(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મધ્ય પૂર્વના દેશોનો ભૂરાજકીય તણાવ હળવો થવાના આશાવાદ સાથે આજે ક્રૂડતેલમાં પીછેહઠ જોવા મળતાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો નહીં કરે તેવો શક્યતાને ધ્યાનમાં લેતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા અને વાયદામાં ધીમો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હતો. આમ વૈશ્વિક મિશ્ર અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં ઘટ્યા મથાળેથી સોનામાં 10 ગ્રામદીઠ રૂ. 1026થી 1030નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1638નો સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1638ના સુધારા સાથે રૂ. 2,45,938ના મથાળે રહ્યા હતા. જોકે, ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની ચાંદીમાં છૂટીછવાઈ માગ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તેમ જ સોનામાં ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ રહેતાં હાજરમાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 1026 વધીને રૂ. 1,51,908 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1,52,519ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં છૂટીછવાઈ રોકાણલક્ષી માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હતી.
ક્રૂડતેલના ભાવમાં ઘટાડા અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં બે સત્રના ઘટાડાને બે્રક લાગતા હાજરમાં ભાવ આૈંસદીઠ 4327.42 ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ સાધારણ 0.3 ટકાના ઘટાડા સાથે 4351.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ 0.4 ટકા વધીને આૈંસદીઠ 68.48 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
વૈશ્વિક સોનામાં બે સત્રના ઘટાડામાં ભાવ ટેકાની સપાટીની અંદર ઊતરી ગયા બાદ બાદ આજે ભાવમાં સ્થિર વલણ જોવા મળ્યું છે. જોકે, અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા સોનાની તેજી સામેનો એક મોટો પડકાર હોવાનું સાક્સો બૅન્કના વિશ્લેષક ઑલે હાસને જણાવતાં ઉમેર્યું હતું કે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની અરજને ધ્યાનમાં લેતા ઈઝરાયલ અને ઈરાન એક બીજા પર હુમલા ન કરવા સહમત થતાં ક્રૂડતેલના ભાવમાં ઘટાડો આવ્યો હતો.
સામાન્યપણે ફુગાવો વધવાની ભીતિ સપાટી પર આવતા સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોની લેવાલી રહેતી હોય છે, પરંતુ હાલના સંજોગોમાં જો ફુગાવો વધે તો કેન્દ્રવર્તી બૅન્કો વ્યાજદર વધારે તેવી શક્યતા પ્રબળ હોવાથી સોનાના ભાવ દબાણ હેઠળ આવતા હોવાનું તેમણે ઉમેર્યું હતું. દરમિયાન આજે રોકાણકારોની નજર બુધવારે અને ગુરુવારે જાહેર થનારા અમેરિકાના અનુક્રમે ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ અને પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા પર સ્થિર થઈ છે. તેમ જ ફુગાવાની જાહેરાત પશ્ચાત્ ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ કેવી પ્રતિક્રિયા આપે છે તેના પર બજારની નજર રહેશે. જોકે, અમેરિકી ફેડરલ રિઝર્વ ડિસેમ્બર અંત આસપાસ વ્યાજદરમાં વધારો કરે તેવી 70 ટકા શક્યતા સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે.