હ્યુસ્ટન: અમેરિકામાં ટેક્સસના હ્યુસ્ટનમાં (ભારતીય સમય મુજબ) બુધવારે મોડી રાત્રે રમાયેલી મૅચમાં પોર્ટુગલે ડીઆર કૉન્ગો જેવા ટચૂકડા આફ્રિકન દેશની ટીમ સામે ફિફા વર્લ્ડ કપની મૅચ 1-1થી ડ્રો કરાવવી પડી હતી.
કૉન્ગોના ડિફેન્ડરોએ રોનાલ્ડોને કાબૂમાં રાખ્યો
મૅચનું આ પરિણામ યુરોપની ધરખમ ટીમ પોર્ટુગલ માટે નિરાશાજનક કહેવાય જ, એનો સુપરસ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કૉન્ગો જેવા દેશની ટીમ સામે એક પણ ગોલ ન કરી શક્યો એ તેના કરોડો ચાહકો માટે વધુ મોટી નિરાશા કહેવાય. વધુ નવાઈની વાત એ છે કે 90 મિનિટની મૅચમાં રોનાલ્ડોનો એક પણ શૉટ ટાર્ગેટ પર નહોતો. કૉન્ગોની ટીમે સંરક્ષણની દીવાલ એટલી બધી મજબૂત બનાવી રાખી હતી કે તેમણે રોનાલ્ડોને કરીઅરના છેવટના સમયની આ મહત્ત્વની મૅચમાં સાવ નિષ્ફળ બનાવી દીધો.
— The CR7 Timeline. (@TimelineCR7) June 17, 2026
CRISTIANO:
"Nothing was missing, football is like this. Portugal could have won but it could also have lost, it could have gone either way." pic.twitter.com/iIU0BfYPUA
કૉન્ગોમાં પોર્ટુગલને હરાવ્યા જેવી ઉજવણી
આ મૅચ બાદ પોર્ટુગલમાં લોકો હતાશ હતા જ્યારે આફ્રિકાના દેશ કૉન્ગો (Congo)માં વર્લ્ડ કપનો ઐતિહાસિક પોઇન્ટ મળવા બદલ સર્વત્ર ઉજવણી થઈ રહી હતી.
રોનાલ્ડોનો ગોલનો દુકાળ લંબાયો
પોર્ટુગલ (Portugal) વતી 143 આંતરરાષ્ટ્રીય ગોલ કરી ચૂકેલા રોનાલ્ડોનો વર્લ્ડ કપની કોઈ મૅચમાં એક પણ શૉટ ટાર્ગેટ પર ન ગયો હોય એવું છઠ્ઠી વખત બન્યું છે.
મેસી સુપરહિટ, રોનાલ્ડો સુપરફ્લૉપ
એક તરફ બુધવારે લિયોનેલ મેસીએ ઐતિહાસિક હૅટ-ટ્રિક ગોલથી આર્જેન્ટિનાને અલ્જીરિયા સામે 3-0થી વિજય અપાવ્યો હતો અને બીજા અનેક વિક્રમો પોતાના નામે કર્યા હતા ત્યાં બીજી બાજુ તેના જેવી જ ખ્યાતિ ધરાવતા રોનાલ્ડો (Ronaldo)એ એક પણ ગોલ કર્યા વગર ખાલી હાથે પાછા આવવું પડ્યું હતું.
કૉન્ગોના વિસાનો યાદગાર ગોલ
કૉન્ગો સામે 1-1થી ડ્રોમાં ગયેલી મૅચમાં પોર્ટુગલ વતી એકમાત્ર ગોલ યાવો નેવીઝે છઠ્ઠી મિનિટમાં કર્યો હતો, જ્યારે ફર્સ્ટ-હાફની અંતિમ પળમાં યોઆન વિસાએ કૉર્નર કિકથી ગોલ કરીને કૉન્ગોને 1-1ની બરાબરી અપાવી હતી. આખી મૅચમાં બૉલ 75 ટકા સમય પોર્ટુગલના ખેલાડીઓના કબજામાં હતો એમ છતાં તેઓ એક જ ગોલ કરી શક્યા હતા.
રોનાલ્ડો અને ગોલ-પોસ્ટ વચ્ચે મોટું અંતર
રોનાલ્ડો વર્લ્ડ કપ ટૂર્નામેન્ટોની છેલ્લી સતત પાંચ મૅચમાં અને તમામ મોટી ટૂર્નામેન્ટોની લાગલગાટ 10મી મૅચમાં ગોલ ન કરી શક્યો.
રોનાલ્ડોને વર્લ્ડ રેકૉર્ડની આવતી મૅચમાં તક
લિયોનેલ મેસીની જેમ રોનાલ્ડો વિશ્વનો માત્ર બીજો ખેલાડી છે જેનો આ છઠ્ઠો વર્લ્ડ કપ છે. રોનાલ્ડો બુધવારની મૅચમાં ગોલ ન કરી શક્યો, પરંતુ આગામી લીગ મૅચમાં એક ગોલ કરશે તો તમામ છ વર્લ્ડ કપમાં ગોલ કરનાર તે વિશ્વનો પ્રથમ ફૂટબોલર બનશે.
ડાયરેક્ટ ગોલન રોનાલ્ડોને થાપ આપી રહ્યા છે
બીજું એક મોટું આશ્ચર્ય એ છે કે રોનાલ્ડો છેલ્લા પાંચ વર્ષમાં ફૂટબૉલની કોઈ પણ મોટી ટૂર્નામેન્ટમાં નોન પેનલ્ટી ગોલ નથી કરી શક્યો. આ ટૂર્નામેન્ટોમાં તેણે જે કંઈ ગોલ કર્યા છે એ તેને પેનલ્ટી કિકથી જ મળ્યા છે.