અંકિત દેસાઈ
લગ્ન એ બે પરિવાર- બે વ્યક્તિ અને બે ભિન્ન સંસ્કારનું મિલન છે. ભારતીય સમાજમાં લગ્નની સંસ્થાને અત્યંત પવિત્ર અને અતૂટ માનવામાં આવી છે, જ્યાં પરસ્પર સમજણ, ત્યાગ અને સહયોગ પાયાના પથ્થર રહ્યા છે. જોકે વિતેલાં થોડાં વર્ષોમાં આ પવિત્ર સંબંધના માપદંડ અને અપેક્ષામાં એક એવો આર્થિક વળાંક આવ્યો છે જેણે આખા સામાજિક માળખાને હચમચાવી દીધું છે.
આજે મધ્યમવર્ગીય પરિવારોમાં એક ગંભીર ચર્ચા ચાલી રહી છે કે શું બદલાતા સમય સાથે યુવતીઓની અપેક્ષાઓ લગ્નને લઈને વાસ્તવિકતા કરતાં વધુ પડતી ‘ડિમાન્ડિંગ’ કે ભૌતિકવાદી થઈ રહી છે?
આ પ્રશ્ર્ન માત્ર કોઈ વ્યક્તિગત કટાક્ષ નથી, પણ વર્તમાન સમયની એક એવી કડવી સામાજિક હકીકત છે જેનો સામનો આજે અનેક પરિવારો કરી રહ્યા છે.
આ સંદર્ભે લગ્નની જે રીતની વાતો ચાલતી હોય એમાં કે પછી આસપાસના સમાજમાં એક વિચિત્ર અને આઘાતજનક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અનેક કિસ્સાઓમાં એવું જોવામાં આવે છે કે છોકરીઓ પોતાના પિતાના ઘરે અત્યંત સામાન્ય આર્થિક સ્થિતિમાં ઉછરી હોય છે. પિતા સામાન્ય નોકરી કરતા હોય, ટૂંકા બજેટમાં આખું ઘર ચાલતું હોય અને કદાચ બે રૂમના નાના ઘરમાં આખો પરિવાર વર્ષોથી ગુજારો કરતો હોય, છતાં જ્યારે પોતાનાં લગ્નની વાત આવે ત્યારે અપેક્ષાનું આકાશ એકાએક બદલાઈ જાય છે.
કન્યા પક્ષ તરફથી પહેલી શરત અથવા અપેક્ષા એવી રાખવામાં આવે છે કે સાસરું અત્યંત સધ્ધર હોવું જોઈએ. છોકરાનું પોતાનું આલીશાન ઘર હોવું જોઈએ, જેમાં અમુક ચોક્કસ સંખ્યાના બેડરૂમ હોય, લક્ઝુરિયસ ગાડી હોય અને જો વીક-એન્ડ ગાળવા માટે ફાર્મહાઉસ હોય તો સોનામાં સુગંધ ભળે! પિતાના ઘેર જે સુવિધાઓ ક્યારેય જોઈ નથી કે ભોગવી નથી તે તમામ સુખ અને વૈભવ લગ્ન થતાંની સાથે જ પહેલા દિવસથી સાસરામાં તૈયાર જોઈએ... આ એવી એક અદૃશ્ય પણ મક્કમ જીદ આજના સમયમાં વધતી જાય છે.
આ આખી માનસિકતાના કારણે સામાજિક સંતુલન બગડ્યું છે. છોકરી ભલે પોતે સામાન્ય ભણેલી હોય કે સામાન્ય નોકરી કરતી હોય, પરંતુ તેને પતિ તરીકે મલ્ટિનૅશનલ કંપનીમાં ઊંચા પેકૅજવાળો, ક્લાસ-વન ઑફિસર અથવા તો કરોડોનું ટર્નઓવર ધરાવતો બિઝનેસમૅન જ જોઈએ છે. આ ભૌતિકવાદી આંધળી દોટના કારણે અનેક જ્ઞાતિઓ અને સમાજોમાં એક ગંભીર કટોકટી ઊભી થઈ છે.
આજે અસંખ્ય મધ્યમવર્ગીય છોકરાઓ, જેઓ સ્વભાવે સારા છે, વ્યસનમુક્ત છે, મહેનતુ છે અને સન્માનજનક કમાણી કરે છે તેઓ માત્ર એટલા માટે કુંવારા બેઠા છે કારણ કે તેઓ આ ‘હાઈ-ફાઈ’ માપદંડોમાં ફિટ બેસતા નથી. કોઈ છોકરો મહિને પચાસ-સિત્તેર હજાર કમાતો હોય, પણ જો તેનું ઘર નાનું હોય કે તેની પાસે લક્ઝરી કાર ન હોય તો તેનો બાયોડેટા પહેલા જ રાઉન્ડમાં રિજેક્ટ કરી દેવામાં આવે છે. પરિણામે, મધ્યમ વર્ગના લાયક અને સંસ્કારી યુવાનોની લગ્નની ઉંમર વધતી જાય છે અને તેમનાં માતા-પિતા ચિંતામાં ડૂબી રહ્યાં છે.
આ પરિસ્થિતિ પાછળ સોશ્યલ મીડિયા,દેખાડો અને કન્ઝ્યુમરિઝમ મોટો ભાગ ભજવે છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર લક્ઝરી લાઇફસ્ટાઇલ, મોંઘી ગાડીઓ અને ફાર્મહાઉસના ફોટોઝ-રીલ્સ જોઈને નવી પેઢીની યુવતીઓમાં એક એવી ભ્રામક દુનિયા ઊભી થઈ છે જ્યાં સંબંધો કરતાં પ્રૉપર્ટીનું મૂલ્ય વધી ગયું છે.
યુવતીઓ અને ક્યારેક તેમનાં માતા-પિતા પણ એ ભૂલી જાય છે કે જે પિતાના ઘરે આજે તેઓ સધ્ધરતા જુએ છે તે પિતાએ પણ પોતાની જિંદગીનાં 25-30 વર્ષ સખત મજૂરી કરીને એ સામ્રાજ્ય ઊભું કર્યું છે. લગ્ન એ સાથે મળીને શૂન્યમાંથી સર્જન કરવાની યાત્રા છે, બન્યા-બનાવેલા સામ્રાજ્ય પર રાજ કરવાની શૉર્ટકટ સ્કીમ નથી. જ્યારે કોઈ યુવતી શરૂઆતથી જ આવી અવાસ્તવિક માગણીઓ રાખે છે ત્યારે તે છોકરાના અને તેના પરિવારના આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે.
આ બદલાયેલી તાસીરનો ભોગ માત્ર છોકરાઓ જ નથી બનતા, પણ અંતે તો એ યુવતીઓ પોતે પણ ભોગ બને છે. માત્ર પૈસા અને સ્ટેટસ જોઈને ગોઠવાયેલાં લગ્નોમાં જ્યારે વૈચારિક સુમેળ નથી હોતો ત્યારે થોડા જ સમયમાં મોહભંગ થઈ જાય છે અને સંબંધો છૂટાછેડાના ઉંબરે આવીને ઊભા રહે છે. સમાજના વડીલો અને ચિંતકોએ હવે આ વિષય પર ગંભીરતાથી વિચારવાની જરૂર છે.
જો દીકરીઓને પગભર થવાનું અને સમાનતાનું શિક્ષણ આપવામાં આવતું હોય તો તેમને આર્થિક સંઘર્ષમાં પણ ખભેખભા મિલાવીને ચાલવાના સંસ્કાર આપવા એટલા જ જરૂરી છે. જો પિતાના ઘરે સામાન્ય સ્થિતિમાં હસતા મુખે રહી શકાતું હોય તો સાસરામાં પણ જીવનસાથીની આર્થિક ક્ષમતાને સમજીને, નાના ઘરને પણ પ્રેમથી મહેલ બનાવવાની ભાવના કેમ કેળવી શકાતી નથી?
આફ્ટરઑલ, લગ્ન એ કોઈ વ્યાપારી સોદો કે ફાઇનાન્સિયલ ઇન્વેસ્ટમેન્ટ નથી, પણ બે આત્મા કે પછી બે પરિવારોનું ભાવનાત્મક જોડાણ છે.જ્યાં સુધી કન્યા પક્ષ અને યુવતીઓ પોતાની અપેક્ષાઓ ને વાસ્તવિક અને વ્યવહારુ નહીં બનાવે ત્યાં સુધી મધ્યમવર્ગીય સંસ્કારી યુવાનો કુંવારા રહેવાની અને સમાજમાં અસંતોષ વધવાની આ સમસ્યા હલ નહીં થાય.
ખાસ તો કન્યા પક્ષને જરૂર છે દેખાડાની આ સંસ્કૃતિમાંથી બહાર આવીને માણસના ગુણ, સંસ્કાર અને તેની મહેનતને મૂલવવાની, જેથી લગ્નજીવન સાચા અર્થમાં સુખી અને સમૃદ્ધ બની શકે. બાકી, પૈસા સાથે જ જો દીકરી પરણાવવી હોય તો પાણા સાથે લગ્ન કરાવાય. એને માટે એક આખા પરિવારને શું કામ હોમવો?