Thu Jul 23 2026

Logo

ગુજરાતમાં આજે ક્યાં પડશે વરસાદ? જાણો ચોમાસું ક્યાં પહોંચ્યું

2026-06-11 08:28:00
Author: Mayur Patel
Article Image

Ai Image


અમદાવાદ-નવી દિલ્હીઃ હવામાન વિભાગ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર પશ્ચિમ ભારતમાં 13 તારીખ સુધી વરસાદનો પ્રભાવ જોવા મળશે. ગાજવીજ સાથે ભારે પવન અને કરા પણ પડશે. ઉત્તર પૂર્વના રાજ્યો તથા પશ્ચિમ બંગાળમાં આગામી પાંચથી સાત દિવસ એક બે સ્થળોએ 7 થી લઈ 20 સેમી સુધી વરસાદ પડી શકે છે. દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા મોટા ભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ  હળવા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે.

 

ગુજરાતમાં કેવું રહેશે હવામાન

 

આજે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 16 જૂન સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. નૈઋત્યનું ચોમાસું ગુજરાત તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, જેના પગલે સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ રાજ્યના વિવિધ ભાગોમાં જોવા મળી શકે છે. 12 થી 16 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 42 ડિગ્રી આસપાસ રહી શકે છે. લોકોને કાળઝાળ ગરમી અને બફારાનો અનુભવ થશે.

 

ચોમાસું ક્યાં પહોંચ્યું?

 

ચોમાસું આગામી ત્રણથી ચાર દિવસમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશમાં આગળ વધી શકે છે અને તમિલનાડુના બાકીના ભાગોને પણ આવરી શકે છે. આ દરમિયાન છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, ઓડિશાના કેટલાક ભાગોમાં ચોમાસું દસ્તક આપી શકે છે. ચોમાસાને આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મધ્ય ભાગમાં લો પ્રેશર સર્જાયું છે. આ કારણે ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગામી 24 કલાકમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. ત્યારબાદ 13 તારીખ સુધી પારો 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી શકે છે. જે પછી તાપમાન ફરીથી 2 થી 4 ડિગ્રી સુધી વધી શકે છે. દેશના મધ્ય ભાગમાં આગામી 3 દિવસ એટલે કે 12 તારીખ સુધી તાપમાનમાં બહુ ફેરફાર જોવા નહીં મળે, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. પૂર્વ ભારતમાં 2 દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય. ત્યારબાદ 12 થી 14 તારીખ વચ્ચે તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે.

 

 

 

મધ્યપ્રદેશ-બિહારમાં ઓરેન્જ એલર્ટ

 

પૂર્વી મધ્યપ્રદેશ, ઝારખંડ, ઓડિશા અને બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલયમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે અંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. ગાજવીજ સાથે વીજળી અને તેજ પવનની અસર જોવા મળશે. આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં એક કે બે સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદની અસર અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, તેલંગાણા, કર્ણાટક, દક્ષિણ કોંકણ, દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને લક્ષદ્વીપમાં જોવા મળશે. કર્ણાટક, ગોવા, કેરળમાં 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

 

યુપી-કાશ્મીરમાં હીટવેવનો પ્રકોપ યથાવત રહેશે

 

જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં હીટવેવનો પ્રકોપ ચાલુ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં કરા પડી શકે છે. આ તમામ સ્થળોએ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં એક-બે સ્થળોએ ધૂળની ડમરીઓ સાથે આંધી આવવાની સંભાવના છે. પૂર્વ ભારતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વીજળીનો પ્રભાવ જોવા મળી શકે છે.