Wed Jun 17 2026

Logo

જાદુઈ પર્ફોર્મન્સ વચ્ચે મેસી રેડ કાર્ડથી બચી ગયોઃ જાણો, કેવી રીતે...

Kansas City,   2026-06-17 18:09:04
Author: Ajay Motiwala
Article Image

કૅન્સસઃ આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસી (Messi)એ બુધવારે અલ્જિરિયા સામેની મૅચમાં ઉપરાઉપરી ત્રણ ગોલ કરીને ફિફા વર્લ્ડ કપને ખરું સ્ટાર્ટ અપાવ્યું હતું, પરંતુ સોશ્યલ મીડિયામાં તેની વિરુદ્ધમાં (ખાસ કરીને અલ્જિરિયા તરફી ફૂટબૉલપ્રેમીઓએ) મેસી વિશેના રેફરીના એક નિર્ણયને ખૂબ વખોડ્યો છે.

મેસીએ 17મી મિનિટમાં પ્રથમ ગોલ, 60મી મિનિટમાં બીજો ગોલ અને 76મી મિનિટમાં ત્રીજો ગોલ કર્યો હતો. મીડિયામાં કેટલાકની એવી દલીલ છે કે મેસીએ ફર્સ્ટ-હાફમાં જે પ્રથમ ગોલ કર્યો એની થોડી ક્ષણો બાદ અલ્જિરિયાના ઍઇસા મૅન્ડી (Mandi)ને જે રીતે ચૅલેન્જ કર્યો એ ઘટના વિવાદાસ્પદ થઈ ગઈ.

અલ્જિરિયા-તરફી સૉકરપ્રેમીઓના મતે મેસીએ મૅન્ડીને જે રીતે ધક્કો મારીને તેને પાડ્યો અને ઈજાગ્રસ્ત કર્યો એ બદલ મેસીને રેફરીએ રેડ કાર્ડ બતાવવું જોઈતું હતું. જો એવું થયું હોત તો મેસી હૅટ-ટ્રિક ગોલની અભૂતપૂર્વ સિદ્ધિ ન મેળવી શક્યો હોત. કેટલાક ફૂટબૉલપ્રેમીઓ `એક્સ' પર લખે છે કે મેસીને રેફરીએ યલો કાર્ડ પણ ન બતાવ્યું.

રેફરીએ મેસીની સામે કડક પગલું ભરવાને બદલે અલ્જિરિયાને માત્ર ફ્રી કિક આપીને મામલો ત્યાં જ ખતમ કરી નાખ્યો હતો. ત્યાર બાદ મેસીએ બીજા બે ગોલ કર્યા હતા અને આર્જેન્ટિનાને 3-0થી યાદગાર વિજય અપાવ્યો હતો.