ભુજઃ પૂર્વ કચ્છના અંજાર શહેરની નજીક આવેલા વરસામેડી પંથકની આશાપુરા કોલોનીમાં મોટરસાયકલ પર પેશાબ કરવાની બાબતમાં થયેલી તકરારમાં પાડોશમાં રહેતા એક શ્રમિકે ૨૮ વર્ષીય સાથી શ્રમિક યુવકને છરીના અસંખ્ય ઘા ઝીંકીને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર પ્રસરી છે.અંજાર પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી ફરાર થઈ ગયેલા હત્યારાને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી વિગતો મુજબ, હત્યાનો આ બનાવ ગત રવિવારે રાત્રે આશરે ૧૧:૩૦ વાગ્યાના અરસામાં બન્યો હતો. મૂળ મધ્યપ્રદેશના શહડોલ જિલ્લાના વતની અને અહીંની વેલસ્પન કંપનીમાં મજૂરી કરતા ૨૮ વર્ષીય સંજયસિંહ પપ્પુસિંહ ગૌડ કોલોનીની એક ઓરડીમાં એકલો રહેતો હતો. મૃતકની પત્ની અને પરિવાર એકાદ મહિના અગાઉ વતન ગયા હતા. ગત રાત્રે સંજયસિંહનો તેમની પાડોશની ઓરડીમાં રહેતા અને વેલસ્પન કંપનીમાં જ મજૂરી કરતા મૂળ ઉત્તર પ્રદેશના અરવિંદ નામના યુવક સાથે ઝઘડો થયો હતો. ઉશ્કેરાયેલા અરવિંદે સંજયસિંહ પર છરી વડે તૂટી પડીને તેમના ચહેરા, ગળા અને છાતીના ભાગે ઘાતકી વાર કર્યા હતા.
હુમલા દરમિયાન ચીસાચીસ થતાં કોલોનીમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. અવાજ સાંભળીને કોલોનીની પાછળની ગલીમાં રહેતી મૃતકની પિતરાઈ બહેન રિન્કીસિંહ બહેગા તાત્કાલિક દોડી આવી હતી. તેણે સંજયસિંહને ઘર બહાર જમીન પર લોહીલુહાણ હાલતમાં જોયો હતો. રિન્કીસિંહે જ્યારે ત્યાં હાજર લોકોને ‘મારા ભાઈને કોણે માર્યો?’ તેમ પૂછ્યું, ત્યારે પાડોશની ઓરડીમાં ઊભેલા આરોપી અરવિંદે વળતો જવાબ આપ્યો હતો કે, “મેં માર્યો છે, સંજયે મારી મોટરસાયકલ પર પેશાબ કર્યો હતો એટલે મેં તેને પતાવી દીધો!”
ઘટના બાદ ગંભીર રીતે ઘવાયેલા સંજયસિંહને સ્થાનિક લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક અંજારની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને સારવાર મળે તે પૂર્વે જ મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ, ગુનો આચરીને આરોપી અરવિંદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. મોડી રાત્રે મૃતકની બહેન રિન્કીસિંહે આરોપી અરવિંદ વિરૂદ્ધ અંજાર પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પી.આઈ એચ.એ. જાડેજાએ તપાસ હાથ ધરી છે.
(ઉત્સવ વૈદ્ય)