કૌશિક મહેતા
ડિયર હની,
રાજકોટમાં બાબા બાગેશ્વર એટલે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ત્રણ દિવસીય કથામાં છેલ્લા દિવસે જે બનવાની આશંકા ઘણાએ કરેલી એ બન્યું. 20-25 લોકો એકાએક ધૂણવા લાગ્યા અને એમાં સ્ત્રીઓની સંખ્યા વધુ હતી. એ સ્ત્રીઓએ કેટલાક પર હુમલો પણ કર્યો. આ ઘટના પછી વિવાદ વધે એ સ્વાભાવિક છે પણ એક વાત પ્રત્યે તારું ધ્યાન દોરવું છે કે અંધશ્રદ્ધાનો ભોગ મહિલાઓ જ વધુ કેમ બને છે?
આ મુદાને સામાજિક માળખા, શિક્ષણની તક અને માનસિક સ્થિતિના ચશ્માંથી જોવો પડે. આ વાત અમુક અંશે સાચી જરૂર લાગે છે, પણ તેની પાછળનાં કારણો ખૂબ ઊંડા અને સામાજિક છે. સ્ત્રીઓ સ્વભાવગત રીતે કુટુંબ, બાળકો અને પતિના સ્વાસ્થ્ય તેમજ ભવિષ્ય પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. જ્યારે ઘરમાં કોઈ લાંબી બીમારી આવે, આર્થિક તંગી થાય કે સંતાન ન થતું હોય ત્યારે કુટુંબને બચાવવાની આકુળતામાં તેઓ તાર્કિક વિચારવાને બદલે શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો આશરો જલ્દી લઈ લે છે.
બીજું કે પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓ પાસે આર્થિક કે સામાજિક નિર્ણયો લેવાની સત્તા ઓછી હોય છે. વ્યક્તિ વાસ્તવિક જીવનમાં લાચાર અનુભવે છે ત્યારે તે ‘ચમત્કાર’ અથવા ‘અદૃશ્ય શક્તિઓ’ (જેમ કે ભૂવા, બાબાઓ કે દોરા-ધાગા) તરફ વળે છે, કારણ કે ત્યાં તેને એક આભાસી આશા દેખાય છે.
જોકે આજે સ્થિતિ બદલાઈ છે, પણ ગ્રામીણ કે પછાત વિસ્તારોમાં હજુ પણ મહિલાઓનું તાર્કિક શિક્ષણ અને બહારની દુનિયા સાથેનું ‘એક્સપોઝર’ પુરુષો કરતાં ઓછું છે. દુનિયાદારીનો અનુભવ ઓછો હોવાને કારણે તેઓ લેભાગુ તત્ત્વોની વાતોમાં જલ્દી આવી જાય છે. અને આ માટે સામાજિક રીતિઓ પણ જવાબદાર છે. નાનપણથી જ દીકરીઓને વિવિધ વ્રત, કથાઓ અને ધાર્મિક વિધિઓ પાછળનું વૈજ્ઞાનિક કારણ સમજાવ્યા વગર, માત્ર ‘પુણ્ય મળશે’ કે ‘પાપ લાગશે’ના ડર સાથે ઉછેરવામાં આવે છે. આ ડર સમય જતાં અંધશ્રદ્ધાનું રૂપ લઈ લે છે.
આ બધાં કારણો વચ્ચે પણ કરુણતા એ છે કે અંધશ્રદ્ધાનો સૌથી મોટો ભોગ પણ મહિલાઓ જ બને છે. આજે પણ ગ્રામીણ વિસ્તારોમાં કોઈ અણધારી આફત આવે ત્યારે કોઈ વિધવા કે અસહાય મહિલાને ‘ડાકણ’ કે ‘મેલી વિદ્યા જાણનારી’ કહીને શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવે છે.
એક કિસ્સો છે. નામ બદલાવ્યું છે. ગુજરાતના જ એક ગ્રામીણ વિસ્તારમાં એક શિક્ષિત યુવતીનાં લગ્ન પછી ત્રણ વર્ષ સુધી સંતાન ન થતાં તેની સાસુ અને પતિ તેને એક ‘સિદ્ધ બાબા’ પાસે લઈ ગયા. બાબાએ દાવો કર્યો કે વહુ પર કોઈ મેલી વિદ્યાનો ઓછો છે અને તે દૂર કરવા માટે તેને અંધારા ઓરડામાં એકલી બેસાડી વિધિ કરવી પડશે. અંતે એ ઢોંગી બાબાએ પેલી પરિણીતાનું શારીરિક શોષણ કર્યું. ડર અને શર્મના કારણે તે લાંબો સમય મૌન રહી. આ આખી ઘટના દર્શાવે છે કે સામાજિક દબાણ સ્ત્રીને એટલી લાચાર બનાવી દે છે કે તે પોતાનું તાર્કિક સંતુલન ગુમાવી બેસે છે.
ઝારખંડ અને ઓડિશાના ગ્રામીણ વિસ્તારોમાં તો કોઈ વિધવા મહિલા પાસે જમીન હોય અને ગામના શક્તિશાળી પુરુષોને તે જમીન પચાવી પાડવી હોય ત્યારે તે અંધશ્રદ્ધાનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે. જો ગામમાં અચાનક કોઈ બાળક બીમાર પડે અથવા ગાય-ભેંસ મરી જાય તો તે વિધવા સ્ત્રીને ‘ડાકણ’ જાહેર કરી દેવામાં આવે છે. ગામના લોકો ભેગા થઈને તેનું મુંડન કરી તેને રસ્તા પર ફેરવે છે અને ઘણીવાર તેની હત્યા પણ કરી દેવામાં આવે. અહીં અંધશ્રદ્ધા એ માત્ર અજ્ઞાનતા નથી, પરંતુ સ્ત્રીનું શોષણ કરવાનું એક આયોજિત સાધન છે.
જોકે હવે સ્ત્રીઓ શિક્ષિત થઈ છે અને આવી અંધશ્રદ્ધા સામે લડત પણ કરે છે. અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ સાથે જોડાયેલી મહારાષ્ટ્રની આ મહિલા શ્યામલા વનકુદ્રેએ મહિલાએ ગામડે-ગામડે જઈને ઢોંગી બાબાઓના ‘ચમત્કારો’ (જેમ કે હવામાંથી ભસ્મ કાઢવી, પાણીમાં આગ લગાડવી) પાછળનું વિજ્ઞાન લોકોને સમજાવ્યું. તેમણે અસંખ્ય મહિલાઓને તાંત્રિકોના ચુંગાલમાંથી છોડાવી.
આ બધા કિસ્સા સાબિત કરે છે કે અંધશ્રદ્ધા માત્ર દેવ-દર્શન કે વ્રત પૂરતી સીમિત નથી. જ્યાં સુધી મહિલા આર્થિક રીતે પગભર નહીં થાય અને જ્યાં સુધી તેનામાં ‘તાર્કિક વિચારસરણી’ વિકસાવવામાં નહીં આવે ત્યાં સુધી લેભાગુ તત્ત્વો ધર્મ અને ડરના નામે તેમનું શોષણ કરતા રહેશે.
અલબત, સ્ત્રીઓને જ શો દોષ દેવો? પુરુષો પણ અંધશ્રદ્ધામાં ક્યાં ઓછું માને છે. અંધશ્રદ્ધા માત્ર સ્ત્રીઓ પૂરતી સીમિત નથી. કરોડો રૂપિયાના સટ્ટા રમવા, શૅરબજારમાં નસીબ અજમાવવા, ઑફિસમાં પ્રમોશન મેળવવા કે રાજકારણમાં જીતવા માટે પુરુષો પણ મોટા પાયે વિધિઓ, નંગની અંગૂઠીઓ અને જ્યોતિષીઓના ચક્કરમાં પડે છે અને એમાં જ ઢોંગી બાબાઓ ફાવી જાય છે અને એમની દુકાનો ચાલ્યા કરે છે.
ઘરમાં નાની-મોટી મુસીબત આવે કે તુરંત સ્ત્રી કોઈ માનતા માની લે છે, જેનો વિરોધ પુરુષો કરતા નથી. આમાં એમની પણ મૂક સંમતિ હોય છે. શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, ટક્નૉલૉજી વિજ્ઞાનનો વિસ્તાર થયો છે, છતાં અંધશ્રદ્ધા ઓછી થઈ નથી એ આપણા સમાજની કમનસીબી છે.
તારો બન્ની