ભુજઃ દેશની સંવેદનશીલ દરિયાઈ સરહદોની સુરક્ષા અભેદ્ય બનાવવા અને ભારતીય નૌસેનાની કાર્યકારી ક્ષમતામાં વધારો કરવા માટે સંરક્ષણ મંત્રાલય દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રાલયે ૧૦ જૂન ૨૦૨૬ના રોજ બેંગલુરુની અગ્રણી કંપની 'એકોર્ડ સોફ્ટવેર એન્ડ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ' સાથે રૂા. ૪૪૯ કરોડના એક સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ડીલ અંતર્ગત નૌસેના માટે સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજીથી સજ્જ ૨૦ 'એન્હાન્સ્ડ કેપેબિલિટી ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ' જેમર્સની ખરીદી કરવામાં આવશે.
આ મહત્વપૂર્ણ સોદો 'બાય ઇન્ડિયન-આઇડીડીએમ' કેટેગરી હેઠળ કરવામાં આવ્યો છે, જેમાં ઓછામાં ઓછી ૭૫ ટકા સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવાની શરત રાખવામાં આવી છે. આ અત્યાધુનિક જેમર્સ સિસ્ટમ દરિયામાં યુદ્ધ અથવા કટોકટીની સ્થિતિ વખતે દુશ્મન દેશોના સેટેલાઇટ નેવિગેશન સિગ્નલને સંપૂર્ણપણે નબળા કરી દેવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત, તે એન્ટી-સ્પૂફિંગ અને એડવાન્સ જેમિંગ ટેક્નોલોજી દ્વારા ખોટી માહિતી મોકલીને દુશ્મનના ઘાતક ડ્રોન, એરક્રાફ્ટ અને મિસાઇલોને તેમના નિર્ધારિત લક્ષ્ય પરથી ભટકાવી દેશે.
સંરક્ષણ મંત્રાલયના સત્તાવાર નિવેદન અનુસાર, આ આધુનિક સિસ્ટમ તૈનાત થવાથી બહુવિધ સુરક્ષા પડકારો અને ખતરા ધરાવતા આંતરરાષ્ટ્રીય દરિયાઈ વિસ્તારોમાં ભારતીય નૌસેનાના અબજો રૂપિયાના યુદ્ધજહાજો વધુ સુરક્ષિત અને આત્મવિશ્વાસપૂર્વક ઓપરેશન પાર પાડી શકશે.
આ નવો સંરક્ષણ સોદો વ્યૂહાત્મક દ્રષ્ટિએ કચ્છના સરહદી ક્ષેત્ર 'સરક્રીક' અને ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પર અત્યંત મહત્વપૂર્ણ અને ગેમ-ચેન્જર સાબિત થશે. સરક્રીક અને જખૌના દરિયાઈ વિસ્તારોમાં પાકિસ્તાન તરફથી અવારનવાર જીપીએસ સ્પૂફિંગ, ડ્રોન દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી અને ઘૂસણખોરીના પ્રયાસો થતા રહે છે. આ સંવેદનશીલ સરહદ પર સ્વદેશી જેમર્સ તૈનાત થવાથી ભારતીય કોસ્ટ ગાર્ડ અને નૌસેનાના પેટ્રોલિંગ જહાજોને લોખંડી સુરક્ષા કવચ મળશે, જેને પગલે દરિયાઈ માર્ગે થતી આંતરરાષ્ટ્રીય દાણચોરી, શંકાસ્પદ બોટોનો ગેરકાયદેસર પ્રવેશ અને આતંકી ગતિવિધિઓને સમયસર નેસ્તનાબૂદ કરી શકાશે.
(ઉત્સવ વૈદ્ય)