Thu Jun 11 2026

Logo

મેલ મેટર્સઃ શું ફિટનેસની વધુ પડતી સજાગતા પણ ન-કામી?

2026-06-11 09:54:00
Author: Ankit Desai
Article Image

અંકિત દેસાઈ

આજના આધુનિક યુગમાં સવારના ઍલાર્મથી લઈને રાત્રિના સ્લિપ ટ્રેકર સુધી આપણી આખી જિંદગી આંકડાઓ અને કૅલરીના ગણિતમાં વહેંચાઈ ગઈ છે. સોશ્યલ મીડિયા પર સિક્સ-પેક એપ્સ, અશક્ય લાગતા ડાયટ પ્લાન્સ અને વહેલી સવારના વર્કઆઉટના વીડિયોઝ જોઈને સામાન્ય મધ્યમવર્ગીય પુરુષના મનમાં એક અજંપો અને લઘુતાગ્રંથિ પેદા થવા લાગે છે. 

ઑફિસની ફાઇલો, ઘરની જવાબદારીઓ, બાળકોની સ્કૂલ ફી અને હોમ લોનના ઇએમઆઈ વચ્ચે પીસાતો પુરુષ જ્યારે અરીસામાં પોતાનું સહેજ બહાર નીકળેલું પેટ જુએ છે ત્યારે તે એક અજાણ્યા અપરાધભાવથી ઘેરાઈ જાય છે. આ જ અપરાધભાવમાંથી જન્મે છે ફિટનેસની વધુ પડતી સજાગતા જે ક્યારેક સ્વાસ્થ્ય સુધારવાના બદલે માનસિક સ્વાસ્થ્યને બગાડવાનું કારણ બની જાય છે. શરૂઆતમાં જે વાત શરીરને તંદુરસ્ત રાખવા માટે શરૂ થઈ હોય છે તે ધીમે ધીમે એ અજાણયા જ એક માનસિક વળગણ અથવા તો ઝનૂનનું સ્વરૂપ ધારણ કરી લે છે.

એક પુરુષ તરીકે સમાજમાં આપણી ઓળખ હંમેશાં એક ‘પ્રોવાઇડર’ એટલે કે કમાનાર અને કુટુંબનું રક્ષણ કરનાર તરીકેની રહી છે. આ જવાબદારી નિભાવવા માટે શરીરનું સક્ષમ હોવું જરૂરી છે એ વાત સો ટકા સાચી, પણ જ્યારે ફિટનેસ એ જીવનનો એકમાત્ર હેતુ બની જાય ત્યારે સંતુલન બગડે છે. સવારે પાંચ વાગ્યે ઊઠીને જિમમાં પરસેવો પાડવો, ઑફિસમાં નવથી દસ કલાક ગધેડાવૈતરું કરવું અને સાંજે પાછા આવીને કુટુંબને સમય આપવાના બદલે ફરી પ્રોટીન શેક અને કૅલરી કાઉન્ટિંગમાં ડૂબી જવું... આ લાઇફસ્ટાઇલ પુરુષને શારીરિક રીતે મજબૂત કદાચ બનાવી શકે, પણ માનસિક રીતે ખોખલો કરી નાખે છે. 

જરા વિચારો કે જે પુરુષ આખો દિવસ ઑફિસના પર્ફોર્મન્સ પ્રેશર હેઠળ જીવતો હોય તેણે હવે જિમમાં પણ પોતાનું પર્ફોર્મન્સ સાબિત કરવાનું દબાણ વેઠવું પડે છે. ટ્રેડમિલ પર દોડતી વખતે સ્પીડ કેટલી હતી, સ્માર્ટવૉચમાં હાર્ટ રેટ કેટલા બતાવે છે અને આજે વીંટી જેટલી જગ્યામાં કેટલી કૅલરી બર્ન થઈ, આ બધું સતત મગજમાં ચાલ્યા કરે ત્યારે મગજ ક્યારેય શાંત રહી શકતું નથી.

વધુ પડતી ફિટનેસની સજાગતાના કારણે પુરુષના સામાજિક અને કૌટુંબિક સંબંધો પર પણ ઊંડી અસર પડે છે. રવિવારની સાંજે જ્યારે આખો પરિવાર સાથે બેસીને ભજિયાં, બટાકાવડા કે સમોસાની મિજબાની માણતો હોય ત્યારે ડાઇનિંગ ટેબલના એક ખૂણે બેસીને માત્ર બાફેલી બ્રોકોલી ખાતો પુરુષ અજાણતાં જ પરિવારથી માનસિક રીતે અલિપ્ત થઈ જાય છે. 

જીવનના નાના-નાના આનંદ, જેવા કે મિત્રો સાથે રાત્રે ચાની ટપરી પર બેસીને થપ્પો મારવો કે પત્ની સાથે કોઈ ખાસ પ્રસંગે આઇસક્રીમની મજા લેવી, આ બધું જ ‘ચીટ મીલ’ કે ‘અનહેલ્ધી કલ્ચર’ના નામે ત્યાગી દેવામાં આવે છે. 

શારીરિક ફિટનેસના ચક્કરમાં સામાજિક કનેક્શન છૂટી જાય છે અને આખરે પુરુષ એકલતાનો ભોગ બને છે. વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે મિત્રો સાથે ખડખડાટ હસવાથી અને પરિવાર સાથે સારો સમય વિતાવવાથી જે હૉર્મોન્સ રિલીઝ થાય છે તે જિમના કોઈ પણ હેવી વર્કઆઉટ કરતાં વધુ માનસિક શાંતિ આપે છે.

આ સિવાય ત્રીસી કે ચાલીસી વટાવી ચૂકેલા પુરુષમાં જિમની અંદર અતિશય વજન ઊંચકવાની કે ટૂંકા ગાળામાં બૉડી ટ્રાન્સફોર્મેશન કરવાની જે ઘેલછા જોવા મળે છે તે શારીરિક રીતે જોખમી છે. સમાજમાં અને સોશ્યલ મીડિયા પર પુરુષત્વની વ્યાખ્યા માત્ર ચોરસ છાતી અને બાયસેપ્સના કદ પર સીમિત કરી દેવામાં આવી છે. 

આ નકલી માપદંડોને આંબવા માટે ઘણા પુરુષ પોતાની ક્ષમતા કરતાં વધુ શારીરિક શ્રમ કરે છે, જેના કારણે હૃદય પર અતિશય દબાણ આવે છે, સાંધા ઘસાઈ જાય છે અને સ્નાયુઓ ખેંચાઈ જાય છે. તાજેતરનાં વર્ષોમાં જિમમાં વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં જે ચિંતાજનક વધારો થયો છે તે દર્શાવે છે કે વધુ પડતી સજાગતા ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે. શરીરની એક ચોક્કસ મર્યાદા હોય છે  - તેને મશીનની જેમ ચોવીસે કલાક દોડાવી શકાતું નથી.

ફિટનેસનો સાચો અર્થ એ નથી કે તમારું શરીર ગ્રીક ગોડ જેવું દેખાય કે તમારી કમર ચોક્કસ ઇંચની જ હોય. સાચી ફિટનેસ એ છે કે તમે સવારે ઉઠો ત્યારે તમારામાં દિવસભરના કામનો ઉત્સાહ હોય, રાત્રે તમને કોઈ પણ ચિંતા વગર ગાઢ નિદ્રા આવી જાય અને સીડીઓ ચડતી વખતે તમારો શ્વાસ ન ફૂલે. ફિટનેસ એ જીવનને સુંદર બનાવવાનું સાધન હોવું જોઈએ, જીવનને કંટ્રોલ કરનારું જેલર નહીં. 

પુરુષે સમજવું પડશે કે આ ઉંમરે સિક્સ-પેક એપ્સ કરતાં ફૅમિલી સાથે વિતાવેલી ‘પીસ ઑફ માઇન્ડ’ની ક્ષણો વધુ કીમતી છે. અઠવાડિયામાં પાંચ દિવસ સાદો અને પૌષ્ટિક ખોરાક લેવો, અડધો કલાક સામાન્ય ચાલવું કે હળવી કસરત કરવી એ શરીરને સ્વસ્થ રાખવા માટે પૂરતું છે. જ્યારે આપણે ફિટનેસને વળગણના બદલે જીવન સહજ હિસ્સો બનાવીશું ત્યારે જ આપણે સાચા અર્થમાં તંદુરસ્ત અને સુખી પુરુષ બની શકીશું. વધુ પડતી સજાગતા બાહ્ય દેખાવ સુધારી શકે, પણ આંતરિક શાંતિ તો માત્ર સંતુલનથી જ આવે છે.