Thu Jun 11 2026

Logo

ફિફા વર્લ્ડ કપમાં ઐતિહાસિક ત્રણ ઓપનિંગ સેરેમની: જાણો, ક્યાં ક્યારે અને કેટલા વાગ્યે...

Newyork   2026-06-11 12:52:00
Author: Ajay Motiwala
Article Image

ભારતીય અભિનેત્રી નોરા ફતેહી તેમ જ વિખ્યાત સિંગર શકિરાના પર્ફોર્મન્સ જોવા તૈયાર થઈ જાઓ...


ન્યૂ યોર્ક: 96 વર્ષનો ભવ્ય ઈતિહાસ ધરાવતા ફિફા વર્લ્ડ કપની 2026ની ઐતિહાસિક ટૂર્નામેન્ટનો દિવસ આવી ગયો છે જેમાં મૅચોના રોમાંચક આરંભ પહેલાં ત્રણ-ત્રણ શાનદાર ઓપનિંગ સેરેમની યોજાવાની છે અને એ માણવા વિશ્વભરમાં કરોડો ફૂટબોલપ્રેમીઓ તૈયાર થઈ જશે.

આજે (ભારતીય સમય પ્રમાણે મધરાત બાદ 12:30 વાગ્યે) શરૂ થઈ રહેલા ફિફા વર્લ્ડ કપમાં પહેલી જ વખત 48 દેશની ટીમ ભાગ લઈ રહી છે. એટલું જ નહીં, પહેલી જ વાર ત્રણ દેશ સંયુક્ત રીતે સૉકર જગતના આ સૌથી મોટા ખેલનું યજમાનપદ માણશે.

શકિરા અને નોરા ફતેહીના શાનદાર પર્ફોર્મન્સ

અમેરિકા, કેનેડા અને મેક્સિકો આ વર્લ્ડ કપના ત્રણ યજમાન દેશ છે અને ત્રણેય દેશમાં તેમની પ્રથમ મૅચના દોઢ કલાક પહેલાં ઓપનિંગ સેરેમની યોજાશે. વિશ્વવિખ્યાત પૉપ સિંગર શકિરા, ભારતીય એક્ટ્રેસ નોરા ફતેહી ઉપરાંત જેઓ આ અલગ અલગ ઓપનિંગ સેરેમનીમાં પર્ફોર્મ કરશે એમાં બર્ના બૉય, આલયેન્ડ્રો ફર્નાન્ડેઝ, બેલિન્ડા, ડૅની ઑસન, જે. બાલ્વિન, લિલા ડાઉન્સ વગેરે સ્ટેજ આર્ટિસ્ટોનો સમાવેશ છે. ભારતીય અભિનેત્રી નોરા ફતેહી તેના હોમ ટાઉન કેનેડાના ટોરન્ટોમાં આવતી કાલ (ભારતીય સમય મુજબ રાત્રે 11 વાગ્યાથી)ની ઓપનિંગ સેરેમનીમાં તેના સુંદર લુક અને શાનદાર મુવમેન્ટ સાથે ‘સર... સર...' સોન્ગ પર પર્ફોર્મ કરશે. શકિરા અને અન્યો ‘ડાઈ ડાઈ...' સોન્ગ પર ધૂમ મચાવશે.
 


મૅચના દોઢ કલાક પહેલાં ઓપનિંગ સેરેમની 

(1) ભારતીય સમય મુજબ આજે (મધરાત બાદ 12:30 વાગ્યાથી) વર્લ્ડ કપની પહેલી મૅચ મેક્સિકો સિટીમાં મેક્સિકો અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. આ મૅચના દોઢ કલાક પહેલા (રાત્રે 11 વાગ્યે) ઓપનિંગ સેરેમનીનો 16 મિનિટ અને 30 સેકન્ડનો ભવ્ય શો યોજાશે. (2) કેનેડાના ટોરન્ટોમાં કેનેડાની બોસ્નીયા સામેની પ્રથમ મેચ શુક્રવારે (મધરાત બાદ 12:30 વાગ્યાથી ) રમાશે એટલે ટોરન્ટોની ઓપનિંગ સેરેમનીનો આરંભ શુક્રવારે રાત્રે 11 વાગ્યે થશે. આ શો 13 મિનિટનો હશે. (3) કેલિફોર્નિયામાં અમેરિકાની પારાગ્વે સામેની પ્રથમ મૅચ શનિવારે (વહેલી સવારે 6:30 વાગ્યે) શરૂ થશે એટલે ત્યાંની 13 મિનિટની ઓપનિંગ સેરેમનીનો પ્રારંભ સવારે 05:00 વાગ્યે થશે.