Thu Jun 18 2026

Logo

ગુજરાતના આ શહેરમાં ભાજપના વિકસિત ભારત કાર્યક્રમમાં જ લાઈટ જતાં અંધારામાં સન્માન કરાયાં, મંત્રીએ શું કહ્યું ?

2026-06-18 09:50:00
Author: Mayur Patel
Article Image

પાલનપુરઃ ગુજરાતના પાલનપુર ખાતે ભાજપ દ્વારા આયોજિત વિકસિત ભારત કાર્યક્રમ દરમિયાન અચાનક લાઈટ જતી રહી હતી. જેના કારણે ઉપસ્થિત મહાનુભાવોનું અંધારામાં જ સન્માન કરાયું હતું. રાજ્ય સરકારના બે મંત્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં થોડા સમય માટે અવ્યવસ્થા સર્જાઈ હતી.

શું છે મામલો

મળતી વિગત પ્રમાણે, બનાસકાંઠા ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા પાલનપુરમાં વિકસિત ભારત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ શરૂ થતાં જ લાઈટ જતી રહી હતી. જેના કારણે કાર્યક્રમમાં હાજર રહેલા લોકોનું અંધારામાં સન્માન કરાયું હતું.આ દરમિયાન ઉપસ્થિત લોકોએ મોબાઈલની ફ્લેશ લાઈટ શરૂ કરી હતી. આ કાર્યક્રમમાં મંત્રી કમલેશ પટેલ, મંત્રી પ્રવીણભાઈ માળી સહિત ભાજપના ધારાસભ્યો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રીએ શું કહ્યું

કાર્યક્રમમાં હાજર રહેલા મંત્રી કમલેશ પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને સરકારની કામગીરીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાતમાં 24 કલાક વીજળી મળે છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યોતિગ્રામ યોજનાના પ્રણેતા છે. જો કોઈ સામાન્ય ખામીના કારણે બે મિનિટ વીજળી જાય તો તેને મોટી સમસ્યા ન ગણવી જોઈએ.

આ ઉપરાંત તેમણે કહ્યું, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 12 વર્ષમાં સૌથી લાંબો સમય ચૂંટાયેલા વડા પ્રધાન રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેમને દુનિયાના 33 દેશો તરફથી સર્વોચ્ચ સન્માન એનાયત કરાયા છે. તેમના નેતૃત્વમાં દેશ 'વિકસિત ભારત' બનવા તરફ આગળ વધી રહ્યો છે અને સરકારની યોજનાઓ છેવાડાના ગરીબ માણસ સુધી પહોંચી રહી છે.

તેમજ કમલેશ પટેલે સ્થાનિક લોકપ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી અને સરકારી યોજનાઓનો લાભ સામાન્ય જનતા સુધી સરળતાથી કેવી રીતે પહોંચાડી શકાય તે અંગે ચર્ચા કરી હતી.