Wed Jun 17 2026

Logo

જર્મનીના ફૂટબોલરોની આ ચિંતા ગંભીર કહેવાય...ખેલાડીઓને ક્યાંક ઝેર ચડી જાય તો!

Houston   2026-06-17 19:11:49
Author: Ajay Motiwala
Article Image

REPTILES OF NORTH CAROLINA


હ્યુસ્ટનઃ ફિફા વર્લ્ડ કપના ગ્રૂપ-ઇની મુખ્ય ટીમ અને ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન જર્મનીના ખેલાડીઓ હાલમાં હરીફ ટીમો સામે કેવી તરકીબ અજમાવવી અને કઈ વ્યૂહરચના સાથે તેમની સામે મેદાન પર ઊતરવું એના કરતાં બીજી જ એક વાત પર ગંભીર ચિંતામાં છે. તેમને ખરું ટેન્શન હરીફ ખેલાડીઓનું નહીં, પણ ઘાસમાં છુપાયેલા `આક્રમણખોરો' વિશે છે. સ્વિટઝરલૅન્ડ અને નોર્વેના ખેલાડીઓની પણ આવી જ ફરિયાદ છે.

જર્મનીની ટીમનું બેઝ કૅમ્પ અમેરિકાના નૉર્થ કૅરોલિના સ્ટેટમાં છે. તેમના કૅપ્ટન જોશુઆ કિમિચે ટીમની ચિંતા વિશે મુક્ત રીતે વ્યથા વ્યક્ત કરી છે. તે કહે છે, `જર્મનીમાં અમે તરકીબો, ઈજા વિશે અને હવે પછીનો હરીફ કોણ હશે એ વિશે અમે ચિંતિત હોઈએ છીએ, પણ અહીં નૉર્થ કૅરોલિના (North Carolina)માં તો અમારે ઘાસમાં જે હુમલાખોર છુપાયો હોય એના વિશે પણ વિચારવું પડતું હોય છે.'

રવિવારે ક્યૂરસૉને 7-1થી હરાવનાર જર્મનીના ખેલાડીઓને ઘાસમાં છુપાયેલા ઝેરી સાપ (Snake)નો ખૂબ ડર છે. નૉર્થ કૅરોલિનામાં આ પ્રકારના સર્પ મોટી સંખ્યામાં હોય છે. થોડા દિવસ પહેલાં તેમણે કૉપરહેડ તરીકે ઓળખાતા સાપ સાથે જાણે યુદ્ધ કર્યું હતું. જર્મનીનો સુકાની જોશુઆ કહે છે, `અમને જેવી ખબર પડી કે અમે જ્યાં પ્રૅક્ટિસ કરી રહ્યા હતા ત્યાં નજીકમાં ઘાસમાં ઝેરી સાપ સંતાયેલો છે તો અમે સતર્ક થઈ ગયા હતા. હજી ગઈ કાલે જ અમે એક સાપ જોયો અને અમને કહેવામાં આવ્યું હતું કે એ ઝેરી છે. જો એ ડંખ મારે તો હૉસ્પિટલ ભેગા થવું પડે. ભલે કોઈનો જીવ લઈ લે એટલો તો આ ઝેરી ન હોય, પણ ખતરારૂપ જરૂર હોય. મને ડર એ છે ક્યાંક અમારામાંથી કોઈનો તેના પર પગ પડી જશે તો આવી જ બનશે.'

જોશુઆ એવું પણ કહે છે કે `મને અહીં નૉર્થ કૅરોલિનાની જનતા પર ગર્વ છે કે તેઓ આવા ઝેરી જાનવરની વચ્ચે રહે છે. અમારા જર્મનીમાં ખુલ્લામાં આવા ઝેરી સાપ હોય જ નહીં.' ચાર વખત વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલા જર્મનીની આગામી મૅચ કૅનેડાના ટૉરન્ટોના 20મી જૂને (ભારતીય સમય મુજબ મધરાત બાદ 1.30 વાગ્યાથી) આઇવરી કોસ્ટ વિરુદ્ધ રમાશે.