મહિનાનો ત્રીજો રવિવાર 21મી તારીખે આવી રહ્યો હોવાથી ભારત સહિત અમેરિકા, કેનેડા, બ્રિટન અને વિશ્વના ઘણા દેશોમાં આ દિવસે પિતા પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવશે.

કેવી રીતે થઈ આ દિવસની શરૂઆત? 
વાત કરીએ ફાધર્સ ડે ઉજવવાની પરંપરા અને ઈતિહાસ વિશે તો તે અમેરિકા સાથે જોડાયેલો છે. ઓફિશિયલ ઈન્ફોર્મેશન અનુસાર પિતાના સન્માનમાં પહેલો વિશેષ કાર્યક્રમ વર્ષ 1908માં અમેરિકાના વેસ્ટ વર્જિનિયામાં યોજાયો હતો, પરંતુ તેને નિયમિત રીતે ઉજવવાની શરૂઆત પછીથી થઈ હતી.

આ દિવસને ગ્લોબલ લેવલ પર લોકપ્રિય બનાવવાનું સંપૂર્ણ ક્રેડિટ 'સોનોરા સ્માર્ટ ડોડા' નામની મહિલાને જાય છે. સોનોરાના પિતા વિલિયમ જેક્સન સ્માર્ટે તેમની પત્નીના અવસાન બાદ એકલા હાથે પોતાના 6 બાળકોનો ઉછેર કર્યો હતો. પિતાનો આ સંઘર્ષ અને ત્યાગ જોઈને સોનોરાને વિચાર આવ્યો કે જો માતાઓ માટે 'મધર્સ ડે' ઉજવાતો હોય, તો પિતા માટે પણ એક ખાસ દિવસ હોવો જ જોઈએ. તેમની આ અનોખી પહેલના કારણે 19મી જૂન 1910ના રોજ અમેરિકાના વોશિંગ્ટન રાજ્યના સ્પોકેન શહેરમાં પહેલી વખત સત્તાવાર ફાધર્સ ડે ઉજવવામાં આવ્યો હતો.

Bettmann Archive/Bettmann Archive

સરકારી મંજૂરી મળતા લાગ્યા વર્ષો
આ દિવસને રાષ્ટ્રીય દરજ્જો અપાવવા માટે લાંબો સંઘર્ષ કરવો પડ્યો હતો. વર્ષ 1913માં અમેરિકી સંસદમાં આ અંગેનો પહેલો પ્રસ્તાવ રજૂ કરાયો અને 1916માં તત્કાલીન રાષ્ટ્રપતિ વુડરો વિલ્સને તેને સમર્થન આપ્યું અને ત્યાર બાદ, 1966માં રાષ્ટ્રપતિ લિંડન બી. જોહન્સને જૂનના ત્રીજા રવિવારને ફાધર્સ ડે તરીકે જાહેર કર્યો. અંતે, વર્ષ 1972માં રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સને આ દિવસને કાયમી નેશનલ હોલિડે તરીકે ઓફિશિયલી મંજૂરી આપી દીધી.

ભારતમાં કેવી રીતે થાય છે ઉજવણી?
ભારતમાં જો કે આ દિવસે વિદેશની જેમ કોઈ પબ્લિક હોલિડે કે જાહેર રજા હોતી નથી, પરંતુ યુવાનો અને બાળકોમાં આ દિવસને લઈને ભારે ઉત્સાહ જોવા મળે છે. લોકો આ દિવસ પોતાના પિતા સાથે વિતાવે છે, તેમને સ્પેશિયલ ગિફ્ટ, સરપ્રાઈઝ કે હાથેથી બનાવેલા ગ્રીટિંગ કાર્ડ્સ આપે છે. આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર પિતા સાથેના ફોટા અને હૃદયસ્પર્શી મેસેજ શેર કરવાનો પણ મોટો ક્રેઝ છે.

તમે કેવી રીતે બનાવી શકો છો આ દિવસને ખાસ?
જો તમે પણ આ ફાધર્સ ડે પર તમારા પપ્પાને સ્પેશિયલ ફીલ કરાવવા માંગતા હોવ, તો આ આઈડિયાઝ ટ્રાય કરી શકો છો-
⦁    તેમના માટે સ્પેશિયલ ફેમિલી લંચ કે ડિનર પ્લાન કરો.
⦁    જૂના ફોટાઓનું આલ્બમ જોઈને જૂની યાદો તાજી કરો.
⦁    તેમની પસંદગીની કોઈ વસ્તુ ગિફ્ટમાં આપો કે પછી તેમની સાથે કોઈ આઉટડોર પિકનિક પર જાઓ.
⦁    એક નાનકડી થેંક યુ નોટ લખીને પણ તમે તેમના ચહેરા પર સ્મિત લાવી શકો છો.