Thu Jun 18 2026

Logo

કચ્છ બનશે દેશની ‘ડેટ પામ કેપિટલ’: ખારેકમાંથી બનશે ખજૂર!

2026-06-18 10:26:00
Author: mumbai samachar team
Article Image

ભુજ: કચ્છના રણપ્રદેશના ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ વધારવા માટે સરકારે એક મહત્વકાંક્ષી પગલું ભર્યું છે. કચ્છની ઓળખ સમાન ખારેકને હવે મૂલ્યવર્ધન દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરની ખજૂરમાં ફેરવવા માટે ઇઝરાયેલ સરકારની પ્રતિષ્ઠિત એજન્સી 'MASHAV' (ઇઝરાયેલના વિદેશ મંત્રાલયની આંતરાષ્ટ્રીય વિકાસ સહયોગ અને માનવતાવાદી સહાય એજન્સી) એ સીધો ટેકનિકલ સહયોગ આપવાનું શરૂ કર્યું છે. રણપ્રદેશમાં અદ્યતન ખેતી પદ્ધતિઓ વિકસાવવા માટે વિશ્વભરમાં જાણીતી આ એજન્સી અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે મુંદ્રા ખાતે ‘ઈન્ડો-ઈઝરાયેલ સેન્ટર ઓફ એક્સેલન્સ ઓન ડેટ પામ’ કાર્યરત કરવામાં આવ્યું છે. આ સેન્ટર ખાતે સ્થાનિક ખેડૂતોને ડ્રીપ ઇરિગેશન, ફર્ટિગેશન, બંચ મેનેજમેન્ટ અને પરાગ વિભાજન જેવી અત્યાધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓનું જીવંત પ્રદર્શન આપીને તાલીમબદ્ધ કરવામાં આવી રહ્યા છે.

મુંબઈમાં પણ કચ્છી ખજૂરની માંગ

આ પ્રકલ્પને સફળ બનાવવા પાછળ સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી હસ્તકનું મુંદરા ડેટ પામ રિસર્ચ સ્ટેશન છેલ્લા ૧૫ વર્ષથી સતત સંશોધનો કરી રહ્યું છે. આ સંશોધનોને માર્ચ ૨૦૨૫માં સેન્ટર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય ક્લસ્ટર સેમિનારથી મોટો વેગ મળ્યો છે. આ સેમિનારમાં ખાસ ઉપસ્થિત રહેલા MASHAVના પ્રોજેક્ટ ઓફિસર બૃહમા દેવે સ્થાનિક ખેડૂતોને કાચી ખારેકને વૈજ્ઞાનિક પ્રક્રિયા દ્વારા ગુણવત્તાયુક્ત ખજૂરમાં રૂપાંતરિત કરવાની આધુનિક ટેકનિક સમજાવી હતી. ઇઝરાયેલી નિષ્ણાતોના આ માર્ગદર્શન બાદ કચ્છના પ્રગતિશીલ ખેડૂતો હવે માત્ર કાચી ખારેક વેચવાને બદલે પ્રોસેસિંગ પ્લાન્ટ્સ સ્થાપીને તૈયાર ખજૂરનું ઉત્પાદન કરી રહ્યા છે. આ કચ્છી ખજૂરની માંગ હવે માત્ર મુંબઈ અને દિલ્હી જેવા દેશના મેટ્રો શહેરો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ અખાતી દેશોમાં પણ તેની મોટા પાયે નિકાસ શરૂ થઈ ચૂકી છે.

કચ્છમાં ખારેકનું કેટલું થાય છે ઉત્પાદન

ભૂસ્તરીય દ્રષ્ટિએ કચ્છની ખારી જમીન અને હવામાં ઓછો ભેજ ખજૂરના પાક માટે કુદરતી આશીર્વાદ સમાન છે. હવે તેમાં MASHAVની ઇઝરાયેલી ટેકનોલોજી ભળતાં ઉત્પાદનની ગુણવત્તા આંતરરાષ્ટ્રીય સ્તરની બની છે. હાલના સરકારી આંકડા મુજબ, સમગ્ર કચ્છ જિલ્લામાં આશરે ૧૯,૨૫૧ હેક્ટર વિસ્તારમાં ૨૦ લાખથી વધુ ખજૂરીના વૃક્ષો લહેરાઈ રહ્યા છે, જેના થકી પ્રતિવર્ષ ૧.૮ લાખ ટન જેટલું માતબર ખારેકનું ઉત્પાદન થાય છે. 

કચ્છી ખારેકને મળ્યો છે ‘GI ટેગ’

તાજેતરમાં જ કચ્છી દેશી ખારેકને પ્રતિષ્ઠિત ‘GI ટેગ’ (જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન) મળ્યા બાદ તેને વૈશ્વિક બજારમાં અનોખી ઓળખ મળી છે. સરકાર અને કૃષિ વૈજ્ઞાનિકોનો મુખ્ય ઉદ્દેશ્ય ઇઝરાયેલના આ તકનીકી સમર્થનથી કચ્છને સમગ્ર ભારતની સત્તાવાર ‘ડેટ પામ કેપિટલ’  તરીકે પ્રસ્થાપિત કરવાનો છે, જે આગામી દિવસોમાં સ્થાનિક ખેડૂતોની આવક બમણી કરવામાં માઈલસ્ટોન સાબિત થશે. 

(ઉત્સવ વૈદ્ય)