Thu Jun 18 2026

Logo

જીવનનો ‘ઑક્સિજન’ છીનવાઈ જાય ત્યારે...

2026-06-18 10:02:00
Author: Neela Sanghavi
Article Image

નીલા સંઘવી

સામાન્ય રીતે આપણે એવું વિચારીએ છીએ કે વૃદ્ધ થયા એટલે આખો દિવસ આરામ જ કરવાનો. કોઈ પ્રવૃત્તિ નહીં કરવાની, તૈયાર ભાણે જમી લેવાનું. વૃદ્ધો આવું વિચારે તો ઠીક, પણ પરિવારના લોકો સારા હોય તો માતા-પિતાને આરામ આપવા માટે એવું વિચારતા હોય છે, પણ ઘણી વાર માતા-પિતાને એવું ગમતું નથી, કારણ કે તેમને સમય પસાર કરવાનો હોય છે. આરામ કેટલો વખત કરી શકે? કંટાળો આવી જાય. જે વ્યક્તિ આખો દિવસ કામ કરતી હોય તેને આરામ કરવા માટે તો ખુશ થઈ જાય, પણ જો આખો દિવસ આરામ જ કરવાનો હોય તો માણસ બે-ત્રણ દિવસમાં જ કંટાળી જાય. દરેકને કાંઈક ને કાંઈક પ્રવૃત્તિ જોઈએ.

રવિ અને દીપા બંને દિલ્હી હતાં. બંને જૉબ  કરે. આખો દિવસ વ્યસ્ત. પતિ-પત્નીને વાત કરવાનો સમય રાતના જ મળે અને ત્યારે પણ બંને એટલા થાકી ગયા હોય કે જલદી સૂઈ જ જવું હોય. ઘણાં વર્ષે નોકરી કર્યા પછી રવિ અને દીપાએ પોતાનો વ્યવસાય કરવાનું નક્કી કર્યું. અને એ પણ અમદાવાદમાં, કારણ કે રવિનાં માતા-પિતા વર્ષોથી અમદાવાદ રહેતાં હતાં અને હવે તેમની ઉંમર 80ની આસપાસ હતી. આટલાં વર્ષ માતા-પિતાથી દૂર રહ્યાં હવે જયારે તે બન્ને બોનસનાં વર્ષ જીવી રહ્યાં છે ત્યારે સાથે રહીને તેમને જેટલા ખુશ રાખી શકાય તેટલા ખુશ રાખીએ એવી રવિ-દીપા બંનેની ઇચ્છા હતી. તેથી દિલ્હીમાં બધું વાઇન્ડ અપ કરીને આ દંપતી અમદાવાદ પોતાના માવતર પાસે રહેવા આવી ગયું.

અમદાવાદ આવીને રવિ-દીપાએ જોયું કે આ ઉંમરે પણ તેમનાં માતા-પિતા કેટલાંયે કામ હાથે પોતાની જાતે જ કરે છે. વાસણ-ઝાડુ પોતા-સાફસફાઈ માટે છૂટી કામવાળી બાઈ આવે છે, પણ રસોઈ તો બા જાતે જ કરે છે. શાકભાજી, કરિયાણું વગેરે ચીજવસ્તુની ખરીદી બાપુજી રોજ માર્કેટ જઈને કરે છે. થેલા ભરીને ચીજવસ્તુઓ બાપુજી લઈ આવે છે. રવિ અને દીપાના આવવાથી બા-બાપુજી બન્ને ખુશ છે. પણ રવિ અને દીપાને લાગે છે આ ઉંમરે બા-બાપુજીએ આટલાં કામ શા માટે કરવાં જોઇએ. હવે તો તેમના આરામનો સમય છે. અને વળી આપણે આટલું બધું કમાઈએ છીએ તો બા-બાપુજી માટે વ્યવસ્થિત નોકર-ચાકર તો રાખી જ શકીએ છીએ. 

રવિ-દીપાએ રવિવારના દિવસે આ વિશે ચર્ચા કરીને સેવક-સેવિકા રાખવાનું નક્કી કર્યું. ડોમેસ્ટિક હેલ્પર્સ સપ્લાય કરતી કંપનીઓમાં ફોન કરીને એક 24 કલાક માટેની બાઈ, સવાર-સાંજ રસોઈ કરવા માટે કૂક, સાફ-સફાઈ માટે બાઈ અને બાની સેવા-ચાકરી કરે તેમની પૂજા કરવામાં મદદ કરે તેવી એક કૅર ટેકર, બાપુજીની સંભાળ રાખે એવો એક પુરુષ કૅરટેકર પોતાને ઘરે મોકલવા માટે કહી દીધું. કૉમર્શિયલ કંપની હોવાને કારણે તે કંપની દ્વારા મોકલાતા કર્મચારીઓ વિશ્ર્વાસુ અને તાલીમબદ્ધ હોય છે. 

રવિવારે બધા જ કર્મચારી વારાફરતી આવ્યા. રવિ-દીપાએ બધાં સાથે વાતચીત કરી તો તેમને રાખવા માટે યોગ્ય લાગ્યા. એ લોકોએ બધાંને એપાઇન્ટ કરી લીધા. બીજા દિવસે સવારથી બધા પોતપોતાના સમયે આવવા લાગ્યા. એક યુવાન સ્ત્રી 24 કલાક માટે આવી ગઈ, એના માર્ગદર્શન હેઠળ બાકીનો સ્ટાફ કામ કરશે એવું નક્કી થયું. શાકભાજી-ફળફળાદિ-કરિઆણું વગેરે બ્લિન્કિટ, એમેઝોન વગેરે પરથી મગાવી લેવાની સૂચના 24 કલાક ઘરમાં રહેતી બાઈને અપાઈ ગઈ.

રવિ-દીપાએ બા-બાપુજીએ કહ્યું, ‘બા-બાપુજી તમે બંનેએ બહુ મહેનત કરી છે. આ જ દિવસ સુધી તમે બંને કામ કરતાં રહ્યાં છો. હવે તમારી ઉંમર કામ કરવાની નથી, આરામ કરવાની છે. વળી, આપણે ભગવાનની દયા છે તો તમારે ઢસરડા શા માટે કરવાના? હવે તમે આરામ કરો, ભગવાનની સેવા-પૂજા કરો, તમને જે ગમે તે કરો, ફરવા જાઓ, મિત્રોને મળો. તમારે જ્યાં જવું હોય ત્યાં જવા માટે એક કાર ઘરે જ રહેશે. ડ્રાઇવર પણ એપોઇન્ટ કરી દીધો છે. ડ્રાઇવરને કહેશો એટલે જયાં જવું હશે ત્યાં લઈ જશે. 

બા, તમારા માટે જે કૅરટેકર બહેન રાખ્યા છે તે તમારા પગ દાબી દેશે, તેલ માલિશ, કરી દેશે, માથામાં તેલ ઘસીને વાળ ઓળી દેશે, તમે જે કામ કહેશો તે કરી આપશે. બાપુજી,  તમારી માટે જે માણસ છે તે પણ તમારી સેવા કરશે. આ બધું કામ અમારે કરવું જોઈએ પણ અમારી પાસે સમય નથી. તેથી સ્ટાફ રાખી દીધો છે. મા-બાપ પોતાનાં દીકરા-વહુની પોતાની માટેની કાળજી જોઈને રાજી થઈ ગયાં. થોડા દિવસ તો બધું ઠીક ચાલ્યું. પછી બાપુજી બધા પર ગુસ્સો કરવા લાગ્યા. બા સ્ટ્રેસમાં રહેવા લાગ્યાં. બંનેની ફરિયાદ વધવા લાગી.

રાતના રવિ-દીપા થાક્યા પાક્યા ઘેર આવે ત્યારે બા-બાપુજી ફરિયાદનો લાંબો ચોપડો ખોલીને બેસે. પેલીએ આમ કર્યું. પેલાએ આમ કર્યું. રસોડામાં કાંઈ ઠેકાણું ન પડયું. ઑનલાઈન શૉપ પરથી આવેલો સામાન જરાય બરાબર ન હતો. શાકભાજી તાજાં ન હતાં.     

રવિ-દીપા વિચારમાં પડી ગયાં. આ બંને આટલી બધી મહેનત કરતાં હતાં ત્યારે જરાય કકળાટ કરતાં ન હતાં અને હવે આટલી સુખ-સુવિધા આપી છે ત્યારે આટલો બધો કકળાટ! રવિ-દીપા બંનેએ ખૂબ વિચાર વિમર્શ કર્યા પછી તેઓને ખ્યાલ આવ્યો કે બાનું કામ કરવાનું સાવ બંધ થઈ ગયું, ચાલવાનું બંધ થઈ ગયું, આખો દિવસ ઊંઘતા રહેતાં. આત્મનિર્ભર ન રહ્યાં. તેથી ડિપ્રેશન અને ડિમોન્શિયાની અસર દેખાવા લાગી છે. બાપુજી પણ સાવ નવરા થઈ ગયા અને સ્ટાફ સાથે માથાઝીંક કરવા લાગ્યા.

દીપાએ કહ્યું, ‘રવિ, પહેલાં સવારે બાપુજી એક હેતુ સાથે ઊઠતા, ચા બનાવતા, સાથે બેસીને અખબાર વાંચતા, બજાર જતા શાકભાજી લાવતા. બા ભોજનની યોજના બનાવતાં, નવી વાનગીઓ બનાવતાં, કપડાની ઘડી કરતાં. આ બધું તેમની માટે ‘ઘરકામ’ નથી. તેમને જીવવા માટેનો ઑકિસજન છે. આપણે એ લોકો પાસેથી જીવનનો ઑકિસજન છીનવી લીધો છે. 

આપણી માન્યતા ખોટી હતી વૃદ્ધોને ફકત આરામની જરૂર નથી. તેમના શરીરને હલનચલનની જરૂર છે. તે લોકોનું  પણ મહત્ત્વ છે એમ તેમને લાગવું જોઇએ. આ બધું આપણે તેમની પાસેથી છીનવી લીધું છે. તેથી તે બન્ને અપસેટ થઇ ગયા છે. આપણે ફરીથી તેમની દિનચર્યામાં ફેરફાર કરવો પડે. રવિએ દીપાની વાતમાં હામી ભરી.

અને રવિએ રસોઈવાળાં બહેનને કીધું કે આજથી દાળ-શાકમાં મસાલા બા કરશે. પછી બાને કહ્યું, ‘બા, તમારા હાથની રસોઈ એટલે રસોઈ. તમારી રસોઈ જેવો સ્વાદ બીજા કોઈના હાથમાં ન હોય.’ બા રાજી થઈ ગયાં. અને શાકભાજી, ફળફળાદિ લાવવાની જવાબદારી બાપુજીને સોંપી દીધી. બા-બાપુજી કાર્યરત થતાં ઘરની શાંતિ પાછી આવી ગઈ. રવિ-દીપા પણ ખુશ થઈ ગયાં.