Wed Jun 10 2026

Logo

અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિનો આશાવાદ ધૂંધળો બનતાં વિશ્વ બજાર પાછળ ચાંદીમાં રૂ. 12,655નો અને સોનામાં રૂ. 5438નો કડાકો

2026-06-10 20:17:56
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિનો આશાવાદ ધૂંધળ બનતા ક્રૂડતેલના ભાવ ફરી ઊછળતાં ફુગાવો વધશે અને ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી ભીતિ સપાટી પર આવતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં 2.1 ટકાનો ઘટાડો આવ્યાના અહેવાલ હતા. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 12,655નું અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 5351થી 5438નો કડાકો બોલાઈ ગયો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વિશ્વ બજાર પાછળ 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે વધુ ઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 12,655ના કડાડા સાથે રૂ. 2,33,283ના મથાળે રહ્યા હતા.

તેમ જ આજે હાજરમાં 10 ગ્રામદીઠ વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 5351ના ઘટાડા સાથે રૂ. 1,46,557 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 5438ના ઘટાડા સાથે રૂ. 1,47,146ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં ઘટ્યા મથાળેથી રોકાણકારોની રોકાણલક્ષી અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, જ્યારે વધુ ભાવઘટાડાના આશાવાદે રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

આજે લંડન ખાતે સત્રના આરંભે ફુગાવામાં વધારાની ભીતિ હેઠળ હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 2.1 ટકા ઘટીને અનુક્રમે આૈંસદીઠ 4172.44 ડૉલર અને 4195.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ પણ 2.1 ટકા ઘટીને આૈંસદીઠ 63.99 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

અમેરિકા અને ઈરાને એકબીજી પર હુમલાઓ કર્યાના નિર્દેશોને ધ્યાનમાં લેતા વૈશ્વિક સ્તરે ભૂરાજકીય તણાવ હોવા છતાં સોનું ફુગાવામાં વધારાની ચિંતાનું શિકાર બની રહ્યું હોવાનું એફએક્સટીએમના વિશ્લેષક લુકમાન ઑટુન્ગાએ જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે ઈરાનનાં રિવોલ્યુશનરી ગાર્ડે જણાવ્યું હતું કે અમેરિકાએ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પર કરેલા હુમલાના વળતા જવાબમાં અમે અમેરિકાના જોર્ડન, કુવૈત અને બહેરિન લશ્કરી બેઝ પર  મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. 

આમ બન્ને દેશોએ હુમલા શરૂ કરતાં હવે શાંતિ વાટાઘાટોમાં પ્રગતિ થવાની શક્યતા સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકાઈ જતાં ક્રૂડતેલના ભાવમાં વધારાની શક્યતાને કારણે સોના-ચાંદીના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત 28મી ફેબ્રુઆરીથી અથવા તો જ્યારથી અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર હુમલા કર્યા ત્યારથી અત્યાર સુધીમાં સોનાના વૈશ્વિક ભાવમાં 20 ટકા જેટલો ઘટાડો આવી ગયો છે. 

સામાન્યપણે યુદ્ધના સંજોગોમાં સોનામાં સલામતી માટેની માગ રહેતી હોય છે, પરંતુ હાલના સંજોગોમાં યુદ્ધને કારણે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ બંધ હોવાથી ક્રૂડતેલના ભાવ વધી આવતાં ફુગાવો વધવાની શક્યતા અને ફુગાવો વધતાં અમેરિકી ફેડરલ રિઝર્વ સહિતની કેન્દ્રવર્તી વ્યાજદરમાં કાપ મૂકવાને સ્થાને વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા પ્રબળ બનતી હોવાથી કિંમતી ધાતુઓના ભાવ દબાણ હેઠળ આવી રહ્યા છે.

અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બરના અંતે વ્યાજદરમાં વધારો કરે તેવી 68 ટકા શક્યતા બજાર વર્તુળો સીએમઈ ફેડ વૉચ ટૂલ પર આજે મૂકી રહ્યા હતા. જોકે, હાલમાં રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાનાં મે મહિનાના ફુગાવાના અથવા તો ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના અને આવતીકાલે ગુરુવારે જાહેર થનારા પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા પર સ્થિર થઈ હતી.