સ્થાનિક સોનામાં રૂ.515નો અને ચાંદીમાં રૂ. 1491નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વની આજે સમાપન થતી બે દિવસીય નીતિવિષયક બેઠકની ફળશ્રુતિ અને અમેરિકા-ઈરાન વચ્ચેના વચગાળાના શાંતિકરારની સ્પષ્ટતાઓની રાહમાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવ સાંકડી વઘઘટે અથડાઈ ગયાના અહેવાલને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓમાં મર્યાદિત માગ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું, જેમાં સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 513થી 515 અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 1491 ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારોની તેમ જ જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1491 ઘટીને રૂ. 2,47,688ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સાવચેતીના અભિગમ વચ્ચે રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 513 ઘટીને રૂ. 1,49,547 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 515 ઘટીને રૂ. 1,50,148ના મથાળે રહ્યા હતા.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ આસપાસ આૈંસદીઠ 4332.07 ડૉલર અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ 0.1 ટકાના ઘટાડા સાથે 4351.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.3 ટકા ઘટીને આૈંસદીઠ 69.98 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આજે અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય બેઠકના અંતે ફેડરલના અધ્યક્ષ કેવિન વાર્શ ભવિષ્યમાં કેવી નાણાનીતિ અખત્યાર કરવામાં આવશે તેના સંકેતોને ધ્યાનમાં લેતા સોના-ચાંદી સહિતની કિંમતી ધાતુઓના ભાવની ચાલ અવલંબિત રહેશે, એમ સાક્સો બૅન્કના વિશ્લેષક ઑલે હાસને જણાવ્યું હતું.
વધુમાં હાલ બજાર વર્તુળોની નજર અમેરિકા અને ઈરાન સાથેના વચગાળાના શાંતિ કરાર અંગેની સ્પષ્ટતાઓ પર પણ છે. અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે તહેરાન સાથે અણુ શસ્ત્રો અંગે પાછળથી વાટાઘાટ કરવામાં આવશે, એમ જણાવ્યું હતું, જ્યારે અમેરિકી અધિકારીઓએ ઈરાનને તેલનો વેપાર કરવાની છૂટ આપવામાં આવશે એવું જણાવ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે ઈરાન સાથેના શાંતિકરારના નિર્દેશો બાદ ક્રૂડતેલના ભાવ ઘટી આવતા ગત સોમવારે સોનાના ભાવમાં છ મહિનાની નીચી સપાટીએથી ઉછાળો આવ્યો હતો. જાકે, હવે ક્રૂડતેલના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાથી ફુગાવો વધવાની શક્યતા ઓછી થતાં અમેરિકી ફેડરલ રિઝર્વ બહુ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર નહીં જાળવી રાખે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા હોવાથી સોનાના સુધારાને ટેકો મળી રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.