Thu Jun 18 2026

Logo

યુએસ-ઈરાન ઐતિહાસિક શાંતિ સમજૂતી: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 14 મુદ્દાના ડ્રાફ્ટ પર કર્યા હસ્તાક્ષર

Paris   2026-06-18 08:44:00
Author: Vimal Prajapati
Article Image

પેરિસઃ મધ્યપૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ઘટનાક્રમ સામે આવ્યો છે. અમેરિકા અને ઈરાને શાંતિ તરફ મજબૂત પગલું ભરતા પ્રારંભિક સમજૂતી પર સહમતી સાધી લીધી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા-ઈરાન શાંતિ સમજૂતીના મુસદ્દા (Draft MoU) ને મંજૂરી આપીને તેના પર સત્તાવાર રીતે હસ્તાક્ષર કરી દીધા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે બુધવારે સાંજે ફ્રાન્સના વર્સાય પેલેસમાં આયોજિત એક રાત્રિભોજન (Dinner) દરમિયાન આ ઐતિહાસિક દસ્તાવેજ પર સહી કરી હતી.

શું છે આ 14 મુદ્દાની સમજૂતીમાં?

અમેરિકી સરકારના વરિષ્ઠ વહીવટી અધિકારીએ માહિતી આપી છે કે, આ 14 મુદ્દાના ડ્રાફ્ટ કરારમાં હોર્મુઝ જળડમરુમધ્ય (Strait of Hormuz) ને ફરીથી ખોલવાથી લઈને ઈરાન પરના આર્થિક પ્રતિબંધો હટાવવા સુધીની ઘણી મહત્વની શરતોનો સમાવેશ થાય છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બગાઈએ જણાવ્યું હતું કે, ‘અમેરિકા-ઈરાન શાંતિ સમજૂતી બંને દેશોના રાષ્ટ્રપતિઓના હસ્તાક્ષર સાથે અંતિમ સ્વરૂપ લઈ ચૂકી છે. હવે અસલી પરીક્ષા આ કરારના યોગ્ય અમલીકરણની છે’. અગાઉ આ કરાર પર સત્તાવાર હસ્તાક્ષર શુક્રવારે સ્વિટ્ઝર્લેન્ડમાં થવાના હતા. જો કે, તહેરાને સ્પષ્ટ કર્યું છે કે જિનીવામાં પ્રસ્તાવિત બેઠક હજી પણ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ યોજાશે, જ્યાં આગળની તકનીકી વાટાઘાટો હાથ ધરાશે.

સમજૂતીની 14 મુખ્ય શરતો

  • અમેરિકા, ઈરાન અને વર્તમાન સંઘર્ષમાં સામેલ તેમના સાથી દેશો આ MoU પર હસ્તાક્ષર કરીને લેબનાન સહિતના તમામ મોરચે સૈન્ય અભિયાનોને તાત્કાલિક અને કાયમી ધોરણે સમાપ્ત કરશે.
     
  • બંને પક્ષો એકબીજાની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરશે અને એકબીજાની આંતરિક બાબતોમાં દખલગીરી નહીં કરે.
     
  • બંને દેશો વધુમાં વધુ 60 દિવસની અંદર આખરી કરાર માટેની વાતચીત પૂરી કરવાનો પ્રયત્ન કરશે. પરસ્પર સંમતિથી આ સમયગાળો વધારી શકાશે.
     
  • આ કરારની સાથે જ અમેરિકા ઈરાન સામેની નૌકાદળ નાકાબંધી (Naval Blockade) હટાવવાની પ્રક્રિયા શરૂ કરશે અને 30 દિવસમાં તેને પૂર્ણ કરશે. આ સાથે જ અમેરિકા ઈરાનની સરહદો નજીકથી પોતાની સૈન્ય હાજરી પણ હટાવી લેશે.
     
  • ઈરાન આગામી 60 દિવસ સુધી પર્શિયન ગલ્ફ અને ઓમાનના દરિયા વચ્ચેથી પસાર થતા કોમર્શિયલ જહાજોને કોઈ પણ શુલ્ક વિના સુરક્ષિત રસ્તો આપશે. આગામી 30 દિવસમાં સામાન્ય દરિયાઈ વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવશે.
     
  • અમેરિકા તેના પ્રાદેશિક ભાગીદારો સાથે મળીને ઈરાનના પુનઃનિર્માણ અને આર્થિક વિકાસ માટે ઓછામાં ઓછા 300 અબજ ડોલરની યોજના તૈયાર કરશે.
  • આખરી સમજૂતી અંતર્ગત અમેરિકા ઈરાન પર લાદવામાં આવેલા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC), IAEA અને પોતાના તમામ એકતરફી પ્રતિબંધોને નાબૂદ કરવા માટે વચનબદ્ધ રહેશે.
  • ઈરાને પુનરોચ્ચાર કર્યો છે કે તે પરમાણુ હથિયારો બનાવશે કે મેળવશે નહીં. સંવર્ધિત યુરેનિયમ (Enriched Uranium) નો નાશ IAEA ની દેખરેખ હેઠળ કરવામાં આવશે.
     
  • અંતિમ કરાર ન થાય ત્યાં સુધી બંને દેશો વર્તમાન સ્થિતિ જાળવી રાખશે. ઈરાન પરમાણુ કાર્યક્રમ આગળ નહીં વધારે અને અમેરિકા નવા પ્રતિબંધો નહીં લગાવે.
     
  • કરાર અમલી બનતાની સાથે જ અમેરિકાનું નાણા મંત્રાલય ઈરાની ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ માટે બેંકિંગ અને ટ્રાન્સપોર્ટ સેવાઓ સહિતની જરૂરી છૂટછાટો (Waivers) જાહેર કરશે.
     
  • અમેરિકા દ્વારા ફ્રીઝ કે જપ્ત કરવામાં આવેલા ઈરાનના તમામ ફંડ અને સંપત્તિઓ પરત કરવામાં આવશે.
     
  • સમજૂતીના સફળ અમલીકરણ અને તેના નિયમોના પાલનની દેખરેખ રાખવા માટે એક વિશેષ એક્ઝિક્યુટિવ મિકેનિઝમ (કાર્યકારી તંત્ર) સ્થાપિત કરવામાં આવશે.
     
  • ચોક્કસ પેરાગ્રાફ (1, 4, 5, 10 અને 11) ના સફળ અમલીકરણ પછી, બંને દેશો બાકી રહેલી જોગવાઈઓ પર વિશેષ ચર્ચા શરૂ કરશે.
     
  • આ આખરી કરારને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના એક ફરજિયાત પ્રસ્તાવ (Binding Resolution) દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થન અને કાનૂની માન્યતા આપવામાં આવશે.

નોંધનીય છે કે, વૈશ્વિક બજાર અને મિડલ ઈસ્ટની સુરક્ષા માટે આ કરાર ખૂબ જ મહત્વનો સાબિત થઈ શકે છે. જો કે, આ વચગાળાની સમજૂતી (MoU) છે અને આગામી 60 દિવસ બંને દેશો વચ્ચેની અંતિમ વાટાઘાટો માટે અત્યંત નિર્ણાયક રહેશે. જો આ 60 દિવસમાં બંને દેશોમાંથી કોઈ એક દેશ કરારનો ભંગ કરશે તો મુશ્કેલી સર્જાઈ શકે છે.