Thu Jun 18 2026

Logo

કચ્છનું ગૌરવ: પારસી સંસ્કૃતિનું પ્રતીક 'ધ ભુજ હાઉસ' રેર ઈન્ડિયા ગ્રૂપમાં સામેલ

2026-06-18 11:05:00
Author: mumbai samachar team
Article Image

ભુજઃ ભુજના કેમ્પ વિસ્તારમાં આવેલું અને ૧૩૦ વર્ષથી પણ વધુ પ્રાચીન ભવ્ય ઈતિહાસ ધરાવતું પારસી પૂર્વજોનું નિવાસસ્થાન ‘ધ ભુજ હાઉસ’ હવે દક્ષિણ એશિયાના પ્રતિષ્ઠિત એક્સપિરિયન્શિયલ હોસ્પિટાલિટી પ્લેટફોર્મ ‘રેર ઈન્ડિયા’ના પોર્ટફોલિયોમાં સામેલ થયું છે. વર્ષ ૧૮૯૪માં પેસ્તનજી સોરાબજી ભુજવાલા દ્વારા નિર્મિત આ હેરિટેજ હોમને આ પારસી પરિવારે એક સદીથી પણ વધુ સમય સુધી ખૂબ જ પ્રેમથી જાળવી રાખ્યું છે. હવે આ સુંદર ભવન પ્રવાસીઓ માટે પરંપરાગત આતિથ્ય અને કચ્છની જીવંત સંસ્કૃતિનો અનુભવ કરાવતું એક અનોખું કેન્દ્ર બનશે.

વર્ષ ૨૦૦૩માં શોભા રુદ્રા દ્વારા સ્થાપિત ‘રેર ઈન્ડિયા’ ભારત, નેપાળ અને ભૂતાનમાં સ્વતંત્ર માલિકીની બુટિક હોટેલ્સ, હેરિટેજ પેલેસ, વાઇલ્ડલાઇફ લોજ અને હોમસ્ટેનું પ્રતિનિધિત્વ કરે છે. આ સંદર્ભે વાત કરતા રેર ઈન્ડિયાના સ્થાપક શોભા રુદ્રાએ જણાવ્યું હતું કે, "અમારું માનવું છે કે અતિથિ સત્કાર ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તે સ્થાનિક સંસ્કૃતિના મૂળ સાથે જોડાયેલો હોય. ધ ભુજ હાઉસ આ ફિલોસોફીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. પ્રવાસીઓને કચ્છના લોકો, કળા, વાનગીઓ અને વાર્તાઓનો અસલી અનુભવ કરાવવા માટે અમે આ અદ્ભુત હેરિટેજ હોમને રેર ઈન્ડિયા કલેક્શનમાં આવકારતા ગર્વ અનુભવીએ છીએ."

સામાન્ય હેરિટેજ હોટેલ્સ કરતાં તદ્દન અલગ, ‘ધ ભુજ હાઉસ’ એક પારિવારિક ઘરની હૂંફ પ્રદાન કરે છે. આ પ્રોપર્ટીને તેના મૂળ વારસા અને ચરિત્રયને અકબંધ રાખીને જેહાન ભુજવાલા અને તેમના પત્ની કેટી દ્વારા પ્રેમપૂર્વક પુનઃજીવિત કરવામાં આવી છે. ધ ભુજ હાઉસના માલિક જેહાન ભુજવાલાએ આ અંગે ગૌરવ વ્યક્ત કરતા જણાવ્યું કે, "સમય જતાં પરિવારો સ્થળાંતર કરી જતાં ભુજના ઘણા ઐતિહાસિક પારસી ઘરો નામશેષ થઈ ગયા, પરંતુ અમારો પરિવાર આ ઘર અને તેના ઈતિહાસ સાથે સતત જોડાયેલો રહ્યો. ધ ભુજ હાઉસની પુનઃસ્થાપના એ અમારા પૂર્વજોના વારસાને સન્માન આપવાની અને પ્રવાસીઓને ભુજના જીવંત ઈતિહાસનો હિસ્સો બનાવવાની એક સુવર્ણ તક છે."

આ હેરિટેજ હોમ પ્રવાસીઓ માટે કચ્છના ભવ્ય વારસાના અનેક પાસાઓ ખોલે છે. અહીં આવતા મુલાકાતીઓને અજરખ પ્રિન્ટિંગ, બાંધણી, વણાટકામ, પરંપરાગત ભરતકામ, રોગન આર્ટ અને તાંબાના બેલ બનાવવાની કળા જેવી વૈશ્વિક સ્તરે પ્રખ્યાત કળાઓની નજીકથી ઓળખ મળશે. આ ઉપરાંત, ભુજોડીના વણકરો, નિરોનાના પ્રખ્યાત રોગન કલાકારો, ભુજના ઐતિહાસિક બજારો, માંડવીનો દરિયા કિનારો અને સિંધુ ખીણની સંસ્કૃતિના પ્રખ્યાત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા સુધીની સફર માટે ‘ધ ભુજ હાઉસ’ એક મુખ્ય કેન્દ્રબિંદુ સાબિત થશે, જે પ્રવાસીઓને કચ્છને માત્ર એક પ્રવાસન સ્થળ તરીકે નહીં પરંતુ એક જીવંત પરંપરા તરીકે માણવાની તક આપશે.

ઉલ્લેખનીય છે કે, 'ભુજ હાઉસ', ઐતિહાસિક શહેર ભુજના એવા વિસ્તારમાં આવેલું છે કે જ્યાં રાજાશાહી અને બ્રિટિશ કાળનો ઇતિહાસ જીવંત બનીને ધબકે છે.  કચ્છમાં પારસીઓની વસાહત સમા લાલ ટેંકરી વિસ્તારમાં, પારસી અગિયારસીની ખુબ નજીક આ ભુજ હાઉસ આવેલું છે અને અહીંથી અદભુત રીતે ભુજિયા ડુંગરના દર્શન થાય છે.

(ઉત્સવ વૈદ્ય)