મુંબઈઃ કોમેડિયન પ્રણિત મોરેના સ્ટેન્ડ-અપ શોનો એક ક્રાઉડ-વર્ક સેગમેન્ટ હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વિવાદોમાં આવ્યો છે. શો દરમિયાન દર્શકોમાં બેઠેલા 23 વર્ષના હિમાંશુ જાંગડા નામના યુવકે પોતાની 'ડેટ'નો કિસ્સો જણાવ્યો હતો.
તેણે જણાવ્યું હતું કે તેણે એક યુવતી માટે એક પ્લેટ ચિકન બિરયાની પર 370 રૂપિયાનો ખર્ચ કર્યો અને એના બદલામાં તે સેક્સ્યુઅલ ફેવરની આશા રાખતો હતો. જેનો કિસ્સો જનતા સાથે શેર કર્યો અને તેનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ થયો હતો, જેના અંગે જાણીતી અભિનેત્રી દિશા પટણીને બહેન ખુશ્બુએ જવાબ આપ્યો છે.
ખુશ્બુ સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર બિંદાસ્ત પ્રતિક્રિયા આપતી હોય છે, જેને હવે આ મુદ્દે આકરી ટિપ્પણી કરી છે. હિમાંશુની આ માનસિકતા પર સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. વિવાદ વધ્યા બાદ હિમાંશુએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બંધ કરી દીધા છે અને તેને નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યો છે.
બીજી તરફ પ્રણિત મોરેએ પણ આ મામલે માફી માંગી છે, છતાં પણ આ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. હવે બોલીવુડની એક્ટ્રેસ દિશા પટણીની એક્સ-આર્મી ઓફિસર બહેન ખુશબુ પટણી, ડિજિટલ ક્રિએટર કુશા કપિલા અને માલતી ચાહરે આ બાબતે પોતાનો ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે.
ખુશ્બુ પટણીએ આ વિવાદમાં શું કહ્યું?
ખુશ્બુ પટણી અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના વિચારો શેર કરતી હોય છે. તાજેતરમાં તેણે આ વિવાદ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે મહિલાઓને વસ્તુ તરીકે જોવાની માનસિકતા પર આકરા પ્રહારો કર્યા હતા. ખુશ્બુએ કહ્યું કે, ‘આ 22-23 વર્ષના છોકરાની વિચારસરણી જુઓ. તેને છોકરીના કપડાંની અંદર હાથ નાખવો હતો. છોકરીઓ, જોઈ લો તમને કઈ નજરે જોવામાં આવે છે! અને ત્યાં બેઠેલા લોકો તેની વાતો પર હસી રહ્યા હતા. મને નવાઈ લાગે છે કે તે કોમેડિયનના મગજમાં એ ન આવ્યું કે આવી ગંદી વાતો ત્યાં જ રોકી દેવી જોઈતી હતી’.
વીડિયોના અંતમાં ખુશ્બુએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે આપણી આખી જિંદગી સ્કૂલ, કોલેજ, ડેટ અને લગ્ન પછી દહેજ દ્વારા માત્ર એક કિંમત જ નક્કી કરવામાં આવે છે. આટલું કહીને તેણે વીડિયોમાં એક પરંપરાગત નેપાળી ચપ્પુ બતાવ્યું અને મહિલાઓને પોતાની સુરક્ષા માટે તેને ખરીદવા અને સાથે રાખવાની અપીલ કરી હતી. જોકે, ખુશ્બુએ આ વાત વ્યંગાત્મક રીતે કહી હતી.
આ વિવાદ બાદ કોમેડિયન પ્રણિત મોરેએ પણ પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ડીએક્ટિવેટ કરી દીધું છે. પ્રખ્યાત કન્ટેન્ટ ક્રિએટર અને એક્ટ્રેસ કુશા કપિલાએ પ્રણિતને જોરદાર લતાડતા પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે ‘કન્ટેન્ટ ક્રિએટર્સની પણ જવાબદારી હોય છે કે તેઓ શું પોસ્ટ કરી રહ્યા છે. આવો ક્લિપ અપલોડ કરવો એ એક સમજી-વિચારીને લીધેલો નિર્ણય છે અને તેને માત્ર કોમેડી કહીને નજરઅંદાજ ન કરી શકાય. મહિલાઓને મારી વિનંતી છે કે આવી વાહિયાત કોમેડીનો ખુલ્લેઆમ વિરોધ કરો, ડરશો નહીં’.
માલતી ચાહરે માતાઓને કરી ખાસ અપીલ
ભૂતકાળમાં બિગ બોસના દિવસો દરમિયાન જેનું નામ પ્રણિત મોરે સાથે જોડાયું હતું તે માલતી ચાહરે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું કે, "370 રૂપિયાની બિરયાની અને આવી વાતો પરથી સમજાય છે કે ઘણી સ્ત્રીઓ પોતાની આઝાદીને આટલું મહત્વ કેમ આપે છે. સમાનતા અને સન્માન માટે પેઢીઓથી ચાલી રહેલી લડાઈ પછી પણ આજે આપણે આવી વિચારસરણીનો સામનો કરવો પડી રહ્યો છે’.
આ સાથે દેશની તમામ માતાઓ અને ભવિષ્યની માતાઓને અપીલ કરતા લખ્યું કે, તેઓ પોતાના દીકરાઓને મહિલાઓનું સન્માન કરવાનું અને 'કન્સન્ટ'નું મહત્વ સમજાવે. સ્ક્રીન પર જે વસ્તુઓ સામાન્ય બતાવીને હસવામાં કાઢી નાખવામાં આવે છે, તેની અસલી કિંમત મહિલાઓએ વાસ્તવિક જીવનમાં ચૂકવવી પડે છે.