Wed Jun 17 2026

Logo

ડૉલર સામે રૂપિયામાં 10 પૈસાનો સુધારો

2026-06-17 21:24:18
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
વિશ્વ બજારમાં પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવ હળવાં થતાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવ ઘટીને બેરલદીઠ 80 ડૉલરની સપાટીની અંદર ઊતરી જવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થયો હોવાના નિર્દેશ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતા આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે 10 પૈસાના સુધારા સાથે 94.50ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 749.18 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલોને ધ્યાનમાં લેતા રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવતા ઉમેર્યું હતું કે આજે ટ્રેડરોની મીટ અમેરિકી ફેડરલ રિઝર્વની આજે સમાપન થનારી નીતિવિષયક બેઠક પર મંડાઈ હોવાથી એકંદરે સાવચેતીનો અભિગમ જોવા મળ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 94.60ના બંધ સામે સુધારા સાથે 94.46ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 94.60 અને ઉપરમાં 94.29 સુધી મજબૂત થયા બાદ અંતે 10 પૈસાના સુધારા સાથે 94.50ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં સાધારણ બે પૈસાનો ઘટાડો આવ્યો હતો. 

તાજેતરમાં વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના ભાવમાં અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ પ્રવર્તી રહ્યું છે અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ પણ ઘટી રહી હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહેતા રૂપિયો 94.10થી 94.85ની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય, એમ મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ વ્યક્ત કરી હતી. વધુમાં સીઆર ફોરેક્સ એડવાઈઝરના મેનેજિંગ ડિરેક્ટર અમીત પાબારીએ જણાવ્યું હતું કે આગામી 19મી જૂને અમેરિકા અને ઈરાન વચ્ચેના કરાર વાસ્તવિકતામાં પરિણમે નહીં ત્યાં સુધી રૂપિયામાં સુધારો જોવા મળે, પરંતુ મક્કમતાનો અભાવ રહેશે.  

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.03 ટકા ઘટીને 99.57 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.08 ટકા ઘટીને બેરલદીઠ 78.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 347.14 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 96.55 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો.