Wed Jun 17 2026

Logo

21 વર્ષની ઉંમરે કોલેજ છોડીને AIની દુનિયામાં ધૂમ મચાવનાર ભારતીય મૂળના 'ટેક કિંગ'ની જાણો ઈન્ટરેસ્ટિંગ સ્ટોરી

New York   2026-06-17 21:21:52
Author: mumbai samachar team
Article Image

ન્યૂ યોર્કઃ ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સે એઆઈ આધારિત કોડિંગ પ્લેટફોર્મ 'કર્સર'ની પેરેન્ટ કંપની એનીસ્ફિયર ઇન્કને 60 અબજ ડોલરમાં સંપાદન કરવાની જાહેરાત કરી છે. આ સંપાદનથી કર્સરના ભારતીય મૂળ સહ-સંસ્થાપક અમન સેંગર ચર્ચામાં આવ્યા છે. જેનું કારણ આ ડીલથી સેંગરની અંદાજે નેટવર્થ 5.5 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. સેંગરે પોતાના ત્રણ મિત્રો સાથે મળીને કર્સરની સ્થાપના 2022માં કોલેજની શિક્ષા છોડીને કરી હતી. ચાલો એક નજર કરીએ સેંગરની આ સ્ટ્રગલ સ્ટોરી પર...

ન્યૂ યોર્કમાં જન્મેલા અમન સેંગરના પિતા અરવિંદ સેંગર આઈઆઈટી બોમ્બેના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહ્યા છે અને અમેરિકાની હેઝ ફંડ ઈન્ડસ્ટ્રીના એક નામી વ્યક્તિ છે અને તેમના માતા શિલ્પા સેંગર એક ઓર્થોડેન્ટિસ્ટ અને સફળ એન્ટરપ્રિન્યોર છે. અમને ફક્ત 14 વર્ષની ઉંમરમાં જ કોડિંગ શીખવાનું શરૂ કરી દીધું હતું. કર્સરની શરૂઆત પહેલા અમને ગુગલ અને બ્રિજવોટર એસોશિએશન જેવી વૈશ્વિક દિગ્ગજ કંપનીઓમાં ઈન્ટર્નશિપ પણ કરી હતી. 

અમનને પ્રખ્યાત સંસ્થા મેસેચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં કમ્પ્યુટર સાયન્સની શિક્ષા માટે દાખલો લીધો હતો. અહીંયા જ તેની મુલાકાત માઈકલ તરૂએ, સાલેહ આસિફ અને આર્વીડ લુનેમાર્ક સાથે થઈ હતી. આ ચારેયએ સાથે મળીને 2022માં કોડિંગને સરળતાથી બનાવવા માટે એક વિઝન તૈયાર કર્યું હતું. પોતાના વિચાર અને બિઝનેસ પર પૂરતું ધ્યાન આપવા આ ચારેય જણાએ મળીને 21 વર્ષની ઉંમરમાં એમઆઇટીનું ભણતર અધવચ્ચે છોડી દીધું હતું. 

Aman Sanger

શરૂઆતમાં મેકેનિકલ એન્જિનિયરિંગ ઉદ્યોગ માટે એઆઈ આધારિત આસિસ્ટન્ટ વિકસિત કરવા પર કામ કર્યું હતું. બાદમાં તેમને ખ્યાલ આવ્યો કે અસલી જરૂરિયાત સોફ્ટવેરની દુનિયામાં છે. તેમણે તરત જ પોતાનો ફોકસ બદલીને એક એઆઈ આધારિત કોડિંગ પ્રણાલી વિકસિત કરી, જે પુરા કોડબેસનું વિશ્લેષણ કરી જટિલથી જટિલ કોડિંગ સમસ્યાઓનો ચપટી વગાડતા સમાધાન લાવી શકતી હતી. આ સ્ટાર્ટઅપ આગળ જઈને કર્સર બન્યું હતું.

કેમ કર્સર છે આટલું લોકપ્રિય? 
કર્સર એક એઆઈ-પાવર્ડ કોડિંગ પ્લેટફોર્મ છે જે ડેવલપર્સને કોડ લખવાની, એડિટ કરવાની અને જટિલ સોફ્ટવેર સમસ્યાઓને સમજવામાં મદદ કરે છે. આ પુરેપુરા કોડબેઝ સમજીને ડેવલપર્સને એક 'એઆઈ સાથી' બનાવીને કામ કરે છે. નવેમ્બર 2025 સુધી કર્સરની વાર્ષિક આવક એક અબજ ડોલરનું સ્તર પાર કરી ચુકી હતી. ફક્ત સાત મહિનામાં આ વાર્ષિક આવક રેકોર્ડ જૂન 2026માં 4 અબજ ડોલર જેટલો જંગી વધારો થયો હતો. એનવિડીયા, એડોબ, ઉબર, શોપીફાઈ અને પેપલ જેવી દુનિયાભરની લગભગ 50,000 મોટી ટેક કંપનીઓના લાખો સોફ્ટવેર ડેવલપર્સ કોડ તૈયાર કરવા માટે કર્સરનો ઉપયોગ કરે છે.